સમૂહ લગ્ની સમાનતાનો ભાવ નિર્માણ થાય છે: મુખ્યમંત્રી

જયેશભાઈ રાદડિયા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાના સમાજ સેવાના માર્ગે સમૂહ લગ્ન સહિતના સામાજિક સેવાના કાર્યો કરી રહ્યા છે: વિજય રૂપાણી

જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત છઠ્ઠા શાહી લગ્નોત્સવમાં ૧૫૬ નવદંપતીને આશિર્વાદ  અને શુભકામના પાઠવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત ૧૫૬ નવદંપતીના છઠ્ઠા શાહી સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતીઓને શુભકામના અને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે સમૂહ લગ્નથી સમાનતાનો ભાવ નિર્માણ થાય છે. આજના  સમયમાં લગ્નના કરિયાવર સહિતની પરિવારની ચિંતા ઓછી થાય છે. સમૂહ લગ્નથી સામાજિક એકતા અને સૌ સાથે મળીને પ્રસંગ ઊજવે એટલે એનો પારિવારિક અનેરો આનંદ પણ હોય છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે લગ્ન એ ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર બંધન છે. લગ્ન એ બે આત્માનુ માત્ર મિલન નથી પરંતુ બે કુટુંબનું પણ મિલન છે. મુખ્યમંત્રીએ લગ્નમાં સાત  ભવના ફેરા ફરવામાં આવતા હોય છે તેમ જણાવીને આપણા પૂર્વજો ઋષિ-મુનિઓએ બતાવેલી લગ્ન સંસ્કારની આ પરંપરા એક બીજાના સુખે સુખી અને એક બીજાના દુ:ખે દુ:ખી રહેવાની પ્રતિબદ્ધતાનુ પણ પ્રતિબિંબ પાડે છે તે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ સૌનુ  લગ્નજીવન સુખી રહે તેવા આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, ધર્મપત્ની પતિને આદર આપે અને પતિ પત્નીને પ્રેમ આપે તો સંસાર સુખી થવાની સાથે સાત ભવ સુખી થતાં હોય છે તેમ પણ જણાવ્યું હતું .

મુખ્યમંત્રીએ લોક સેવક સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના સામાજિક કાર્યો અને પ્રજાની વચ્ચે જઈને તેમણે કરેલા પ્રજાના કામોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, તેઓ સમાજની દીકરીઓ ભણે અને આગળ વધે, સમાજની પ્રગતિ થાય, અને સૌ સામાજિક પ્રસંગો સારી રીતે ઉજવી શકે તે માટે સમૂહ ભાવનાથી નાનપણથી જ તેઓ એ કામ કર્યા છે. એમની પ્રેરણાથી સૌરાષ્ટ્રમાં  લેઉવા પટેલ સમાજની સંસ્થાઓએ સામાજિક અને શૈક્ષણિક કાર્યો કર્યા છે. અને તેઓ ખુદ પણ શિક્ષણ સેવા અને ખેડૂતોના કાર્યો માટે સતત કામ કરતા હતા. સમાજ સેવાના આજ માર્ગે તેમના પુત્ર જયેશભાઇ રાદડીયા પણ સેવાકાર્ય  કરી રહ્યા છે અને જેને લીધે આજે આટલી મોટી વિશાળ સંખ્યામાં મહેમાનો અને સૌ કોઈ ભેગા થઈને સફળતાપૂર્વક સમૂહ લગ્નનું આયોજન થયું છે તે અંગે તેઓએ જયેશભાઇ રાદડીયા તેમજ દાતાઓ અને સમૂહ લગ્ન સમિતિમાં જોડાયેલા સૌને શુભકામના પાઠવી હતી.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની કુવરબાઈનુ મામેરુ તેમજ લગ્નની જાનમાં સસ્તા દરે એસટીની વ્યવસ્થા કરી આપવાની સરકારની યોજના સહિતની સામાજિક સેવાની યોજનાની ફળશ્રુતિ કહી હતી .

આ પ્રસંગે પ્રસંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈ રાદડીયાએ ખેડૂતો માટે તેમજ સૌ સમાજના વિકાસ માટે અનેક કામો કર્યા છે અને આજે જયેશભાઈ એ પણ સુંદર રીતે સૌના સહકારથી આ વિરાટ કાર્ય કહ્યું તેમ જણાવીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉદાર મનથી ખેડૂતો માટે કામ કરી રહ્યા છે તેની વિગતો આપી હતી . કમોસમી માવઠામાં  મુખ્યમંત્રીએ ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે તે માટે ઉદારતા દાખવીને ભામાશા જેવી વિચારધારાથી કામ કરી પૂરતું ભંડોળ ફાળવ્યું હતું તેમ પણ મંત્રી ફળદુએ જણાવ્યું હતું .

આ પ્રસંગે વિઠ્ઠલભાઈ રાદડિયાના સામાજિક કાર્યો રજૂ કરતી ફિલ્મનુ નિદર્શન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિઠ્ઠલભાઈના પિતા હંસરાજભાઇ રાદડીયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે હંસરાજભાઇ રાદડીયા, હરિહરાનંદ સ્વામી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ  ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, અગ્રણી રાજુભાઇ ધ્રુવ, વસંતભાઇ ગજેરા, વિરજીભાઇ ઠુંમર, ડી.કે સખિયા, નરેશભાઇ પટેલ, ભરતભાઇ બોઘરા તેમજ આગેવાનો, દાતાઓ, લેઉવા પટેલ સમાજની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ,  સંગઠનના પદાધિકારીઓ, સ્વયંસેવકો, મહિલાઓ અને હજારોની સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Loading...