ચાઈનીઝ ફન્ડિંગના ‘ઝાળા’ ઘણા વર્ચ્યુઅલ પ્લેટફોર્મને આભડી જશે

દર વર્ષે ભરપુર વિદેશી મુડી રોકાણ મેળવતી કંપનીઓ સરકારે લીધેલા પગલાથી નારાજ

ટીકટોક કરતા ઈન્સ્ટાગ્રામ, યુ-ટયુબ વધુ પૈસા ઉસેડવાના સાધન!!!

ટીકટોક સાથે લાખો લોકો જોડાયેલા હતા. હજ્જારો લોકો ટીકટોકના કારણે આવક મેળવતા હતા. ટીકટોક બંધ થઈ જતાં ટીકટોકના ક્રિએટર્સ સરકારના નિર્ણયની નિંદા કરી રહ્યાં છે. પરંતુ ટીકટોક કરતા પણ વધુ પૈસા કમાવવાનું અસરકારક સાધન ઈન્સ્ટાગ્રામ અને યુ-ટયુબ હોવાની વાત આ કન્ટેન્ટ ક્રિએટરો ભૂલી જતા હોય છે. ટીકટોકમાં બ્રાન્ડ પ્રમોશન કરીને જેટલા રૂપિયા ક્રિએટર રળે છે તેનાથી વધુ રૂપિયા યુ-ટયુબ અને ઈન્સ્ટાગ્રામથી મળે છે. અલબત ટીકટોકમાં જેમ રાતો-રાત સ્ટાર બની જવાય છે જેવું યુ-ટયુબ કે ઈન્સ્ટાગ્રામમાં નથી. આ બન્ને પ્લેટફોર્મમાં મહેનત કરવી પડે છે. ઉપરાંત આ પ્લેટફોર્મ પર ટીકટોક કરતા લોકોનું વધુ એન્ગેંજમેન્ટ પણ છે. આ બન્ને પ્લેટફોર્મ ટીકટોક કરતા વધુ વિશ્ર્વાસપાત્ર ગણવામાં આવે છે.

દેશમાં ચીનના સામાન વિરુધ્ધ લોકોમાં સુગ વધતી જાય છે. સરકારે પણ ૫૯ જેટલી એપ્લીકેશનો બંધ કરી નાખી છે. આવા સંજોગોમાં ચાઈનીઝ મુડી રોકાણકારો દ્વારા થઈ રહેલા રોકાણના પગલે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર તવાઈ ઉતરે તેવી પણ શકયતા છે. પ્રારંભીક તબક્કે તો લોકો પેટીએમ સામે લોકો રોષ ઠાલવી રહ્યાં છે પરંતુ પેટીએમ જેવી અનેક એપ્લીકેશનોમાં વિદેશી મુડી રોકાણ જોવા મળે છે ત્યારે ફોન-પેના સમીર નિગમ ચાઈનીઝ મુડી રોકાણકારો દ્વારા થયેલા મુડી રોકાણ મુદ્દે સરકારે લીધેલા પગલા અંગે ઉહુ કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે, યુદ્ધમાં થયેલી સ્થિતિ ગમગીન હતી પરંતુ તેનો મતલબ એ નથી કે, ભારતીય ટેકનોલોજીના ઈનોવેશન માટે ચીનની એપ્લીકેશનો બંધ કરી દેવામાં આવે.

નોંધનીય છે કે, દેશમાં નાનાથી લઈ મોટા સ્ટાર્ટઅપમાં ચાઈનીઝ ફંડીંગનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું હતું. ચીન દ્વારા થતું ફંડીંગ ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં વધવા પામ્યું હતું. આવા સમયે સરહદે થયેલી તંગદીલીમાં ભારતીય જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ ચીન સામેનો રોષ વધવા પામ્યો હતો અને બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા હતા. દરમિયાન ભારત સરકારે તાજેતરમાં ચીનની ૫૯ એપ્લીકેશનો ભારતમાં પ્રતિબંધીત કરી હતી. ત્યારબાદ ચીનના મુડી રોકાણ ધરાવતા દરેક ક્ષેત્ર સામે સરકાર કાર્યવાહી કરશે તેવા સંકેતો ગયા હતા. સરકારે કેટલાક પગલા પણ લીધા છે જેમાં ચીનના મુડી રોકાણને બ્લોક કરાયું છે. હાઈવે પ્રોજેકટમાં સરકારે ચીનની કંપનીઓને યાદીમાંથી હટાવી દીધી છે.

અલબત ઘણી કંપનીઓ એવી છે જે સરકારના પગલાને વખોડી રહી છે. આ કંપનીઓ એવી છે જેમને વિદેશમાંથી ભરપુર પ્રમાણમાં મુડી રોકાણ મળી રહ્યું છે. જો સરકાર દેશની રક્ષા માટે ચાઈનીઝ ફંડિંગના દ્વાર બંધ કરી નાખે તો આવી કંપનીઓ ટકી શકે તેમ નથી. જેથી તેઓ સરકારના પગલાને યેનકેન પ્રકારે વખોડી રહી હોવાનું જાણવા મળે છે.

Loading...