Abtak Media Google News

છેવાડાના ગામડાઓ અને લોકો સુધી કોવિડ રસી પહોંચાડવા સરકારે કવાયત શરૂ કરી

વિશ્વ આખામાં કોરોનાની રસી શોધવા માટે અનેકવિધ દેશો મહેનત કરી રહ્યા છે ત્યારે રશિયાએ પણ સ્પ્યુટનીક વી રસીને હ્યુમન ટ્રાયલમાં મોકલી હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશ પાસે જે પુરતા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રકચર કે પરીવહનની સુવિધા ન હોવાના કારણે સરકાર માટે લોકોને કોવિડ રસી પહોંચાડવા કપરા ચઢાણ સમાન છે. આ તકે આગામી વર્ષ જુલાઈમાં કોવિડ રસી ભારતમાં આજે આવશે ત્યારે ૨૦ થી ૨૫ કરોડ ભારતીયોને ફાયદો થવાની શકયતા સેવાઈ રહી છે જે માત્રને માત્ર કુલ વસ્તીના ૧૮ ટકા હોવાનું સામે આવ્યું છે. હાલ દેશને કોરોનાની રસી આગામી થોડા માસમાં મળશે તેવી શકયતા પ્રબળ બની છે. આ તકે કેન્દ્ર સરકાર દ્વારા રસી લોકો સુધી પહોંચાડવા માટેની પુરતી તૈયારીઓ પણ શરૂ કરી છે. આ રસીનો સંગ્રહ કરવા માટે અલગ-અલગ જગ્યાઓ પર કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા મળી રહે તે માટે હાલ એજન્સી દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સરકારે ફાર્માસ્યુટીકલ ક્ષેત્ર, ફુડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રી, એગ્રો બિઝનેસ તથા સ્વીગી અને ઝોમેટો જેવી સ્ટાર્ટઅપ કંપની સાથે વાતચીત કરી કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા માટેની માંગ કરી છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રસીનો સંગ્રહ કરવા માટે તમામ રાજયોમાં જિલ્લા સ્તરે સ્ટોરેજ અને મોટા ફ્રિઝની સુવિધાઓ ઉદભવિત કરવા માટે સરકાર પણ કાર્યરત થયું છે જે અંગે કોલ્ડ સ્ટોરેજની ઓળખ પણ કરવામાં આવી રહી છે જેનું તાપમાન ૦ થી -૮૦ ડિગ્રી સુધી રહી શકે. માહિતી મુજબ કોવિડની રસી અંગે જો વાત કરવામાં આવે તો આ રસી ૨ થી ૮ ડિગ્રી સુધીના તાપમાનમાં સંગ્રહ કરવામાં આવશે. વધુ વિગતો મુજબ રસી મુખ્યત્વે પ્રવાહી પદાર્થની સાથોસાથ ફ્રિઝ ડ્રાઈમાં પણ જોવા મળશે. કોવિડની તમામ રસીઓ માટે કોલ્ડ સ્ટોરેજની જરૂર વધુ છે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ પણ સામે એટલું જ પડકારજનક છે હજુ સુધી સરકાર પાસે કોલ્ડ સ્ટોરેજ અંગે જરૂરીયાત મુજબના પરીવહનની વ્યવસ્થા ઉભી થઈ ન હોવાથી સરકાર માટે આ પગલું જોજનો દુર હોવાનું પણ સામે આવી રહ્યું છે.

Vaccine

કોવિડ રસીને લઈ સરકાર તેના પરીવહન માટે રેફ્રીજરેટેડ વાનનો ઉપયોગ કરવા અંગે વિચારી રહ્યું છે જેની સંખ્યા વધારવા માટે પણ સરકાર હાલ માહિતી એકત્રિત કરી રહી છે. સરકારી વાન ઉપરાંત પ્રાઈવેટ ક્ષેત્ર પાસેથી રહેલી વાનનો જો જરૂર પડશે તો તેનો ઉપયોગ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે ત્યારે રસીનો સંગ્રહ કરવા માટે હાલ અનેક રાજયોમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓ ઓછી જોવા મળે છે જેથી તે આંકડો કેવી રીતે વધારવો એ પણ એટલું જ જરૂરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ પ્રકારના રાજયોમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા વધારવાનો નિર્ણય કર્યો છે જે રાજયોમાં આ માટે વધુ તિવ્રતાથી કાર્ય કરવામાં આવશે જેમાં ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, કેરલ, તેલંગણા, દિલ્હી, આસામ, ઝારખંડ અને ઓરિસ્સાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ સૌથી વધુ સરકાર માટે જો ચિંતાનો વિષય હોય તો તે એ છે કે કેવી રીતે આ રસીને છેવાડાના લોકો અને ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે પરંતુ હજુ ઘણાખરા અંશે સરકાર માટે પડકારસમાન સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.