પશુધન મોતના મુખમાં ધકેલાય તે પહેલા સરકાર પાંજરાપોળને સબસિડી સહાય ચુકવે

દાતાઓ તરફથી દાનની રકમ બંધ થતા ગૌશાળાની આર્થિક સ્થિતિ કફોડી

અખિલ ગૌશાળા કચ્છ યુવા સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

કોરોના મહામારીને પગલે કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાં હાલ પાંજરાપોળ-ગૌશાળાની આર્થિક સ્થિતિ ખુબ જ દયનીય બની છે.

દાતાઓ તરફથી પણ એકાએક દાનનો પ્રવાહ સદંતર બંધ હોય ગાયો માટે સુકો ચારો ખરીદીને પશુધનનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે તો આ બાબતને ધ્યાને લઈ ગૌમાતાના હિતમાં સરકાર તાત્કાલિક પાંજરાપોળ માટે સબસીડીની સહાય આપે તેવી અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

આ મામલે તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલ પર ભાવ વધારામાંથી ૫૦ પૈસા કાયમી માટે ગૌશેષ નાખીને પાંજરાપોળ ગૌશાળાઓને કાયમી સબસીડી આપવી જરૂરી છે જયારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ જેવા રાજયો પાંજરાપોળ ગૌશાળાઓના પશુધનને કાયમી પશુધન નિભાવ ફંડ આપવામાં આવે છે. ગુજરાત સરકારે અબોલ નિરાધાર બિન ઉપજાવ પશુધનનો નિભાવ કરતી પાંજરાપોળ ગૌશાળાઓના પશુધન ભુખમરાથી મોતના મુખમાં ધકેલાય તે પહેલા બે મહિનાના નિભાવ ખર્ચ માટે રૂપિયા ૭૦ કરોડ જેવી રકમ અબોલ જીવો માટે તાત્કાલિક ફાળવવી જોઈએ. આ બાબત વહેલીતકે સહાય સબસીડીની જાહેરાત કરશો એવી અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ દ્વારા રજુઆત કરવામાં આવી છે તેમ યુવા સંઘનાં પ્રમુખ ભરતભાઈ સોંદરવાની યાદીમાં જણાવાયું છે.

Loading...