Abtak Media Google News

ધો.૭ સુધી ભણેલા યુવા ખેડુતનું પ્રેરક પગલુ: ખેડુતની જમીન પર રૂ.૧૮ લાખના ખર્ચે શાળા બનાવાશે  

ગીર-સોમનાથ , ૧૦૦ વિઘા જમીન ધરાવતો ખેડૂત ખાતેદાર પોતાની એક વિઘો જમીન છોડતા કે સખાવત કરતા ૧૦૦ વાર વિચારે પણ ઇણાજનો એક યુવાન જે ૬ વિઘા જમીનનો માલીક છે. પોતાનાં ગામનાં બાળકોને શાળા બનાવવાં અંદાજીત રૂ. ૧૦ લાખ જેટલી કિંમતની વેરાવળ-તાલાળા રોડપર અડધો વિઘો જમીન ફટ કરતો આપી દે એજ સૈારાષ્ટ્રની ધરતીનું ખમીર છે.

વેરાવળ પાસે ઇણાજનાં લખુભાઇ સોલંકી જેવા માંડ-માંડ ૭ ધોરણ ભણ્યા છે, ભણવાની વધુ ઇચ્છા  ન હોવાથી  આગળ અભ્યાસ ન વધાર્યો. પરંતુ તેમણે પોતાનાં ગામનાં બાળકોને સારૂ શિક્ષણ મળે સારી શાળા મળે તેની ચીંતા કરી છે. ઇણાજ સહિત આજુ-બાજુનાં ગામનાં લોકો ખેતી આધારીત હોવાની સાથે વધુ લોકો વાડી વિસ્તારમાં રહે. વાડી વિસ્તારમાં રહેતા બાળકોને દુર-દુર સુધી ચાલીને શાળાએ જવું પડે. આથી રાજ્ય સરકારે સીમશાળા બનાવવાનો નિર્ણય કર્યો હતો.

ઇણાજમાં તાલાળા-વેરાવળ રોડ પર નાના મકાનમાં સીમશાળા કાર્યરત હતી. શાળાનાં આચાર્યને શાળાનાં મકાન માટે જમીનની જરૂરીયાત હતી. તેમને જમીનની ખુબ શોધ કરી પરંતુ જમીન ન મળતા છેવટે વાત લખુભાઇ સોલંકી પાસે આવી એમ જણાવતા સીમશાળાનાં આચાર્ય ભરતસિંહ ચુડાસમાએ કહ્યું કે, લખુભાઇએ તેમનાં બાપા રામસીભાઇ સોલંકીને વાત કરી ત્યારે રાજસીભાઇએ કહ્યું દિકરા છોકરાવને ભણવા માટે નિશાળ બનાવવી છે. આપી દે જમીન અને લખુભાઇએ ઘડીનો પણ વિલંબ કર્યા વગર શાળાને અડધો વિઘો જમીન લખી દીધી.

લખુભાઇએ દાનમાં આપેલ જમીન પર હાલ ૩ રૂમ સાથેનું રૂ. ૧૮ લાખનાં ખર્ચે શાળાનું અધતન મકાન બની રહ્યું છે. તેમ જણાવી શાળનાં આચાર્યશ્રીએ લખુભાઇ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઇણાજ ખાતે મોડેલ સ્કુલમાં આજે યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં લખુભાઇનું રાજ્ય બિજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા ધ્વારા સન્માન કરાયુ હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.