Abtak Media Google News

ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોવિડ-૧૯ની દેન કોરોના કાબુમાં આવી ગયો છે અને હવે સારા દિવસો શરૂ થશે તેવી આશા વચ્ચે સ્પુટનિક-વી રસી પણ તૈયાર થવામાં છે ત્યારે કોરોનાના ભૂતકાળ ગણી બિનદાસ્ત બનવાની ભૂલ આ મહામારીને વધુ ફેલાવે તેવી દહેશત ફેલાવી છે. કોરોના ચાલ્યો ગયો છે અને હવે ડરવા જેવું નથી તેવી માનસીકતા સાથે તહેવારો અને જાહેર મેળાવડામાં જરા પણ સાવચેતી રાખવામાં આવતી નથી. ત્યારે કોરોનાના દિલ્હી સહિત ઉત્તરભારતમાં આવેલા ત્રીજા વાયરાની પાછળ-પાછળ ગુજરાતમાં પણ નવો વાયરો શરૂ થાય તેવી શકયતા સેવાઈ રહી છે. અત્યારે દિવાળી સહિતના તહેવોરોમાં જ્યારે સામૂહિક ભીડ, તહેવારોની ઉજવણી અને વાયુ પ્રદુષણના અતિરેકના કારણે જ્યારે સંક્રમણ વધે તેવી સ્થિતિ છે ત્યારે કોરોના અંગેની સાવચેતીમાં જરા સરખી પણ બેદરકારી દાખવવામાં આવે તો તે ભયજનક પરિસ્થિતિ ઉભી કરે તેમ છે.

કોરોનાના રસી આવતા હજુ ખાસો સમય વિતવાનો છે. શિયાળામાં કોરોના કાબુમાં આવશે તેવી વાતો થતી હતી પરંતુ ચિત્ર બદલતું હોય તેવું દેખાય છે. કોરોનાનું સંક્રમણ દર ઘટ્યું છે, રિકવરી રેટ પણ વધ્યો છે પરંતુ આ વાયરસ વારંવાર રંગ બદલતા કાચીંડાની જેમ નવા રૂપ સાથે ત્રાકવાની તાસીર ધરાવે છે ત્યારે દિવાળીના આ સમયગાળામાં કોરોના ચાલ્યો ગયો અને હવે કંઈ બીવા જેવું નથી કંઈ તેવી બેદરકારી દાખવવાના બદલે સાવચેતીમાં જરાપણ બાંધછોડ ન કરવી જોઈએ. કોરોનાની રસી આવતા આવતા હજુ ઘણો સમય લાગવાનો છે ત્યારે આ નવા વાયરાની ઝપટે સામૂહિક ધોરણે લોકો ન ચડી જાય તે માટે તંત્રએ જાગૃતિ અભિયાન અને લોકોએ સ્વયંભૂ સાવચેતી રાખવી અનિવાર્ય છે.

ઉત્સવ પ્રિય ગુજરાતમાં અત્યારે કોરોનાનો નવો વાયરો શરૂ થયો હોય તેમ એક દિવસમાં ૧૧૨૦ નવા સંક્રમિત દર્દીઓ અને ૬ના મૃત્યુ નિપજયા છે. ૫૪૬૦૦ની ચકાસણીમાં ૮૪૦થી વધુને કોરોના સંક્રમણ થયાનું નોંધાયું છે. અમદાવાદમાં ૨૪ કલાકમાં ૧૦૩૮ દર્દીઓની રિકવરીના રાહતના સમાચાર છે. અમદાવાદમાં ૨, સુરત અને વડોદરામાં ૧-૧ મૃત્યુ નોંધાયા હતા. ૧૯૯ કેસમાં એક દિવસમાં અમદાવાદ બાદ સુરતના ૧૮૩, રાજકોટના ૧૨૬, વડોદરામાં ૧૨૫, મહેસાણામાં ૭૨, ગાંધીનગરમાં ૬૬, બનાસકાંઠામાં ૪૩ દર્દી નોંધાયા હતા. જો કે ગુજરાતમાં દર્દીઓની રીકવરીની ટકાવારી ૯૧.૨૯ ટકા જેટલી રહેવા પામી છે. ગુજરાતમાં પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૮૪૯૬૪, ૧૧૨૦ મૃત્યુમાં વધારો સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૧૬૮૮૫૮એ પહોંચી છે. અત્યારે કોરોનાના સંક્રમણના આ દૌરમાં દવા કરતા સાવચેતી અનિવાર્ય બની છે. લોકોની જરા સરખી પણ બેદરકારી મોટા અનર્થ સર્જી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.