Abtak Media Google News

ભારતીય શેરબજાર કુબેરના ધન ભંડારની જેમ પ્રગતિમાં ક્યારેય પીછેહટ કરતી નથી, એ વાત અલગ છે કે, આર્થિક કારણો અને રોકાણકારોના વલણ અને પરિસ્થિતિને લઈને બજારની ગતિ મંદ પડે છે. ક્યારેક ચઢાવ-ઉતાર આવે છે પરંતુ ભારતીય મુડી બજારની દાયકાઓ જૂની ત્વારીખમાં ધીરજપૂર્વક રોકાણ કરનાર કોઈ રોકાણકારને ક્યારેય ખોટ જતી નથી. હા આ વાત લાંબાગાળાના રોકાણકારો અને શેરબજારને રોકાણના આદર્શ વ્યવસાય તરીકે જોનારા માટે છે. સટ્ટોડીયાઓને ક્યારેય લાભની ગેરંટી મળતી નથી. કહેવત છે કે, જાણીતી જુવાર સારી, અજાણ્યા ભાત ન ખવાય… વૈશ્ર્વિક અર્થતંત્રની સાપેક્ષમાં ભારતનું અર્થતંત્ર મજબૂત અને લાંબાગાળા સુધી સ્થિર રહેનારૂ ગણાય છે. ભારતીય મુડી બજાર પણ આજ રીતે વૈશ્ર્વિક વિશ્ર્વસનીયતાની ગુડવીલ ધરાવે છે. આજે બીએસઈ સેન્સેકસ ૪૩૦૦૦ના મથાળાને વટાવી ચૂક્યું છે. હજુ પણ રીકવરી અને માર્કેટ કેપની પુરેપુરી શકયતા છે. જો કોરોના કટોકટી અને વૈશ્ર્વિક ધોરણે આર્થિક મંદી અને વિદેશી મુડી રોકાણના ઘટેલા પ્રવાહ અને લીકવીડીટીમાં આવેલા ઘસારા જેવા પરીણામો અવરોધરૂપ બન્યા ન હોત તો આજે બીએસઈ સેન્સેકસ અવશ્યપણે ૫૦,૦૦૦નું મથાળુ સર કરી ચૂક્યું હોત.

કોરોના કટોકટી દરમિયાન શેરબજારમાં આવેલા ગભરાહટ સહિતના વિપરીત પરિબળોના કારણે થયેલું ધોવાણ સતતપણે રીકવર થઈ રહ્યું છે. હજુ કેટલાક મહત્વના શેરોના ભાવમાં વધારો થયો નથી પરંતુ તેમ છતાં સેન્સેકસમાં વૃદ્ધિ ચાલુ છે. ફંડ હેઝીંગના કારણે બીએસઈ સેન્સેકસ આગળ વધી રહ્યું છે. હજુ બજારની સાનુકુળ અવસ્થાને લઈને ઘટેલી તમામ ટીપ્સ તેમના મુળ ભાવ સુધી પહોંચે તે નિશ્ર્ચિત છે. સેન્સેકસ આગામી થોડા જ સમયમાં જો તમામ પરિબળો સાનુકુળ રહે તો ૫૦,૦૦૦ની સપાટીએ પહોંચે તે નિશ્ર્ચિત છે ત્યારે શેરબજારમાં ધીરજપૂર્વક રોકાણ કરવાવાળાઓ માટે અત્યારે લાભ આપનારા દિવસો ચાલી રહ્યાં છે.

શેરબજાર વિશે એવું કહેવામાં આવે છે કે, લાંબાગાળાના રોકાણકારોને ક્યારેય ખોટ જતી નથી અને ઈન્ટ્રા ડે સહિતના રોજે-રોજના સાહસીક સોદા કરનારા ક્યારેય ખાટતા નથી. ભારતીય શેરબજાર બીએસઈ અને એનએસઈ સહિતના તમામ સેકટરના કોરોના કટોકટી દરમિયાન ઘસાયેલા શેર પુન: તેની મુળ કિંમતે પહોંચે તે નિશ્ર્ચિત છે. અત્યારની તેજી બજારમાં ફંડ હેઝીંગના કારણે ચાલી રહી છે. માર્કેટ કેપમાં હજુ ઘણો સ્કોપ બાકી રહ્યો છે ત્યારે લાંબાગાળે સુઝબુઝથી રોકાણ કરનારા રોકાણકારો માટે શેરબજારમાં અત્યારે કમાવાના દિવસો ચાલી રહ્યાં છે પણ એક વાત ફરીથી યાદ કરાવી દઈએ કે, શેરબજારમાં ધંધો અને રોકાણ કરનારાઓને ક્યારેય ખોટ જતી નથી અને સટ્ટો અને જુગારવૃતિથી તડ-ફડ કરનારાઓ ક્યારેય ખાટતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.