Abtak Media Google News

કોંગ્રેસના નેતાઓનો વાણી વિલાસ ભાજપની બેઠકો વધારશે

મણીશંકર ઐય્યરને સસ્પેન્ડ કરી આગ ઠારવાનો કોંગ્રેસનો નિષ્ફળ પ્રયાસ

વિધાનસભા ચૂંટણી માટે મતદાનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે કોંગ્રેસને વાણી વિલાસના કારણે અનેક મતોનું નુકસાન થયું છે. ભૂતકાળમાં ‘મોત કા સોદાગર’ શબ્દના ઉપયોગના કારણે કોંગ્રેસે બહોળી સંખ્યામાં મતો ગુમાવ્યા હતા. ત્યારબાદ મોદી પરના શાબ્દિક પ્રહારોમાં માન-મર્યાદાને પર રાખી કોંગ્રેસના આગેવાનોએ વાણી વિલાસ કર્યો હતો. મોદીને સરમુખ્તયાર ગણાવવાનું પણ કોંગ્રેસ કયારેય ચૂકી નથી. ગઈકાલે કોંગ્રેસના આગેવાન મણીશંકર ઐયરે મોદી માટે નીચ શબ્દનો ઉપયોગ કરી ફરીથી ચૂંટણી પરની પકડ ગુમાવી દીધી છે.

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અત્યાર સુધી ફૂંકી ફૂંકીને પગલા ભરી રહી હતી. રાહુલ ગાંધીએ હિન્દુ મતો જીતવા મંદિરે મંદિરે માથુ ટેકવ્યું હતું. મોદીની વિરુધ્ધમાં બોલવામાં મર્યાદાની સીમા વટાવાઈ ન જાય તેનું ધ્યાન અત્યાર સુધી રાખ્યું હતું. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસના નેતા મણીશંકર ઐયરે વડાપ્રધાનને ચાયવાલા કહીને ભાજપનું પાસુ ફેરવી નાખ્યું હતું. હવે ચૂંટણીમાં મોદીને નીચ કહ્યાં છે, અલબત રાહુલ ગાંધીએ તેમને તાત્કાલીક માફી માંગવા આદેશ આપ્યો હતો ઉપરાંત ઐયરને સસ્પેન્ડ પણ કરી નાખ્યા હતા.

જો કે, ભાજપને ઐયરે કહેલા શબ્દો માટે મુદ્દો મળી ગયો છે. સુરતમાં લીંબાયત ખાતે જંગી રેલી સમક્ષ વડાપ્રધાને ઐયરના વિધાનોનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, હા તેમણે મને નીચ કહ્યો છે પરંતુ આપણા મતદારો ખૂબજ મજબૂત છે, આવા તત્ત્વો માટે અમારે કશુ કહેવાનું નથી જવાબ મતપત્રક આપશે, આપણે આ લોકો દ્વારા ઘણા અપમાનો જોયા છે, અગાઉ તેમણે મને મોત કા સોદાગર પણ કહ્યો હતો. તેઓ ભલે મને નીચ કહે આપણે એનો કોઈ જવાબ આપવો નથી, આપણા આ સંસ્કાર નથી. કોંગ્રેસના નેતાઓ જે ભાષામાં બોલે છે તે લોકશાહીમાં સ્વીકાર્ય ન હોવાનું પણ વડાપ્રધાને કહ્યું હતું.

મણીશંકરના વિધાનથી ભાજપ જ નહીં કોંગ્રેસના નેતાઓ પણ હતપ્રભ બની ગયા છે. ગુજરાત કોંગ્રેસ પણ ભગરાઈ ગઈ છે. છેલ્લા બે મહિનાની ચૂંટણી મહેનત પર પાણી ફરી ગયું છે.

મોત કા સોદાગર સમયે ઉભી થયેલી પરિસ્થિતિ ફરી ઉભી થઈ રહી છે. વર્ષ ૨૦૦૭ના ડિસેમ્બર મહિનામાં પણ આ જ પ્રકારે પરિસ્થિતિ બદલાઈ હતી. સોનિયા ગાંધીએ ગુજરાતમાં પ્રચાર દરમિયાન મોત કા સોદાગર શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેની સાથે જ આતંકવાદનો મુદ્દો સપાટી પર આવી ગયો હતો. બનાવટી એન્કાઉન્ટરના મુદ્દે મોજુ ફરી વળ્યું હતું અને ભાજપની ભારે બહુમતીથી જીત થઈ હતી.

રાહુલ ગાંધીએ અગાઉ જીએસટી મુદ્દે ગબ્બરસિંઘ ટેકસ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આડકતરી રીતે આ શબ્દ પણ મોદીની વિરુધ્ધમાં હોવાનું જણાયું હતું. એકંદરે મોદી સામે બોલાયેલા શબ્દો જ કોંગ્રેસને ભારે પડી રહ્યાં છે. મોદી પણ આ શબ્દોનો પોતાની આગવી શૈલીમાં જવાબ આપી રહ્યાં છે. માત્ર એક નેતાના વાણી વિલાસના પરિણામે રાજકારણનું પાસુ પલટાઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.