Abtak Media Google News

ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં કારમો પરાજય આપ્યા બાદ લંકાને પણ ભરી પીવા રોહિતના રણવીરો સજ્જ: સાંજે ૭ કલાકથી મેચનો પ્રારંભ

ત્રણ ટેસ્ટ અને ત્રણ વન-ડે શ્રેણીમાં કારમો પરાજય આપ્યા બાદ શ્રીલંકાને ટીમને ૨૦-૨૦માં ભરી પીવાના બુલંદ ઈરાદા સાથે આજે રોહિતના રણવીરો મેદાનમાં ઉતરશે. કટક ખાતે આજે સાંજે ૭ કલાકથી ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચ પૈકીનો પ્રથમ મેચ રમાશે. જેમાં ભારતીય ટીમને હોટ ફેવરિટ માનવામાં આવી રહી છે.

ભારતના પ્રવાસે આવેલી શ્રીલંકાની ટીમ ત્રણ ટેસ્ટ અને ત્રણ વન-ડે પૈકી એક માત્ર વન-ડે મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. જયારે એક ટેસ્ટ અને બે વન-ડેમાં લંકાનો પરાજય થયો છે. ટેસ્ટશ્રેણી ભારતે ૧-૦થી અને વન-ડે શ્રેણી ૨-૧થી જીતી લીધી છે. ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં સફળતા હાંસલ કરનારી ભારતીય ટીમનો આત્મવિશ્ર્વાસ હાલ સાતમા આસમાને પહોંચી ગયો છે. પણ લંકાને ધુળ ચાંટતુ કરી દેવાના બુલંદ ઈરાદા સાથે ટીમ ઈન્ડિયાના સાવજો મેદાનમાં પડશે.

બીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ રેકોર્ડબ્રેક ત્રીજી બેવડી સદી ફટકારી હતી. જયારે ત્રીજી વન-ડેમાં ઓપનર શિખર ધવને પણ અણનમ સદી ફટકારી હતી. આમ ભારતીય ટીમના મોટાભાગના બેટસમેનો સર્વશ્રેષ્ઠ ફોમમાંથી પસાર થઈ રહ્યા છે. કટક ખાતે આજે સાંજે ૭:૦૦ કલાકથી પ્રથમ મેચનો આરંભ થશે. જેમાં જીત માટે ભારતીય ટીમને હોટ ફેવરિટ માનવામાં આવી રહી છે.

શ્રેણીનો બીજો જંગ આગામી શુક્રવારના રોજ ઈન્દૌર ખાતે અને અંતિમ મેચ આગામી રવિવારના રોજ મુંબઈ ખાતે રમાશે.

જો ટીમ ઈન્ડિયા શ્રેણીમાં શ્રીલંકાને કલીન સ્વીપ કરવામાં સફળ રહેશે તો આઈસીસી રેન્કીંગમાં ટીમ બીજા ક્રમે પહોંચી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના નિયમિત સુકાની વિરાટ કોહલીએ તાજેતરમાં ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હોય તે ટીમમાં સામેલ નથી. આવામાં વિરાટની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ રોહિત શર્માને સોંપવામાં આવ્યું છે. રોહિત પણ પસંદગીકારોના નિર્ણય પર ખરો ઉતર્યો છે. ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં ફતેહ હાંસલ કર્યા બાદ ટીમ ઈન્ડિયા ૨૦-૨૦માં પણ જીતના બુલંદ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.