Abtak Media Google News

ગાંધીનગરમાં બોર્ડ કચેરીના સંકુલમાં રિનોવેશન બાદ છ મહિનામાં થશે સ્થળાંતર પ્રક્રિયા: વડોદરામાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓ નાખુશ

સન ૧૯૬૦થી એટલે ૫૭ વર્ષથી વડોદરામાં કાર્યરત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને આખરે તાળા વાગી જશે. આગામી ૬ મહિનામાં વડોદરાની કચેરીની તમામ કામગીરી ગાંધીનગર ખાતે ખસેડવામાં આવશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલમાં ધો ૧૦ની પરીક્ષાની તમામ કામગીરી વડોદરા કચેરી ખાતેથી થાય છે. જ્યારે ૧૨ની પરીક્ષાની કામગીરી ગાંધીનગરથી કરવામાં આવે છે. જોકે પરીક્ષાને લગતા નીતિવિષયક નિર્ણયો ગાંધીનગરથી જ લેવામાં આવે છે.૧૦માની પરીક્ષાની કામગીરી માટે વડોદરાની કચેરીમાં ૧૦૦ ઉપરાંત કર્મચારીઓનો સ્ટાફ છે.જોકે સરકારે ૩ વર્ષ અગાઉ જ તમામ કામગીરી ગાંધીનગરની બોર્ડ કચેરીમાંથી કરવાનુ નક્કી કર્યુ હતુ અને તેના પર હવે અમલ શરૂ કરી દેવાયો છે. ગાંધીનગર ખાતે બોર્ડ કચેરીના સંકુલમાં એક મકાનનું રીનોવેશન કરવામાં આવી રહ્યુ છે. રીનોવેશન પૂરું થયા બાદ ૧૦માની પરીક્ષાને લગતી કામગીરી આ મકાનમાંથી થશે. વડોદરાથી કચેરીનું સ્થળાંતર થવાના કારણે મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના સેંકડો વાલીઓને ધો ૧૦ને લગતી કોેઈ પણ કામ માટે ગાંધીનગર જવું પડશે. કચેરીને તાળાં વાગી ગયા બાદ વડોદરામાં ફરજ બજાવતા તમામ કર્મચારીની પણ ગાંધીનગર બદલી કરવામાં આવે તેવી સંભાવના છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બાદ શિક્ષણ બોર્ડની પહેલી કચેરીની વડોદરામાં સ્થાપના કરાઈ હતી. ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાતના શિક્ષણ બોર્ડની કચેરીનો પ્રારંભ વડોદરામાં થયો હતો. પોલો ગ્રાઉન્ડ નજીક હાલમાં યુનિવર્સિટી પ્રેસ ચાલે છે ત્યાં તેની પાછળની ઈમારતમાં બોર્ડની કચેરી શરુ થઈ હતી. એ પછી તેને હાલમાં નવાપુરા વિસ્તારમાં આવેલી ઈમારતમાં શિફ્ટ કરવામાં આવી હતી.૧૯૭૫માં ન્યુ એસએસસી પદ્ધતિ ગુજરાતમાં અમલમાં આવી તે પછી બોર્ડની કચેરી ગાંધીનગર ખાતે શરૂ કરાઈ હતી.જોકે તે પછી પણ વડોદરા ખાતે તો બોર્ડની કામગીરી ચાલુ જ રાખવાનું નક્કી કરાયું હતુ.જે પ્રમાણે અત્યાર સુધી ૧૦માની પરીક્ષાની તમામ વ્યવસ્થા અને વહીવટી કામગીરી વડોદરામાંથી જ કરવામાં આવતી હતી. જોકે હવે સરકારે અન્ય સરકારી વિભાગોની તમામ કચેરીઓ ગાંધીનગર ખાતે ખસેડી છે ત્યારે વડોદરા બોર્ડની કચેરીને પણ તાળાં મારવાનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલી બોર્ડની કચેરીમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ કચેરીનું સ્થાળાંતર કરવાના નિર્ણયથી ખુશ નથી. તેમણે આ મુદ્દે સરકાર અને બોર્ડના સત્તાધીશોને આવેદનપત્ર આપ્યું છે. બુધવારે પણ કચેરીની બહાર તેમણે દેખાવો પણ કર્યા હતા. કર્મચારીઓનું કહેવું છે કે ૧૦૦ કરતા વધારે કર્મચારીઓ વડોદરામાં વર્ષોથી ફરજ બજાવે છે. આ પૈકીના મોટાભાગના નિવૃત્તિના આરે આવીને ઊભા છે. કર્મચારીઓમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બોર્ડ કચેરીના સ્થળાંતરના કારણે કર્મચારીને ગાંધીનગર રહેવા જવું પડશે અથવા તો અપડાઉન કરવું પડશે. ઉપરાંત સરેરાશ રૂ. ૧૦૦૦૦ના પગારમાં કામ કરતા ચોથા વર્ગના કર્મચારીઓને ગાંધીનગર વસવાટ કરવાનો આવશે તો વધારે મુશ્કેલી પડશે.આ સંજોગોમાં હજી બે-ત્રણ વર્ષ વડોદરાની કચેરી ચાલુ રાખવામાં આવેતેવી માગ કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.