Abtak Media Google News

કિસાન આંદોલનનો મુદ્દો ઉકેલવા સતત પ્રયાસો: છ તબક્કાની બેઠકો બાદ આજની બેઠક પરની મીટે પણ કર્યા નિરાશ

કૃષિ કાયદાના અમલના વિરોધ સામે દિલ્હીની સરહદે ચાલી રહેલા આંદોલનનો આજે ૭મી મંત્રણામાં આજે અંત આવી જશે તેવી આશા છેવટ નિરાશામાં પરિણમી છે. ખેડૂતો સાથેની સાતમા તબક્કાની મંત્રણા પણ કોઈપણ નિર્ણય વગર પૂરી થવા પામતા આંદોલન વધુ એકવાર અનિશ્ર્ચિત મુદત માટે લંબાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

દિલ્હી સરહદે કિસાન આંદોલનનો આજે ૪૦મો દિવસ છે ત્યારે આજે સવારથી જ બપોરે ૨ વાગ્યે થનારી બેઠક પર તમામની મીટ મંડાઈ હતી. જો કે, ખેડૂત સંગઠનોએ અગાઉ જ જો વાતચીત કોઈપણ નિર્ણય વગર પૂરી થઈ જાય તો આંદોલન વધુ જલદ બનાવવાની જાહેરાત કરી દીધી હતી. ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે સાતમાં તબક્કાની વાતચીત પૂર્વે અભિનેતા અને પૂર્વ સાંસદ ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, પોતે કિસાનોને ન્યાય મળે તે માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે. બેઠક માટે રવાના થયા પહેલા ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટીકેતે ગાજિયાબાદમાં અર્ધનારીશ્ર્વર શંકર ભગવાનના પ્રાચીન મંદિરમાં દર્શન કર્યા હતા. સવારથી જ ગાજિયાબાદ અને નોઈડાથી જોડતા ગાજિપુર જિલ્લા બોર્ડર બંધ કરી દેવામાં આવી હતી. બપોરે ૨ વાગ્યે શરૂ થયેલી આ બેઠકમાં ખેડૂતોએ પ્રારંભથી જ ત્રણેય વિધેયકો પાછા ખેંચવાની જીદ પર મક્કમતા દાખવતા

આ બેઠક કોઈપણ નિર્ણય વગર પૂર્ણ થઈ હતી.

અગાઉ છ તબક્કામાં કિસાન ખેડૂત સંગઠનોની કુલ ચાર માંગણીઓ પેકી પરાર સળગાવવાના દંડ અને વિદ્યુત અનિધિનિયમ અંગે સમજૂતી સાધવામાં સફળતા થઈ હતી જ્યારે એપીએમસી એકટ અને ભાવ બાંધણાની સાથે સાથે ત્રણેય કાયદાઓ પાછા ખેંચી લેવાની માંગનો સ્વીકાર કરવો કે નહીં તેનો નિર્ણય આજે યોજાયેલી સાતમાં તબક્કાની બેઠકમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આજે નિર્ધારીત સમયે શરૂ થયેલી આ બેઠકમાં કૃષિ વિધેયક અંગે કોઈ નિર્ણય લેવાયો ન હતો. કૃષિ કાયદા વિરુધ્ધ ચાલી રહેલા વિરોધ વચ્ચે સાતમાં તબકકાની બેઠક અનિર્ણય સંજોગોમાં પડી ભાંગી છે ત્યારે હવે બન્ને પક્ષોએ અને ખાસ કરીને સરકારે આઠમાં તબક્કાની બેઠક માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ લખાય રહ્યું છે ત્યારે ખેડૂતોની સાતમાં તબક્કાની મીટીંગ ફલોપ ગઈ હોવાનું બહાર આવ્યું છે. ત્રણ કૃષિ કાયદા પાછા લેવાની માંગ પર ખેડૂતો અડગ રહ્યાં હતા. ખેડૂતોને સમજાવવા સરકાર કાયદાના દરેક પરિમાણની ચર્ચાની તૈયારી બતાવી હતી પરંતુ ખેડૂત સંગઠનોએ કહ્યું કે, કાયદો પાછો ખેંચવા સીવાય સમાધાન માટેનો કોઈ અવકાશ જ નથી. ખેડૂત આંદોલનના સમર્થનમાં પંજાબ અને હરિયાણામાં વિશેષ પ્રદર્શનો થઈ રહ્યાં છે. અગાઉ ૩૦મી ડિસેમ્બરે યોજાયેલી બેઠકમાં પરાર સળગાવવા અંગે કેસ ન કરવા અને હાલના ૧ કરોડ રૂપિયાના દંડ અને પાંચ વર્ષની જેલની સજાની જોગવાઈ હટાવવા માટે સરકાર રાજી થઈ હતી. વિજળી અધિનિયમમાં ફેરફાર નહીં કરવાના નિર્ણયમાં ખેડૂતોને આશંકા છે કે આ કાયદાથી વિજળીની સબસીડી બંધ થતી હોવાથી આ કાયદો ન બનાવવા નિર્ણય કર્યો હતો. બે મુદ્દા પર થયેલી સમજૂતીને લઈ ખેડૂતોએ ટ્રેકટર રેલીને ટાળી દીધી હતી. ખેડૂતોએ એમએસપી અંગે અલગ કાયદો બનાવવાની માંગ કરી હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને સરકાર વતી સતતપણે ચાલી રહેલા સમાધાનના પ્રયાસો વચ્ચે આજની બેઠક પર ઘણી આશા બંધાઈ હતી પરંતુ સાતમી બેઠક પણ અનિર્ણાયક રીતે પડી ભાંગી હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.