Abtak Media Google News

કોરોનાની કપરી સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં આંદોલન કરવુ કે કેમ તે અંગે હજુ અવઢવ: આંદોલન થશે તો વીજ વ્યવસ્થા ખોરવાઈ જવાની ભીતિ

ખાનગીકરણના વિરોધમાં આગામી ગુરુવારના રોજ વીજકર્મચારીઓનું દેશવ્યાપી આંદોલન યોજાવા જઈ રહ્યું છે. જો કે કોરોનાની કપરી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રના આ આંદોલન કરવું કે કેમ તે અંગે હજુ અવઢવભરી સ્થિતિ જોવા મળી રહી છે. હાલ તો આંદોલન થાય તો વીજ વ્યવસ્થા ખોરવાઈ જાય તેવી ભીતિ સેવાઇ રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હસ્તકની સરકારી વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના વિરોધમાં તારીખ ૨૬ને ગુરુવારે એકસાથે અંદાજે ૧૫ લાખ વીજકર્મી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે તેવી જાહેરાત ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન દ્વારા કરવામાં આવી છે. જો કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પણ વીજકંપનીના ઈજનેરો ગુરુવારે વિરોધ પ્રદર્શન કરશે કે કેમ તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી જેથી અવઢવભરી સ્થિતિ જોવા મળી રહી છે.

વીજક્ષેત્રના ખાનગીકરણની પ્રક્રિયાનો વિરોધ કરવા માટે સમગ્ર દેશના ૧૫ લાખથી વધુ વીજકર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવા સાથે ખાનગીકરણથી થનારા ગેરફાયદાઓ અંગે જાગૃતિ લાવવાનું કાર્ય કરવના છે.૨૬મીએ સવારે ૧૦ કલાકથી દેશભરમાં વીજ ઈજનેરો ઇન્ડિયન ઈલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ડ બિલ-૨૦૨૦ પ્રક્રિયા તાત્કાલિક અસરથી રદ કરવી, સ્ટાન્ડર્ડ બીડ ડોક્યુમેન્ટ-૨૦૨૦ના પરિપત્ર મુજબની ગાઈડલાઈન પ્રમાણે ડિસ્કોમ વીજકંપનીઓની ખાનગીકરણ કરવાના હેતુસરની ટેન્ડર પ્રક્રિયાઓ તાત્કાલિક અસરથી અટકાવી રદ કરવી, કેન્દ્રશાસિત અને રાજ્યોમાં કાર્યરત ખાનગી વીજકંપનીઓ અને ફ્રેન્ચાઈઝ પ્રથા બંધ કરવી, નવી પેન્શન સ્કીમ રદ કરી જૂની પ્રથ લાગુ કરવા સહિતની માગણીઓ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હોવાનું ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન ભારત સંઘપ્રદેશના સેક્રેટરી આર.બી. સાવલિયાએ જાહેર કર્યું છે. એ વાતની તો સ્પષ્ટપણે ભીતિ સેવાઇ રહી છે કે જો સૌરાષ્ટ્રમાં વીજકર્મીઓ આંદોલન કરશે તો વીજ વ્યવસ્થાને અસર પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.