ચીની જાસૂસને ડામવા સરકારે કમિટી બનાવી

નેશનલ સાયબર સિક્યુરિટી કોર્ડીનેટર હેઠળ જાસુસીની તપાસ માટે એક્સપર્ટ કમિટી રચવામાં આવી

ચીન બોર્ડર પર તો ભારતને તંગ કરી જ  રહ્યું છે પણ થોડા સમય પહેલા ચીન ભારતની મોટી હસ્તીઓની જાસૂસી કરતું પણ પકડાયું છે. ચીને ભારતની તેરસોથી વધારે લોકોની માહિતી મેળવી હતી. જેમાં મોટા રાજકીય નેતાઓ અને નામાંકિત હસ્તીઓ સામેલ હતી.  ત્યારે ચીનની આ નાપાક અને કાયર હરકત સામે હવે ભારત સરકારે લાલ આંખ કરી છે. ભારત સરકારે ઉચ્ચ રાજકીય વર્ગ અને બોર્ડના અધિકારીઓ સહિતના ભારતીય નાગરિકોની જાસૂસી મુદ્દે તપાસ શરૂ કરી છે.  હાલમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના સાંસદ કે.સી વેણુગોપાલ દ્વારા બુધવારે ચાલી રહેલા સત્રમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

વિદેશપ્રધાન એસ.  જયશંકરે વેણુગોપાલને લખેલા પત્રમાં કહ્યું હતું કે ચીને જાસૂસી કરતી ખાનગી કંપની સાથેના કોઈપણ જોડાણને નકારી દીધા છે જ્યારે શેન્ઝેન ઝેનહુઆ કંપની કહ્યું હતું કે એકત્રિત ડેટા ખુલ્લા સ્ત્રોતોમાંથી છે અને તે પશ્ચિમી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા કારભારથી અલગ નથી.  તેણે ગુપ્ત સ્ત્રોતોથી વ્યક્તિઓ વિશેની માહિતી ઍક્સેસ કરવાના આક્ષેપનો ઇનકાર કર્યો હતો.  એસ. જયશંકરે કહ્યું કે વિદેશ મંત્રાલયએ ચીની રાજદૂત સામે આ મુદ્દા મુક્યા હતા તેમજ ભારતીય દૂતાવાસે પણ ચીનના વિદેશ મંત્રાલય સમક્ષ આ મુદ્દો રજૂ કર્યો હતો.  એસ. જયશંકરે  લખ્યું હતું કે ભારત સરકાર ભારતીય નાગરિકોની ગુપ્તતા અને વ્યક્તિગત ડેટાના રક્ષણને ખૂબ ગંભીરતાથી લે છે. કોઈ પણ રિપોર્ટ જે સૂચવે છે કે વિદેશી સ્ત્રોત આપણી સંમતિ વિના આપણા નાગરિકોના વ્યક્તિગત ડેટાને  એક્સેસ કરી રહ્યો છે કે કરવા માંગે છે તે મુદ્દે સરકાર  પણ ખૂબ સજાગ રહે છે. ત્યારે સરકારે નેશનલ સાયબર સિક્યુરિટી કોર્ડીનેટર હેઠળ એક્સપર્ટ કમિટીની રચના કરી છે. આ કમિટી જાસૂસી રિપોર્ટનો અભ્યાસ કરી તેના પરિણામો નું મુલ્યાંકન કરશે. તેમજ કાયદાના ઉલ્લંઘનનું મૂલ્યાંકન કરી  તે માટેની ભલામણો ૩૦ દિવસમાં રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિતના દેશો ચીન સામે જાસૂસીના આક્ષેપ કરી ચૂક્યા છે ત્યારે ચીન હવે મોટા સકંજામાં ફસાઈ જશે તે નિશ્ચિત છે.

Loading...