Abtak Media Google News

સારી સુવિધાઓ, સ્વચ્છતા, વેસ્ટ મેનેજમેન્ટ, સંક્રમણ નિયંત્રણ, જેવી સુવિધાઓ ધરાવનાર હોસ્પિટલોને અપાઈ છે એવોર્ડ: નવી દિલ્હીમાં આયોજિત સમારોહમાં ડો.વી.કે. દાસ અને સ્મિતા ગવલીએ એવોર્ડ સ્વીકાર્યો

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની વિનોબાભાવે સીવીલ હોસ્પિટલને રાષ્ટ્રીય કાયાકલ્પ પુરસ્કાર એનાયત કરાયો છે. દિલ્હીમાં સ્ટીન ઓડિયોરીયમમાં આયોજીત એક સમારોહમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન દ્વારા આ હોસ્પિટલને સારી કામગીરી બદલ પુરસ્કાર એનાયત કરાયો હતો.

સંઘ પ્રદેશના સ્વાસ્થ્ય અધિકારી તથા વિનોબા ભાવે હોસ્પિટલના અધિક્ષક ડા. વી.કે. દાસ તેમજ સ્વાસ્થ્ય વિભાગ દા.ન.હમાં કાર્યરત રાજય સલાહકાર સ્મિતા ગવલીને આ પુરસ્કાર તેમજ ૨ કરોડ રૂપીયા આપી સન્માનીત કરાયા હતા.

Svbch2 Svbch3

આ તકે સ્વાસ્થ્ય રાજય મંત્રી અશ્ર્વીનીકુમાર, સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના સચીવ પ્રીતી સુદન, મનોજ ઝાલાણી ડો. જે.એન. શ્રી વાસ્તવ તેમજ સ્વાસ્થ્ય મંત્રાલયના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષે આ એવોર્ડ માટે ૨ શ્રેણીઓ બનાવવામા આવી હતી જેમાં ૨૪ હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ શ્રેણીમાં નવીદિલ્હીની એજસ હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ, જેવી હોસ્પિટલોને સામેલ કરાઈ હતી જયારે શ્રેણી બીમાં વિનોબા ભાવે સીવીલ હોસ્પિટલની સાથે ભોપાલ, ભુવનેશ્ર્વર, જોધપૂર, પટના, રાયપૂર, ઋષિકેશની એમ્સ હોસ્પિટલોને સામીલ કરાઈ હતી.જેમાંથી વિનોબા ભાવે હોસ્પિટલમાં સારી સ્વચ્છતા તેમજ સારી સુવિધાઓ, વેસ્ટ મેનેજમેન્ટ, સંક્રમણ નિયંત્રણ સપોર્ટ સુવિધાઓ જેવી સારી સુવિધાઓ હોવાને કારણે આ એવોર્ડ એનાયત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે પ્રશાસક પ્રફુલ પટેલની આગેવાનીમાં તેમજ સ્વાસ્થ્ય સચીવ ડો.એ.મુથમ્માના માર્ગદર્શન હેઠળ આ સુવિધાઓ પુરી પાડવામાં આવી રહેલ છે. દાનહના સ્વાસ્થ્ય નિર્દેશક ડો. વી.કે. દાસના નેતૃત્વમાં પુરી સ્વાસ્થ્ય ટીમ સારૂ કામ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.