Abtak Media Google News

સરકાર દ્વારા લોકડાઉન અને અનલોક-૧ અને ૨ દરમિયાન દરેક શાળાઓને ઑનલાઈન શિક્ષણ આપવાની છૂટ આપવામાં આવી હતી પરંતુ આ છૂટનો ફાયદો ઉપાડી સ્કૂલ સંચાલકોએ ફીની ઉઘરાણી શરૂ કરી દીધી હતી જેથી વાલીઓએ હાઈકોર્ટનું શરણું લેવું પડ્યું હતું. હાઈકોર્ટે પણ વાલીઓની તરફેણમાં સ્કૂલ નહીં તો ફી નહીંનો ચુકાદો આપી દેતાં શિક્ષણ માફિયાઓના પેટમાં તેલ રેડાયું હોય તેવી રીતે તેણે બીજા જ દિવસથી શિક્ષણ આપવાનું બંધ કરી દીધું હતું. સ્કૂલ સંચાલકોની આ મેલી રમત સામે પ્રદેશ કોંગ્રેસ મંત્રી મનોજ રાઠોડે કટાક્ષ કરતાં જણાવ્યું છે કે સરકારે જેમને દૂધ પાઈને ઉછેર્યા તે જ શિક્ષણ માફિયાઓએ તેને ડંખ મારી દીધો છે ! સાથે સાથે મનોજ રાઠોડે સણસણતા સવાલો પણ ઉઠાવ્યા છે.

મનોજ રાઠોડે સવાલો ઉઠાવતાં કહ્યું છે કે હાઈકોર્ટના ચુકાદાના બીજા જ દિવસથી ઑનલાઈન શિક્ષણ બંધ કરવાનો સ્કૂલ સંચાલકોનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી છે ? શા માટે સરકાર તેની સામે મૌન બનીને બેસી ગઈ છે ? બે મહિના સુધી રગશીયા ગાડાની જેમ શિક્ષણ આપી સ્કૂલ સંચાલકોએ ફી ઉઘરાવી લીધી અને હવે જેવો તેના વિરુદ્ધમાં ચુકાદો આવ્યો કે તેણે તુરંત શિક્ષણ આપવાનું બંધ કરી દીધું તો શું આ ધંધો સરકારના ધ્યાન ઉપર નથી ? સ્કૂલ સંચાલકોએ હાથ ઉંચા કરી દેતાં હવે સરકાર ઑનલાઈન શિક્ષણ આપશે તેવી જાહેરાત કરાઈ છે ત્યારે સરકારે જ શિક્ષણ આપવું હતું તો શા માટે સ્કૂલ સંચાલકોને છૂટ આપી ? શું સરકાર દ્વારા સ્કૂલ સંચાલકો દ્વારા અપાયેલા ઑનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓને શું ફાયદો થયો તેની દરકાર લેવાઈ ખરી ? આ સહિતના સવાલોના જવાબ વાલીઓ અને જનતાને મળવા જરૂરી છે. તેમણે જણાવ્યું કે દેશના અનેક રાજ્યોમાં અત્યારે ડિઝિટલ સ્કૂલ સંચાલિત થઈ રહી છે અને વિદ્યાર્થિઓને મફત શિક્ષણ મળી રહ્યું છે ત્યારે વિકાસશીલ રાજ્ય તરીકે ઓળખાતાં ગુજરાતમાં આવી વ્યવસ્થા શા માટે ઉભી કરવામાં આવતી નથી ? શું રાજ્ય સરકાર બાળકોને મફત શિક્ષણ મળે તેમાં રસ ધરાવતી નથી ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.