આવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે

પુરવઠા અને માંગની વિસંગતતાનો ગેરલાભ ઉઠાવનારા તત્ત્વોને કાબુમાં લઈ ખેડૂતને સધ્ધર બનાવવાની દિશામાં સરકારની કવાયત

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને ખેતી પ્રધાન દેશનું બિરુદ મળ્યું છે પરંતુ હજુ ખેતી અને ખેડૂતોના ઉત્કર્ષ માટે ઘણા એવા અંતરાયો દૂર કરવાની જરૂર છે. જેના ઉપર અત્યાર સુધી જ્વલેજ ધ્યાન અપાયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના જોયેલા સપનાના આધાર તરીકે ખેડૂતોને રાખીને ખેડૂતોની આવક બમણી કરવાનું જે મહાઅભિયાન ચલાવ્યું છે તે દેશના ઈતિહાસમાં ખેડૂતોની ખેવનાની બાબતમાં એક સીમાચિન્હરૂપ કવાયત તરીકે હંમેશા યાદ રહેશે. કેન્દ્ર સરકારે ખેતી અને ખેડૂતોની દિશા અને દશા બદલવા માટે આવશ્યક ચીજવસ્તુ ધારામાં જરૂરી સુધારાઓ કરી આવશ્યક ચીજવસ્તુ ધારાને કૃષિ મીત્ર બનાવવાની દિશામાં કવાયત હાથ ધરી છે. મંગળવારે સંસદમાં સરકારે આવશ્યક ચીજવસ્તુ ધારા ૨૦૨૦ પસાર કરીને પુરવઠા ક્ષેત્રે રહેલી વિસંગતતા અને અનિયમીતતા દૂર કરવાની દિશામાં પગલા ભરવાનું શરૂ કર્યું છે. કઠોળ, ધાન અને ખાસ કરીને ડુંગળીના વ્યવસાયી કારોબારમાં પારદર્શકતા લાવીને કૃષિ અને ખેડૂતોની આવક વધારવાનો સરકારે હેતુ સિધ્ધ કર્યો છે.

જગતના તાતની ઉપમાં ધરાવતા ખેડૂત પોતાની ખેતપેદાશના ભાવો મેળવવામાં કિંમત નકકી કરવામાં બજારની માંગ અને પુરવઠાની પરિસ્થિતિનો આશિયાળો રહ્યો છે. દર વર્ષે ખેડૂતોના ખેતરમાં ડુંગળી સહિતની જણસ તૈયાર થાય ત્યારે ભાવ તૂટી જાય અને વેપારીઓના ગોડાઉનમાં માલ ભરાય એટલે ભાવો ચડી જાય. આ જ પરિસ્થિતિ દરેક કૃષિ પેદાશોમાં પ્રવર્તી રહી છે. જો કે સરકારે  ખેડૂતોને પોતાની જણસના ટેકાના ભાવો મળી રહે તે માટે એમએસએમઈ યોજનાનું માળખુ ગોઠવીએ છીએ પરંતુ આ પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે સરકારે આવશ્યક ચીજવસ્તુ ધારો લાવીને ખેડૂતોને પગભર બનાવવાની દિશામાં મહત્વનું કદમ ભર્યું છે. જેનાથી ખેડૂતો અને કૃષિની દિશા અને દશા બદલાઈ ગઈ છે.

મંગળવારે લોકસભામાં પસાર થયેલા આવશ્યક ચીજવસ્તુ ધારાનો હેતુ ખેડૂતોની આવક વધારી કૃષિ ક્ષેત્રને સધ્ધર બનાવવાનો છે. આ અંગેની ચર્ચામાં ભાગ લઈને શિરોમણી અકાલી દળના પ્રમુખ શુખબીરસિંગ બાદલ અને ભાજપના સહયોગીઓએ આ સુધારાને ખેડૂતોના હિમાયતી ગણાવીને ખેડૂતો માટેની સમજણ ઉભી થાય તેવી વ્યવસ્થાની માંગ કરી હતી. દેશના પંજાબ અને હરિયાણા સહિતના કેટલાક રાજ્યોમાં આ બીલનો વિરોધ ઉઠ્યો છે. સરકારે અગાઉ જ આ બીલ પસાર કરવાની કવાયત હાથ ધરી દીધી છે અને સંસદની મંજૂરી માટે તેને લવાયો છે. જો કે, કોંગ્રેસના અમરસિંહએ આ કાયદાને ગરીબ અને ખેડૂત વિરોધી ગણાવ્યું છે. તૃણમુલ કોંગ્રેસના સુબતા રોય અને કલ્યાણ બેનર્જીએ આ બીલનો વિરોધ કરી દલીલ કરી છે કે, કેન્દ્ર રાજ્ય સરકાર પાસેથી સત્તાઓ પોતાના હસ્તગત કરી રહી છેે. અમને એ સમજાતું નથી કે, આ કાયદાને શા માટે લાવવામાં ઉતાવળ થઈ રહી છે. આ કાયદો મોટા વેપારીને ફાયદો અને ખેડૂતોના લાભનો શત્રુ બની રહેશે. આ કાયદો કોર્પોરેટ જગતને કૃષિ ક્ષેત્રમાં સામેલ કરી દેશે તેમ ટીએમસીના નેતાએ જણાવ્યું હતું. ડીએમકેના કથીર આનંદે પણ આ કાયદાનો વિરોધ કર્યો છે. જો કે, જેડીયુના કૌશલેન્દ્રકુમારે આ બીલને ખેડૂતોના હિમાયતી ગણાવી તેને આવકાર આપીને ખેડૂતોને નીચા ભાવે કૃષિ પેદાશો વેંચવાની મજબૂરીમાંથી બહાર લાવનારૂ ગણ્યું હતું. ભાજપના પી.પી.ચૌધરીએ આ ખરડાને માત્ર ખેડૂતોને જ લાભકર્તા નહીં પરંતુ ગ્રાહકો માટે પણ લાભકારી અને કૃષિ ક્ષેત્રે મોટા સુધારાનું નિમીત બનનાર હોવાનું જણાવ્યું હતું. વાયએસઆરસીપીના સંજીવ કુમારે આ કાયદાને આવકારી ખેડૂતોને પોતાની વસ્તુઓનો પુરો ભાવ અપાવનારો ગણાવ્યું હતું. બીજુ જનતા દળના ભરતુહરી મહેતાબે આ કાયદાને બધી રીતે પરિપૂર્ણ ન હોવાનું જણાવ્યું હતું.

કૃષિ ક્ષેત્રને કાયદાના નિયંત્રણમાં લઈને દરેક જણસને સાચવીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની સુવિધા આપીને સરકાર ખેડૂતોના હિતને સુરક્ષીત કરવા માંગે છે. તેમણે નિકાસના પ્રતિબંધો દૂર કરીને કૃષિ ક્ષેત્રને સધ્ધર બનાવવાની માંગ કરી છે. જો કે, બીએસપી સહિતના કેટલાક પક્ષોએ આ ધારાને ખેડૂત વિરોધ ગણાવીને મધ્યમ વર્ગને ફાયદો અપાવનારૂ ગણાવી તેમણે સરકાર સામે જાહેર ક્ષેત્રનો ઉદ્યોગપતિઓને લાભ અપાવનારૂ ગણાવીને સંગ્રહખોરોને પીળો પરવાનો આપનારૂ ગણાવ્યું હતું. જો કે, લોકસભામાં પસાર થયેલા આવશ્યક ચીજવસ્તુ ધારાની અસરોની સમીક્ષા કરનાર તજજ્ઞોએ આ કાયદાને કૃષિ અને ખેડૂતોની દિશા અને દશા બદલાવનારૂ ગણાવ્યું છે. અત્યારે ખેડૂતોને પોતાના માલની પુરી કિંમત મળતી નથી. આ નવા કાયદાથી કૃષિ ક્ષેત્ર અને ખાસ કરીને ખેડૂતોની જણસના ભાવો સારી રીતે ઉભા થઈ શકે, બજારમાં માંગ અને પુરવઠાની અસંતુલીત સ્થિતિનો ગેરલાભ લઈને તેનો દૂરઉપયોગ કરનારાઓને નિયંત્રણમાં લવાશે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા આવશ્યક ચીજવસ્તુ ધારો કૃષિ ક્ષેત્રની દિશા અને દશા બદલનારૂ સાબીત થશે.

Loading...