Abtak Media Google News

ચૂંટણી આચારસંહિતાનો કડક અમલ શરૂ, વિવિધ કમિટીઓ રચાઈ

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો માટે ૯મી, અને ૧૪મી ડિસેમ્બરે એમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી દીધી છે અને તેની સાથે રાજ્યભરમાં ચૂંટણી આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. રાજ્યના ગૃહ-મહેસૂલ સહિતના વિભાગો હવે, ચૂંટણી પંચને હવાલે થઈ ગયા છે. હવેથી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, મતદારો ઉપર પ્રભાવ ઊભો થાય તે રિતની કોઈ નવી જાહેરાત કે વર્તન નહીં કરી શકે. દરેક ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની અગાઉની રૂ. ૨૮ લાખની મર્યાદા યથાવત રખાઈ છે. ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગરબડ ન સર્જાય, મની કે મસલ્સ પાવરનો ઉપયોગ ન થાય તે પંચ માટે દ્વારા વિવિધ કમિટીઓનું ગઠન કરી દેવાયું છે. આ વખતે પંચ દ્વારા ૨૫મી,સપ્ટેમ્બરથી મતદારયાદીમાંથી કોઈપણ મતદારનું નામ રદ કરવા ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. જો ઉમેદવાર ફોર્મ ભરાય તેના ૧૦ દિવસ અગાઉ સુધી મતદારોના નામ યાદીમાં ઉમેરી શકાશે એવી વ્યવસ્થા ઊભી કરી છે.ચૂંટણી પંચના ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈને જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં સમાધાન અને સુવિધાનામની એપ લોન્ચ કરાઈ છે. જે મુજબ આચારસંહિતા સંદર્ભે ફરિયાદ હોય તો તેઓ સમાધાન એપ મારફત ફરિયાદ નોંધાવી શકશો. એવી જ રીતે ઉમદેવારોની કે અન્ય કોઈપણ બાબતે પંચની મંજૂરી મેળવવાની થતી હશે તો તેઓ સુવિધા એપ દ્વારા તે મંજૂરી ઓનલાઈન મેળવવા અપીલ કરી શકશે. નાણાકીય હેરફેર બાબતે સામાન્યજનને કોઈ તકલીફ ન પડે તે માટે મોટાભાગે ફરિયાદ નહીં હોય કે ઉમેદવાર અથવા પક્ષો સાથે સંબંધિત નહીં હોય તેવા લોકોને નાણાની હેરફેરમાં તકલીફ ન પડે તે માટે તેમની ચકાસણી નહીં કરાય તેવી વ્યવસ્થા અંગે તંત્રને તાકીદ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.