૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ફિઝીકલ બિલોનું ‘અસ્તિત્વ’ ખત્મ

૧૦૦ કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓએ ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી ઈ-ઈનવોઈસ બનાવવું પડશે

કેન્દ્ર સરકારનું નાણા મંત્રાલય અનેકવિધ નવી યોજનાઓ લાવી દેશના અર્થતંત્રને વિકસિત કરવા અને વેગવંતુ બનાવવા માટે હરહંમેશ કાર્ય કરી રહ્યું છે ત્યારે ફરી એકવખત નાણા મંત્રાલય દ્વારા ખુબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે આગામી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ફિઝીકલ બિલોનું અસ્તિત્વ ખતમ થઈ જશે અને ૧લી એપ્રિલ ૨૦૨૧થી તમામ વ્યાપારીઓ, પેઢીઓએ ફિઝીકલ બિલોની બદલે ઈ-ઈનવોસ બનાવવુ ફરજીયાત બન્યું છે. ઈ-ઈનવોસ બનતાની સાથે જ વેપારીઓ દ્વારા જે ગેરરીતી આચરવામાં આવતી હતી તેના પર હવે પૂર્ણવિરામ મુકવામાં આવશે. નાણા મંત્રાલય દ્વારા વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ૧૦૦ કરોડથી વધુનુ વાર્ષિક ટનઓવર ધરાવતી કંપનીઓએ હવે ઈ-ઈનવોઈસ બનાવવુ ફરજીયાત બન્યું છે.

બીજી તરફ કેન્દ્ર સરકારે ઈ-ઈનવોઈસ બનાવવા માટેનું અમલીકરણ ૧લી ઓકટોબરથી જ લાગુ કરી દેવામાં આવ્યું હતું જેના ભાગરૂપે અમલી થતાના ૭ દિવસમાં જ આશરે ૬૯.૫ લાખ ઈનવોઈસ જનરેટ કરવામાં આવ્યા હતા. ઈ-ઈનવોઈસની અમલીકરણની તારીખે જ આશરે ૮૪૫૩ લોકો દ્વારા ૮.૪૦ લાખ ઈનવોઈસ રેફરન્સ નંબર બનાવવામાં આવયા છે જેના ભાગરૂપે કુલ ૭ દિવસમાં ૭૧ હજાર લોકો દ્વારા ૬૯.૫ લાખ ઈનવોઈસ બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ કોઈપણ પરીવહન માટે ઈ-વે બિલને બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે તેની જગ્યાએ ઈ-ઈનવોઈસ આવતાની સાથે જ પારદર્શકતા જોવા મળશે અને માલની હેરાફેરીમાં જે વધ-ઘટના કિસ્સાઓ સામે આવતા હતા તેના પર હવે પૂર્ણવિરામ મુકવામાં આવશે.

નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ સરકારને આ યોજનાથી પારદર્શકતાની સાથોસાથ વેપારીઓના નાણાકિય વ્યવહાર પર જે ટીડીએસ લગાડવામાં આવતો હોય છે તેની સીધી જ આવક સરકારને ખુબ ટુંકા સમયમાં મળી જશે જેથી દેશની આર્થિક વ્યવસ્થામાં પણ અનેકઅંશે સુધારો જોવા મળશે. નાણા મંત્રાલયે એ વાતની સ્પષ્ટતા કરી છે કે ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી જે કંપનીઓ ૧૦૦ કરોડથી વધુનું ટનઓવર ધરાવતી હોય તેઓએ તેમનું ઈ-ઈનવોઈસ ૧લી જાન્યુઆરીથી જ બનાવવુ પડશે ત્યારબાદ ૧લી એપ્રિલથી નાનાથી લઈ મોટા ધંધાર્થીઓ અથવા તો વેપારીઓએ ઈ-ઈનવોઈસ બનાવવું ફરજીયાત કર્યું છે. ઈ-ઈનવોઈસ આવતાની સાથે જ ઈ-વે બીલમાં જે પ્રશ્ર્નો જોવા મળતા હતા તેને દુર કરવા માટે અત્યંત મદદરૂપ સાબિત થશે. ઈ-ઈનવોસના અમલીકરણની સાથે જ લઘુ અને મધ્યમ ઉધોગોને જે નાણાકિય સહાય અને જે પેમેન્ટને લઈ પ્રશ્ર્નો ઉદભવિત થતા હતા તેનું સુદ્રઢ નિવારણ લાવવામાં આવશે અને તેની પેમેન્ટ સાયકલ પણ ખુબ જ સારી રીતે આવનારા સમયમાં ચાલશે.

Loading...