નવરાત્રીને લઈ ચોટીલા ચામુંડા માતાના દ્વાર દર્શનાર્થી માટે ખુલ્લા

ભોજન પ્રસાદ સેવા સહિતના સામુહિક ધાર્મિક કાર્યક્રમો નહીં યોજાય

ચોટીલા ચામુંડા માના સ્થાનકે આગામી નવરાત્રી પર્વને લઇ લોકોના દર્શનાર્થે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. આથી માઇ ભક્તોને આવકારવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓનો કરાઇ છે. જેમાં સોશીયલ ડિસ્ટન્સ જાળવણી, સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા પણ કરાઇ છે. જ્યારે કોરોના મહામારીને ધ્યાને લઇ ભોજનશાળામાં ચાલતી ભોજનપ્રસાદ સેવા બંધ રખાઇ છે.આગામી આસો સુદ એકમ એટલે તા.૧૭ ઓક્ટોબરથી પવિત્ર નવરાત્રી પર્વ શરૂ થનાર છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવવાનુ હોવાનુ ધ્યાને લઇ મંદિર પ્રસાશન મંદિર તૈયારીઓ આરંભી દેવાઇ છે.

આ અંગે ચોટીલા ચામુંડા મંદિર ટ્રસ્ટી અમૃતગીરી દોલતગીરી ગોસ્વામીએ જણાવ્યુ કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે જેના લીધે દસ વર્ષથી નીચેના અને ૬૫ વર્ષથી ઉપરના યાત્રિકોએ દર્શનાર્થે નીકળવું ન જોઈએ. જ્યારે મંદિરે આવનાર દરેક વ્યક્તિ માટે માસ્ક ફરજીયાત છે. મંદિરે દર્શનાર્થી ઓ માટે ટ્રસ્ટ તરફથી પગથિયા પાસે જ ટેમ્પરેચર માપવા, સેનેટાઇઝેશ તથા સોશીયલ ડિસ્ટન્સ માટે ડુંગર પર બેરીકેડની વ્યવસ્થા કરાઇ છે. આવનાર દરેક યાત્રીકોને સરકારની ગાઇડ મુજબનો પાલન કરવા ડુંગર ટ્રસ્ટ તરફથી વિનંતી કરવામાં આવે છે.

અતિથી ગૃહમાં નિયમનું પાલન કરાશે

ચોટીલા અતિથી ગૃહમાંં રહેવા આવતા લોકોનું ટેમ્પ્રેચર ચેક, માસ્ક પહેરવુ ફરજીયાત, સેનેટાઇઝેશન સહિત નિયમોના પાલન કરાવશે. અતિથી ગૃહમાં બે થી આઠ બેડ સુધીના રૂમની વ્યવસ્થા કરાઇ છે જેમાં સરકારના નિયમ મુંજબ વ્યક્તીની સંખ્યા મુંજબ રૂમ અપાશે. જ્યારે રૂમ ખાલી થયા બાદ તમામ બેડસીડ કવર બદલાયા બાદ તથા સેનેટાઇઝેશન બાદ રૂમ બીજાને અપાશે. જયારે કોમન હોલની વ્યવસ્થા બંધ કરાઇ છે.

 

Loading...