Abtak Media Google News

 

દિવાળી ની સિઝન આવી ગઇ હતી અને ઓફિસમાં કામ પણ વધી રહ્યું હતું. 6 વાગ્યા ને બદલે 9 વાગવા લાગ્યા. કોરોના નો સમય હોવાથી રાત્રે ટેક્સી પણ માંડ મળતી. રાત્રે મોડું થવાના કારણે ખૂબ થાકી જવાતું. ઘરે જઈને જમવાનો સમય પણ ના રહેતો અને ફેમિલીને પણ સમય આપી ન શકાતો.

કાળીચૌદશ ની રાત હતી. ઓફિસથી નીકળતા નીકળતા 10.30 વાગી ગયા. રસ્તા પર કોઈ દેખાતું ન હતું અને ટેક્સી કે રિક્ષા કંઈ મળતું ન હતું. 11:30 વાગી ગયા પણ કોઈ ટેક્સી ના મળી પછી મેં લિફ્ટ માંગી. એક વ્યક્તિએ મને કારમાં લિફ્ટ આપી એની સાથે વાતો કરી. મારી બાજુમાં જાણે કોઈ હોય તેવો મને આભાસ થયો. થોડી વાર પછી કોઈએ મારા માથા પર હાથ રાખ્યો હોય તેવું લાગ્યું પણ મારી બાજુમાં કોઈ હતું જ નહીં. મેં કાર વાળા ભાઈને આ વાત કરી તો એમણે કહ્યું કે એ મારો વહેમ હશે. થોડીવાર પછી મને કોઈએ ગાલ પર ઝાપટ મારી. મેં પેલા ભાઇને કહ્યું કાર રોકો અને હું ત્યાં ઉતરી ગયો.

હું ચાલતો ચાલતો જતો હતો. મારી પાછળથી કોઈએ જોરથી ચીસ પાડી. રસ્તા પર હું સાવ એકલો હતો અને આવો અવાજ સાંભળીને હું ડરી ગયો. હું ઝડપ થી ચાલવા લાગ્યો અચાનક મારી સામે કોઈ છોકરી આવી જેણે સફેદ કપડાં પહેર્યા હતા, લાંબા લાંબા જમીન સુધી અડતા એના વાળ, નખ પણ બહુજ મોટા, એક પગ ઊંધો અને એક પગ સીધો, એક હાથ નાનો અને એક હાથ મોટો, કપાળ પર મોટો લાલ કલરનો ચાંદલો હતો. એને જોઈને મારો શ્વાસ અધ્ધર થઈ ગયો અને ધબકારા વધી ગયા. એ જોઈને હું ભાગ્યો પણ તે અચાનક પાછી મારી સામે આવી ગઈ. મને એના હાથ વડે મારવાનો પ્રયત્ન કર્યો. મારો શ્વાસ ચડતો હતો અને હું દોડી રહ્યો હતો. મેં બૂમ પાડી બચાવો બચાવો પણ કોઈ ત્યાં હતું જ નહીં.

એ છોકરીએ મને મારવાના પ્રયત્ન કર્યા. મને લાગ્યું કે આજે હું જીવતો નહીં રહું. એ છોકરી થોડી વાર ગાયબ થઈ ગઈ અને હું ભાગવા લાગ્યો. પથ્થર સાથે મારો પગ અથડાતા હું જમીન પર પડી ગયો. મને માથા પર વાગ્યું લોહી નીકળી રહ્યું હતું. પગમાં પણ વાગ્યું હતું અને પગ લંગડો થઈ ગયો.
હું ચાલી શકતો ન હતો. પેલી છોકરી પાછી આવી અને મારો પગ પકડી લીધો. મને ઢસડીને ખેંચી રહી હતી. એના મોટા નખ મને હાથમાં માર્યા અને મારા હાથમાંથી લોહી નીકળવા માંડ્યું.

અચાનક ત્યાંથી એક નાનકડો છોકરો નિકળ્યો જે મારી પાસે આવ્યો અને બોલ્યો કે પુત્ર ડર નહીં હું છું. આ માયાવી સ્ત્રીથી હું તને બતાવીશ ચિંતા ના કર. એ નાનકડા છોકરા ના ચહેરા પર ખૂબજ તેજ હતું. એના ચહેરા પર પ્રકાશ હતો. એણે પેલી સ્ત્રીને એક મંત્ર બોલીને ગાયબ કરી દીધી અને અચાનક ત્યાં એક ટેક્સી આવી જેમાં મને બેસાડ્યો અને તે છોકરો પણ અદ્રશ્ય થઇ ગયો. હું ઘરે આવીને એ જ વિચારતો રહી ગયો કે એ છોકરો કોણ હશે?

આપણે સારા અને સાચા હોય તો ભગવાન ક્યારેય આપણને કંઈક પણ થવા દેતા નથી. ભગવાન કોઈને આપણા માટે મોકલે જ છે અથવા ખુદ આવીને પોતાના ભક્તની મદદ કરે છે અને આપણને એ વાતની જાણ પણ થતી નથી.

– આર. કે. ચોટલીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.