Abtak Media Google News

સૌથી નાના અને કદમાં પણ નાના ગટ્ટીએ તેના સાથીદારો સાથે બાળ સુધારણા ગૃહમાંથી ત્રણ ત્રણ વખત નાસી છુટવા પ્રયત્ન કર્યા અને પકડાઈ ગયા; ચોથી વખત નાસવાનું પ્લાનીંગ શરૂ કર્યું !

લાઠી ફોજદાર જયદેવે આ ઘરફોડ ચોરીની બાળ ગેંગ અને તેના વાલીઓને બોલાવવા માટે માણસો રવાના કરી દીધા તેથી આ બાળકોને કાયદેસર અટક તો કરવા જ પડશે અને જુવેનાઈલ જસ્ટીસ એકટની જોગવાઈ મુજબ જામીન પણ લેવા પડશે. પરંતુ જયદેવ મનમાં વિચારતો હતો કે બાળકોની આ આખી ટોળકી અવળે રસ્તે ચડેલી છે તેને પાછી સારા રસ્તે કેમ વાળવી . આ કાર્ય અશકય તો નહતુ પરંતુ અધરૂ તો જરૂર હતુ કેમકે સાત બાળકો પૈકી બે બાળકો જ સ્કુલમાં ભણવા જતા હતા  બાકીનાં પાંચતો કોઈ અભ્યાસ જ કરતા ન હતા સાવ નવરાધૂપ આંટા ફેરા મારતા હતા જેથી ખાસ આ પાંચ બાળકો અને તેના વાલીઓને બાળકો હવે ગુન્હાઈત પ્રવૃત્તિ ન કરે તે સમજાવવા અને તાકીદ કરવાની જરૂરત હતી.

તમામ બાળ આરોપીઓ અને તેમના વાલીઓ આવી ગયા. ચાવંડ દરવાજે ટ્રાન્સપોર્ટ ઓફીસ પાસે જાણે મોટો મેળાવડો જામ્યો હોય તેવી સ્થિતિ હતી. આથી જયદેવે બાળ આરોપીઓને જીપમાં પોલીસ સ્ટેશને રવાના કરી દીધા. બાળ આરોપીઓના વાલીઓને ટ્રાન્સપોર્ટ ઓફીસમાં બોલાવી બનેલ બનાવથી માહિતગાર કર્યા, જોકે તમામને લાઠીની બજારમાં દુકાનો તુટતી હતી અને ગામ આખામાં દેકારો બોલતો હતો તેની તો ખબર જ હતી પરંતુ આ પરાક્રમો તેમના લાડકવાયાઓનાં જ હતા. તે જાણીને આઘાત પામ્યા અને દુ:ખી થઈ ગયા. આથી અમુક વાલીઓએ તો ઉશ્કેરાઈ જઈ ને કહ્યું કે છોકરાઓ ને પોલીસ સ્ટેશને ખોટા મોકલી દીધા અહી રાખવાની જરૂર હતી. કેમકે મીઠાઈઓ તો બહુ ખાધી હવે મેથી પાક પણ ખવરાવવાની જરૂર હતી. આથી જયદેવે કહ્યું હવે બાળકોને મારવાથી કોઈ ફાયદો થવાનો નથી. જે થવાનું હતુ તે થયું હવે ‘જાગ્યા ત્યાંથી સવાર’ આ છોકરાઓ ફરીથી આવા ગુન્હાઓ ન કરે તે માટે તેમને તકેદારી રાખવા સમજાવ્યા. પરંતુ અમુક વાલીઓ એ કહ્યું ‘ના સાહેબ આ છોકરાઓ માર વગર નહિ સુધરે તેની સરખી પીટાઈ કરવાની જરૂર છે. જયદેવે કહ્યું આ બાળકો છે તેને સમજાવી ને કામ લેશો તો સુધરવાની વધારે શકયતા છે. તમે રાત્રે વાળુ પાણી કરી લીધા પછી છોકરાઓને રાત્રે ઘર બહાર જ ન જવાદો અને તેમની દિવસની પ્રવૃત્તિનો પૂરે પૂરો હિસાબ રાખો અને ધ્યાન રાખો તો છોકરાઓ સુધરી જશે પણ બાળ આરોપીઓના અમુક વાલીઓ ને આ બાબતે શંકા હતી. પરંતુ પોલીસ સાથે શું દલીલ કરવી તેમ માની ને ચુપ રહ્યા.

જયદેવે તમામ બાળ આરોપીઓની પૂછપરછ કરી નિવેદનો લખી લઈ જામીન ખત ભરી લીધા અને જામીનમાં તેમના વાલીઓને સહી કરવાનું કહ્યું. પરંતુ અમુક બહુજ તોફાની છોકરાના વાલીએ ટ્રાન્સપોર્ટવાળા ઘનશ્યામભાઈને વિનંતી કરી તમો ફોજદાર સાહેબને સમજાવો ને કે આ છોકરાને જામીન ઉપર નહિ છોડી થોડા દિવસ આ તોફાનીઓને જેલમાં જવાદો ત્યાં ‘પારકીમાં ના બરાબર કાન વિંધશે’ તો ખબર પડશે કે ઘેર રહ્યા કેમ ડખા કરાય છે આથી ઘનશ્યામાઈએ કહ્યું ‘હું સાહબેને’ એક ને ગોળ અને એકને ખોળ જેવી ભલામણ કરી શકું નહિ કેમકે મારા માટે તો તમામ બાળકો સરખા છે. આ સાંભળીને બાળકોના વાલીઓ તમામ પોતાના છોકરાઓને આઠ દસ દિવસ અમરેલી બાળકોની જેલ કે જે ઓબ્જર્વેશન હોમ કે સુરક્ષાગૃહમાં મૂકવા સહમત થઈ ગયા અને જયદેવને તે પ્રમાણે કહ્યું. તેથી જયદેવે જુવેનાઈલ જસ્ટીસ એકટની જોગવાઈ મુજબ તમામ બાળકોને પ્રમુખ બાળ અદાલત કે જેનો હવાલો ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ પાસે રહેતો હોય છે તેમની સમક્ષ રજૂ કરવા રીપોર્ટ કર્યો.

બાળકોને અમરેલી બાળ અદાલતમાં રજૂ કર્યા. પ્રમુખ બાળ અદાલતે બાળકોનો સાથે વાતચીત કરતા બાળકોએ કહ્યું ભૂલ થઈ ગઈ છે હવે આવું નહિ કરીએ. આથી પ્રમુખ બાળકોના જામીનનો હુકમ કરતા હતા ત્યાં સાથે આવેલ એક વાલીએ તમામ બાળકોના વાલીઓની લાગણીથી પ્રમુખને વાકેફ કર્યા. સાતેય બાળકોનો ઓબ્ઝર્વેશન હોમમાં મૂકવાનો હુકમ થયો.

જયદેવનો અનુભવ એવો હતો કે મોટા શહેરોનાં ઓબ્ઝર્વેશન હોમમા રહેલા અમુક ૧૫ થી ૧૮ વર્ષ સુધીની વયના રીઢા બાળ ગુનેગારો નવા આવનાર નાના બાળગુનેગારોને વધુ બગાડે છે. અને ન શિખવાના ધંધા પણ ઓબ્ઝર્વેશન હોમમાં શિખવાડતા હોય છે. પરંતુ અમરેલીનું ઓબ્ઝર્વેશન હોમ કે સુરક્ષા ગૃહતો ખાલી હતુ તેથી સાતે સાત બાળકોને સુરક્ષા ગૃહમાં મૂકી ને જયદેવ લાઠી જવા રવાના થઈ ગયો.

આ અમરેલીનો બાળ આરોપીઓ ભગોડો થયાનો વાયરલેસ મેસેજ વાંચીને તુરત જ જયદેવ જીપ લઈને સૌ પ્રથમ ગટ્ટીના ઘેર જ આવ્યો. ગામની બારોબાર પરા વિસ્તારમાં કાંટાળીવાડ વાળેલી તેમાં એક લાકડાનો ઝાંપો હતો જયદેવ ખોલીને અંદર ગયો અને જોયું તો એક ઓરડી દેશી છાપરાની હતી. ઓરડી બહાર એક તરફ ખાટલામાં ગટ્ટીનો બાપ એક બે ત્રણ વર્ષના બાળકને રમાડતો હતો. અને ગટ્ટીનીમાં ઓરડીની બહાર બાવળના ઝાડ નીચે મંગાળો માંડીને રસોઈ બનાવી રહી હતી. પોલીસને જોઈ ગટ્ટીનો બાપ ઉભો થઈ ગયો. જયદેવે તેને પૂછયું કે ‘ગટ્ટી આવ્યો છે કે કેમ’ તેમ પૂછતા તેણે કહ્યું ‘સાહેબ તે તો તમે લઈ ગયા તે લઈ ગયા, પછી જોયો જ નથી’ આથી જયદેવે વિગતે વાત કરી કે ગટ્ટી તેના બે મિત્રો સાથે ગઈરાત્રીના જ સુરક્ષા ગૃહમાંથી નાસી છૂટયો છે. ‘આમ વાત કરતા ગટ્ટીની માં મોટા અવાજે રડવા લાગી કે’ ઓઈ મા આ બીજી રાત પડી ગઈ મારો ગટ્ટી કયાં હશે?’ આ સાંભળીને ગટ્ટીના બાપે છણકો કરી ને તેની પત્નીને કહ્યું ‘ચુપ રહે આ તમામ કારસ્તાન તારા લાડકા ગટ્ટીના જ છે. શાંતિથી રહેતો નથી અને કોઈને રહેવા દેતો નથી. હવે આ તારો લાડકો ન આવે તો પણ કાંઈ વાંધાે નથી, સમાજમાં બે ઈજજતી તો નહિ ‘પણ જયદેવે તેને આશ્વાસન અપીયું જશે પરંતુ હવે ઘેર આવે તો પોલીસને જાણ કરજો’ તેમણે કહ્યું ‘ભલે સાહેબ’.

પાંચેક દિવસ પછી સાંજના સમયે અમરેલી સીટી પોલીસ સ્ટેશન તરફથી એક વાયરલેસ મેસેજ આવ્યો કે લાઠી પોલીસ સ્ટેશનના ગુન્હાના કામના બાળ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ સુરક્ષા ગૃહમાંથી ગતરાત્રીનાં નાસી છૂટેલ છે. જે ત્રણ બાળ આરોપીના નામ હતા તેમાં એક નામ ગટ્ટીનું પણ હતુ જયદેવને મનોમન થયું કે હોય ન હોય આ કારસ્તાન પણ ગટ્ટીનું જ હશે ભલે તે ઉંમર અને દેખાવમાં નાનો લાગતો હોય પણ તે બહુ ચાલક હતો તે બાબતતો જયારે બાળ આરોપીઓને પૂછપરછ કરી નિવેદનો લીધેલા ત્યારે જ દરેક પ્રશ્નો ના જવાબ ગટ્ટી જ આપતો હતો ત્યારે નકકી થઈ ગઈ હતી. તે ઉપરાંત ગોવાળ આરોપી સૌ પ્રથમ પકડાયેલો તેણે પણ જણાવેલું કે આ ચોરીઓ કરવાની સલાહ અને ચોરીઓ કેમ અને કયાં કરવી તેનું કાવત્રુ અને આયોજન પણ ગટ્ટીએ જ કરેલું !

જયદેવ મનમાં વિચારતો હતો કે અભણ ઝુંપડ પટ્ટીમાં રહેતા ગરીબ પણ ખાનદાન નાગરીક અંગે કે જેને પોતાની ઈજજત વહાલી હતી. અને જયારે ભણેલા સફેદ ઠગો અને નેતાઓ જેલમાં જવા છતા અને સજાઓ થવા છતા બહાર આવી જેમ દુધે ધોયેલા અને હરીચંદ્રના અવતાર હોય તેમ બેશરમીથી સમાજમાં જાહેરસભાઓને ગજવે છે પણ ચૂંટણી પંચ ગેરલાયક ઠેરવે તો પત્ની કે બાળકોને ચૂંટણીમાં ઉભા રાખી દે કોણ બેશર્મ? આ ઝુંપડ પટ્ટીવાળો કે ઠગ નેતા? કોણ ગેરલાયક આ ઠગ નેતા કે તેમને મત આપતી જનતા?

જયદેવે વિચાર કરતા કરતા બીજા બે બાળ આરોપીના ઘર પણ તપાસી લીધા અને કલાપી સીનેમા ચાવંડ દરવાજા અને બસ સ્ટેન્ડ વિસ્તાર તપાસ્યા પરંતુ આ અઠંગ બાળ આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો નહિ. આરોપીઓની તપાસ કરવાની આમ તો હવે જવાબદારી અમરેલી સીટી પોલીસની હતી. પરંતુ જયદેવ ને એવી શંકા હતી કે રાત્રીના જો આ ટોળકી આવી ગઈ અને વળી પાછી કોઈ દુકાન તોડશે તો પાછા ધંધે લાગીશુ તેથી પોલીસ સ્ટેશનમાં રોલ કોલમાં તમામ જવાનો તેમાંય ખાસ રાત્રી ફરજ વાળાઓને આ ત્રણ ઘરફોડીયા જેલ તોડીને નાસી ગયાથી વાકેફ કરી તપાસમા રહેવા સુચના કરી દીધી.

બીજે દિવસે સવારે સાડા દસેક વાગ્યે પોલીસ સ્ટેશનમાં ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી અને જયદેવે જ ટેલીફોન ઉપાડયો ફોન લાઠી રેલવે સ્ટેશનથી હતો અને જણાવ્યું કે સાહેબ એવું લાગે છે કે અમરેલી જેલમાં મોકલેલા બાળ ગુનેગારો અત્રે આવ્યા છે. તો તમો જરા આવીને જોઈ ખાત્રી કરી લ્યો તો સારૂ. જયદેવે જીપ લઈને તુરત લાઠી રેલવે સ્ટેશને પહોચી ગયો. સ્ટેશન ઉપર રેલવેના કર્મચારીઓ સાંધાવાળા, સ્ટેશન માસ્તર, ગેટમેન વિગેરે છોકરાઓને પૂછપરછ કરતા હતા જયદેવે દૂરથી જોઈને તુરત જ ઓળખી ગયો કે આ જેલનાં ડ્રેસમાં રહેલી ગટ્ટીની ત્રિપુટી જ હતી.

કેવી રીતે પકડાયા તે પૂછપરછ કરતા સ્ટેશન માસ્તરે જણાવ્યું કે અહીંની નજીકમાં જ અર્ધા પેલેસ પાસે રેલવે ટ્રેક ઉપર લાઠી ચાવંડ હાઈવેનું લેવલ ક્રોસીંગ ફાટક આવેલ છે. તે ફાટકના ગેટમેને આ ત્રણે છોકરાઓને રેલના પાટે પાટે ઢસા તરફ જતા જોયા. વળી આ ગેટમેને સવારમાં છાપામાં વાંચેલું કે લાઠીના બાળ ગુનેગારોને અમરેલીની જેલ હવાલે કરેલ છે. તેથી તેને મનમાં ચમકારો થયો અને ત્રણેયને રોકીને સ્ટેશન ઉપર લાવી મને વાત કરતા મેં ટેલીફોન થી તમને જાણ કરી દીધી. જયદેવે ગેટમેનની હોંશીયારી અને સતર્કતા બદલ અભિનંદન આપ્યા અને સ્ટેશન માસ્તરનો પણ આભાર માન્યો.

જયદેવે ગટ્ટી ત્રિપુટીને પોલીસ સ્ટેશને લાવીને સૌ પહેલા નાસ્તો-ચા-પાણી મંગાવી ભરપેટે ખવરાવ્યું અને પછી હંસતા હંસતા જ ગટ્ટીને કહ્યું ડોન હવે તું જ તમામ હકિકત જણાવી દે એટલે કામ પૂરૂ થાય. ગટ્ટીએ જે ખખળીને વાત કરી તેની હકિકત નીચે મુજબની હતી.

અમરેલીનું સુરક્ષા ગૃહ તે સમયે શહેરની બહારના ભાગે પરા વિસ્તારમાં રેલવેના પાટાની નજીક આવેલું હતુ સુરક્ષા ગૃહની નજીકમાં એક મંદિર પણ હતુ. જે દિવસે સુરક્ષા ગૃહમાં તમામને મૂકયા એટલે તુરત તેમણે પહેરેલ ઘરના કપડા બદલાવીને સુરક્ષાગૃહનો ડ્રેસ પહેરાવી દીધેલ એકાદ દિવસ તો જેમ તેમ પસાર કર્યો પણ આ ‘આઝાદ પંછી’ઓને પીંજરામાં બંધ રહેવું કેમ ગમે? ખાસ તો સૌથી નાના ગટ્ટીને પ્રતિબંધીત ગૃહમાં કીડીઓ ચડતી હોય તેવું લાગતુ હતુ તેને કયાંય ચેન પડતું નહતુ તેણે જોયું કે સુરક્ષા ગૃહ ઉપર કોઈ યુનિફોર્મ ધારી પોલીસનો પહેરો ન હતો. તેથી કોઈ ભય તો હતો નહિ આથી તેણે સુરક્ષા ગૃહના કર્મચારીઓની ગેરહાજરીમાં ત્યાંથી નાસી જવા માટે સાથીદારોને ઉશ્કેરાર્યા. પણ આ ચર્ચામાં ચાર સાથીદારો એ કહ્યું કે એવું ન કરાય દિવસો જતા કાંઈ વાર નહિ લાગે આઠ દસ દિવસમાં તો ઘરના તેડી જવાના જ છેને! જો અહીથી ભાગીશું તો લાઠી પોલીસ પાછી પકડશે અને વળી માતા પિતા પણ ગુસ્સે થશે. તેથી અહી પડયા રહેવામાંજ મજા છે.

પરંતુ ગટ્ટીએ કહ્યું તમે કહો તે વાત સાચી પણ લાઠી જઈએ તો માતા પિતા ખીજાય અને પોલીસ પકડેને? આપણે હવે લાઠી કયાં જવું છે હવે તો અહીથી છટકયા એટલે મુંબઈ ભેગા! અને ત્યાં મુંબઈમાં અઢળક રૂપીયા બનાવીને પછી બીજી વાત ! પરંતુ સાતની આ ટોળકીમાંથી ફકત બે છોકરા ગટ્ટી સાથે મુંબઈ જવા તૈયાર થયા હતા. કેમકે તેમને અહી લાઠીમાં આમેય ગરીબીને હાડમારી બરાબર ભરડો લઈ ગઈ હતી અને કામ ધંધા વગર ના કંટાળી પણ ગયા હતા. ગટ્ટીએ તેમને અવું સમજાવેલું કે આપણે પહેલા મુંબઈ રેલવે સ્ટેશન ઉપર ચા -પાણી વેચીશું અને પછી ઓળખાણ પીછાણ થાય એટલે ફિલ્મમાં જેમ ડોન પૈસા વાળો થાય છે તેમ આપણે પણ ઢગલા બંધ પૈસા બનાવી પછી ખૂબ મોજ મજા કરીશું.

આમ નકકી કરી બીજા જ દિવસે બપોરના સુરક્ષાગૃહમાંથી ભાગવાનો મોકો મળતા ગટ્ટી સહિત ત્રણે જણા છુંમંતર થઈ ગયા. પરંતુ દિવસના સમયે સુરક્ષાગૃહ વાળા કલાકે કલાકે આંટો મારતા હોય આ ત્રણ જણાની ગેરહાજરી જણાતા તુરત જ સુરક્ષા ગૃહના મેનેજરે ટેલીફોનથી અમરેલી શહેર પોલીસને ત્રણ બાળ આરોપીઓ નાસી ગયાની જાણ કરી દીધી, અને ત્રણેયના નામ વર્ણન અને સુરક્ષાગૃહના ડ્રેસમાં જ નાસી ગયાનું જાહેર કરી દીધેલુ આથી પોલીસની નાકાબંધીમાં ત્રણે જણા અમરેલીની બજારમાંથી જ પકડાઈ ગયા અને પાછા આવ્યા સુરક્ષાગૃહના પીંજરામાં!

ગટ્ટીનો પ્રથમ પ્રયત્નતો નિષ્ફળ રહ્યો પણ હારમાને તો ગટ્ટી નહિ. ફરી વખત પ્રયત્ન કર્યો પણ આ વખતે તેમણે સુરક્ષાગૃહનો ડ્રેસ પહેર્યો નહિ કેમકે તેનાથી જ તેઓ ઓળખાઈ ગયા હતા. આથી ગટ્ટીએ જોઈ લીધું કે ઘરના કપડા કયાં રાખ્યા છે તે મોકો મળતા કાઢી લઈ તે વાઘા ચઢાવી દીધા અને જેલ ડ્રેસ કાઢીને ભાગી છૂટયા બદનસીબે કે સદનસીબે ફણી વખત તો સાદા કપડામાં સુરક્ષા ગૃહના કર્મચારીઓએજ બસ સ્ટેન્ડમાંથી પકડી પાડયા.

આથી સુરક્ષાગૃહના મેનેજર બરાબર ખીજાયા, અને હવે આ ત્રણે બાળકો કોઈ પણ હિસાબે છટકી ન શકે તેવું ચુસ્ત આયોજન કર્યું. દિવસના સમયે સતત એક વ્યકિત તેમની ઉપર હાજર રહે તેવી વ્યવસ્થા કરી. પણ રાત્રીનું શું? વ્યવસ્થાપકો મુંઝાયા, ગટ્ટીની ટોળકીના ખેલ બહુ વિચિત્ર હતા. તેથી રાત્રી માટે એવી વ્યવસ્થા કરી કે ગટ્ટી અને તેના બે જોડીદારને સુવાનું સુરક્ષાગૃહના બીજા માળેને દાદરાવાળા નીચેના રૂમમાં ચોકીદાર સુઈ રહેશે. આમ નકકી કરી તમામ નિશ્ચીત સુઈ ગયા.

પરંતુ હાર કબુલે કે હિંમત હારે તો ગટ્ટી જ નહિ ત્રણે જણા અર્ધી રાત્રે ઉઠીને સુરક્ષા ગૃહના ડ્રેસમાંજ અંધારામાં ધીરેધીરે દાદરો ઉતરી નીચેના રૂમમાં થઈ બહાર ભાગવા જતા અંધારાના કારણે ખ્યાલ ન રહ્યો કે રૂમમાં રસ્તા વચ્ચે જ ચોકીદાર સુતો છે અને એક જણ તેની સાથે અથડાયો અને વળી પાછા ત્રણેય પકડાયા. ચોકીદાર ખીજાયો રાત્રીનો સમય અને બીજુ કોઈ હાજર પણ નહિ પરંતુ ચોકરીદાર પણ અનુભવી હતો. તેણે ત્રણે જણાને પાછા બીજા માળે લઈ જઈ સુરક્ષાગૃહનાં ડ્રેસ ઉતરાવી પોતાની પાસે રાખી લીધા આમ ત્રણેય જણાને બીજા માળે દિગંબર ડ્રેસમાં જ સુવાની ફરજ પાડી. ચોકીદારે બીજા માળના રૂમનો દરવાજો પણ બહારથી બંધ કરી દીધો અને પછી પોતે પણ આરામથી સુઈ ગયો.

ગટ્ટી ત્રીપુટી વિચારતી હતી કે સાલુ બરાબર ફસાયા કોઈ મેળ પડતો નથી. હવે તો આવતીકાલે રાત્રે પણ આજ હાલતમાં દિગંબર ડ્રેસમાં જ બીજા માળે સુવાનું અને દરવાજો પણ બહારથી બંધ રહેશે. ત્રણે જણા બીજા માળના રૂમની બારીમાં બેઠા બેઠા ઘોર અંધારાનું રસપાન કરતા હતા અને વિચારતા હતા. કે હવે શું કરવું? ગટ્ટીએ બારીનો જે સળીયો પકડયો હતો તે થોડુ વધારે જોર કરીને હલાવ્યો તો સહેજ તે હલ્યો. આથી ગટ્ટીએ કહ્યું આજે સુઈ જાવ. આવતીકાલે બધુ થઈ રહેશે અને ત્રણે જણા પથારીમાં પડીને સૂઈ ગયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.