Abtak Media Google News

પ્રદુષણમાં આવતા ત્રણ વર્ષમાં ૩૫%નો અને પાંચ વર્ષમાં ૫૦%નો ઘટાડો કરવાનો પર્યાવરણ મંત્રાલયનો લક્ષ્યાંક: સૌથી વધુ પ્રદુષિત સો શહેરોમાં સુરતનો પણ સમાવેશ

દેશની રાજધાનીમાં પ્રદુષણનો પ્રશ્ર્ન વધુ જટીલ બની રહ્યો છે. માત્ર દિલ્હીમાં જનહિ પરંતુ દેશભરમાં પ્રદુષણ જટીલ સમસ્યા બની છે. જેને અટકાવવું જ‚રી છે. દેશના સૌથી પ્રદુષિત ૧૦૦ શહેરોના પ્રદુષણમાં આગામી ત્રણ વર્ષમાં ૩૫%નો ઘટાડો કરવાનો સરકારે નિર્ધાર કર્યો છે અને આ માટે કેન્દ્ર સરકારે નેશનલ કલીન એર પ્રોગ્રામ એનસીએપી ઘડયો છે. જે અંતર્ગત મુંબઈ, કોલકતા, પુના, નાગપુર, લખનઉ, કાનપુર, વારાણસી, આગ્રા અને ચંદીગઢમાં પ્રદુષણનું સ્તર નીચુ લાવવાના પ્રયત્નો કરાશે. આ બધા શહેરોની પાસે દિલ્હીની જેમ એનસીએપી હેઠળ પોતાનો એક ચોકકસ એકશન પ્લાન છે. આ એનસીએપી હેઠળ પર્યાવરણ મંત્રાલયે ત્રણ વર્ષમાં ૩૫ ટકા પ્રદુષણ ઘટાડવાનો લક્ષ્યાંક સેવ્યો છે. જયારે પાંચ વર્ષમાં ૫૦% પ્રદુષણ ઘટાડી દેવાની તૈયારી દાખવી છે. પ્રદુષણના ગંભીર સ્તરને લઈ દિલ્હીમાં પહેલાથી જ કમ્પ્રીહેન્સીવ એકશન પ્લાન કાર્યરત છે જે હવે દેશના અન્ય શહેરોમાં પણ વિકસાવાશે.

કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, વધતુ જતું હવાનું પ્રદુષણને અટકાવવા રાષ્ટ્રીય સ્તરે લાંબા સમયગાળાનો પ્લાન એનસીએપી લાગુ કરાયો છે. રાજયસભામાં તાજેતરમાં એક પ્રશ્ર્નનો લેખિતમાં જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, હવાના પ્રદુષણને નાથવા સરકાર પ્રયત્નશીલ છે અને દેશના તમામ ક્ષેત્રોમાં શુઘ્ધ હવા કરવા મોનીટરીંગ નેટવર્ક ઉભુ કરાશે. વધુ પ્રદુષણ ધરાવતા દેશના ૧૦૦ શહેરોમાં ગુવાહાટી, વિશાખાપટ્ટનમ, ભીલાઈ, સુરત, ભોપાલ, ઈન્દોર, અમરાવતી, નાસિક, કોલ્હાપુર, લુધિયાણા, અલ્હાબાદ, જોધપુર, જયપુર અને ઉદયપુર સહિતના શહેરોનો સમાવેશ છે.

હવાના પ્રદુષણને રોકવા દેશમાં મોનીટરીંગ સ્ટેશનોની સંખ્યા વધી છે. અગાઉ ૬૮૪ હતા જે હવે ૧૦૦૦ થયા છે. એર કવોલીટી મોનીટરીંગ સ્ટેશન એટલે કે હવાની શુઘ્ધતાને માપતા સ્ટેશનો પણ ૮૪ થી ૨૬૮ થયા છે. આ ઉપરાંત પ્રદુષણને અટકાવવા સરકારે જનભાગીદારીને પણ હાંકલ કરી છે અને આ પ્રોગ્રામ હેઠળ સક્રિય જવાબદારી નિભાવવા લોકોને અપીલ કરી છે.

હવાનું પ્રદુષણ અટકાવવા નેશનલ કલીન એર પ્રોગ્રામ ઘડાયો સક્રિય ભાગીદારી આપવા સરકારની લોકોને અપીલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.