Abtak Media Google News

લોંગટર્મ રેપો ઓપરેશન, કેસ રિઝર્વ રેશિયો, ક્રેડીટ ગેરંટી, ઈન્કમટેકસમાં રાહત સહિતના માધ્યમથી લોકો સુધી સહાય પહોંચાડાશે

મહામારીમાંથી ઉદ્યોગને બેઠા કરી દેશને સ્વનિર્ભર બનાવવાના આહ્વાન સાથે વડાપ્રધાન મોદીએ રૂા.૨૦ લાખ કરોડના મસમોટા આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ વિશ્ર્વના સૌથી મોટા રાહત પેકેજ પૈકીનું એક છે. ત્યારે સરકાર આવડી મોટી રકમ કેવી રીતે ખર્ચાશે ? તેવા પ્રશ્ર્નો લોકોમાં ઉઠી રહ્યાં છે. ત્યારે અહીં સરકાર દ્વારા રાખવામાં આવેલી ગણતરી સામે લાવવાનો પ્રયાસ કરાયો છે.

કેન્દ્ર સરકાર રૂપિયા ૧ લાખ કરોડની રકમ લોંગટર્મ રેપો ઓપરેશનના માધ્યમથી ઠાલવશે. લોંગટર્મ રેપો ઓપરેશનની તૈયારી સરકારે ગત ૬ ફેબ્રુઆરીથી કરી હતી. માત્ર લોંગટર્મ રેપો ઓપરેશન જ નહીં પરંતુ અન્ય અનેક પાસાઓની પણ ભૂતકાળમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને નાણા મંત્રાલય દ્વારા થઈ હતી. કોઈપણ આપાતકાલીન સંજોગોમાં જો નાણાકીય જરૂરીયાત રહે તો વિવિધ સોર્સ અગાઉથી જ ઉભા કરવામાં આવ્યા હતા. હવે તેનો તબક્કાવાર ખર્ચ થશે.  સરકારે ટાર્ગેટેડ લોંગટર્મ રેપો ઓપરેશનના માધ્યમથી બીજા ૧ લાખ કરોડ આપવાનો નિર્ણય લીધો છે. આ બન્ને જીડીપીના ૦.૫ ટકા – ૦.૫ ટકા ભાગ ભજવે છે. આ ઉપરાંત કેસ રિઝર્વ રેશિયો કટ કરીને  સરકાર રૂા.૧.૩૭ લાખ કરોડ એટલે કે જીડીપીનો ૦.૭ ટકા હિસ્સો આપશે. સ્પેશિયલ લીકવીડીટી ફેસેલીટી ફોર મ્યુચ્યુઅલ ફંડ (એસએલએફ-એમએફ)માં ૫૦ હજાર   કરોડ એટલે કે જીડીપીનો ૦.૩ ટકા હિસ્સો અપાશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અગાઉથી જ આ તૈયારીઓ કરી હતી.

આ ઉપરાંત ગત તા.૨૭ માર્ચના રોજ નાણામંત્રી દ્વારા ૧.૭ લાખ કરોડ એટલે કે, જીડીપીના ૦.૯ ટકા હિસ્સા જેટલા રાહત પેકેજની જાહેરાત થઈ હતી. અત્યાર સુધીમાં કુલ ૭.૪૪ લાખ કરોડના રાહત પેકેજની તૈયારીઓ થઈ હતી.

ત્યારબાદ હવે વડાપ્રધાન મોદીએ સરેરાશ ૨૦ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. જે જીડીપીનો સરેરાશ ૧૦ ટકા હિસ્સો થાય છે. અગાઉ જાહેર કરેલા ૭.૭૪ લાખ કરોડ બાદ કરતા હવે ૧૨.૫૬ લાખ કરોડ એટલે કે જીડીપીના ૬.૩ ટકાની તૈયારી કરવાની રહેશે. આ રકમ નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે ફાળવાશે. રૂા.૫ લાખ કરોડ એટલે કે, જીડીપીનો ૨.૫ ટકા હિસ્સો ક્રેડીટ ગેરંટી સ્કીમમાંથી લેવાશે. રૂા.૧ લાખ કરોડ ઈન્કમટેકસ રિલેકશનના માધ્યમથી અપાશે. ડાયરેકટ બેનીફીટ, મનરેગા અને હેલ્થ સેતુના માધ્યમથી રૂા.૧ લાખ કરોડ એટલે કે ૦.૫ ટકા લોકો સુધી પહોંચાડાશે. બેંક કેપીટલથી ૧ લાખ કરોડ અપાશે. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મિલકત ખરીદીની માધ્યમથી રૂા.૪.૫૬ લાખ કરોડ એટલે કે જીડીપીનો ૨.૩ ટકા હિસ્સો બજારમાં રાહત પેકેજ હેઠળ ઠાલવવાની ગણતરી કરી છે. સરેરાશ નાણા મંત્રાલય ૧૦.૩૦ લાખ કરોડ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ૯.૭૦ લાખ કરોડ તબક્કાવાર આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.