Abtak Media Google News

ત્રણ જિલ્લામાં વાવણીજોગ વરસાદ પરંતુ અન્ય જિલ્લાઓમાં થોભો અને રાહ જુઓ જેવી સ્થિતિ: પવનની ગતિ અને ભેજનું પ્રમાણ ચોમાસાના આગમનમાં ભજવશે મહત્વનો ભાગ

સૌરાષ્ટ્રમાં ચોમાસુ વહેલુ બેસે તેવી આશાઓ બંધાઈ હતી. પરંતુ એમ્ફામ બાદ હવે ‘નિસર્ગ’ ચક્રવાતના કારણે વાતાવરણમાં ભેજ ખેંચાઈ જવાથી સૌરાષ્ટ્રમાં ચોમાસુ વિલંબમાં પડે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસુ હવે વહેલુ નહીં બેસે પરંતુ સામાન્ય તારીખ મુજબ જ વરસાદ પડશે. અલબત ચોમાસુ ભલે ૮ થી ૧૦ દિવસ મોડુ રહે પરંતુ ટનાટન જ રહેશે તેવો આશાવાદ પણ વ્યકત થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં વાદળો બંધાયા હતા. વાવાઝોડાથી સંભવિત જાનહાનીને પહોંચી વળવા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં એનડીઆરએફની ટીમો મોડી રાતથી જ સાબ્દુ બની ચૂકયું છે.

અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલુ વાવાઝોડુ ગુજરાતના કેટલાક તટીય વિસ્તારોને અડકીને મહારાષ્ટ્ર તરફ ફંટાયું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર વાવાઝોડાની અસર જોવા મળી હતી. ઉત્તર દિશા તરફ આગળ વધી રહેલા વાવાઝોડાના કારણે સુરત, નવસારી અને ભરૂચમાંથી હજ્જારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડાથી માત્ર માનવ જીવન નહીં પરંતુ હવામાન પણ ડિસ્ટર્બ થયું હોય તેવું જણાય રહ્યું છે. સામાન્ય રીતે અરબી સમુદ્રમાંથી ઉભા થયેલા પ્રેસરના કારણે ચાલુ વર્ષે ચોમાસુ સૌરાષ્ટ્ર પર વહેલુ બેસે તેવી આશાઓ હતી. પરંતુ આશાઓ ઉપર નિસર્ગ વાવાઝોડાએ પાણી ફેરવી દીધું છે. હવે સામાન્ય તારીખ મુજબ જ ચોમાસુ બેસે તેવી ધારણા છે. વાવાઝોડાના કારણે વર્તમાન સમયે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં વાવણીલાયક વરસાદ પડી જાય તેવી શકયતા છે. અલબત ત્રણ સિવાયના અન્ય જિલ્લામાં ખેડૂતોને થોભો અને રાહ જુઓ મુજબ આગળ વધવું પડશે. સામાન્ય રીતે ગુજરાતમાં ૧૭ જૂન નજીક ચોમાસુ બેસે છે. ચાલુ વર્ષે અનુકુળ હવામાનના કારણે મેઘરાજાની પધરામણી વહેલી થઈ હતી. આ ઉપરાંત અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેસરના કારણે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા વહેલુ હેત વરસાવે તેવી આશા જાગી હતી. પરંતુ એમ્ફામ વાવાઝોડાના કારણે આશા પર પાણી ફરી વળ્યું છે. આગામી સમયમાં વાતાવરણમાં રહેલુ ભેજ અને હવાની દિશા મેઘરાજાની સવારી ક્યાં ક્યારે અને કેટલું હેત વરસાવશે તે નક્કી કરશે. વર્તમાન સમયે તો ચોમાસુ સામાન્ય તારીખ મુજબ જ બેસે તેવી શકયતા છે.

હવામાન વિભાગના આંકડા મુજબ ઉત્તર ગુજરાતમાં હળવા ઝાપટા પડ્યા હતા. આગામી ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં પણ હળવાથી ભારે ઝાપટા પડે તેવી અપેક્ષા છે. અત્યારે વાવાઝોડુ મુંબઈની નજીકમાં છે. વાવાઝોડાની સ્થિતિમાં વીજ પુરવઠો જાળવી રાખવા સૌરાષ્ટ્રના કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની સંભવિત અસરને લઈ એનડીઆરએફની ટીમો ખડેપગે છે. સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં ૭૯ હજાર જેટલા લોકોને સુરક્ષીત સ્થળે ખસેડાયા છે. રાજ્યના ૮ જિલ્લાના ૨૧ તાલુકામાં ૧૬૭ ગામોને વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના છે. જે પૈકી ૩ સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદ પડી જશે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે.

નિસર્ગ વાવાઝોડાના કારણે હવામાંથી ભેજ ખેંચાઈ જતાં આગામી સમયમાં વહેલા વરસાદની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. અગાઉ એમ્ફામ વાવાઝોડાના કારણે સીસ્ટમમાં અસર થઈ હતી. હવે નિસર્ગ વાવાઝોડાના કારણે કેટલીક અસર થશે પરંતુ ચોમાસુ તો આગામી સમયમાં ટનાટન જ રહેશે તેવી આશા પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં ઉદભવેલા વાવાઝોડા અંગે ખાનગી હવામાન એજન્સીઓએ અનેક આગાહીઓ કરી હતી જે ખોટી પડી છે જયારે ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અક્ષરસ: સાચી પડી છે. ખાનગી એજન્સીઓ દ્વારા એવી આગાહી કરાઈ હતી કે, વાવાઝોડું નિસર્ગ સૌરાષ્ટ્રને ધમરોળશે અને દરિયાકાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદ પડશે. જયારે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી આપવામાં આવી હતી કે, વાવાઝોડાથી સૌરાષ્ટ્રને કોઈ અસર નહીં થાય. દક્ષિણ ગુજરાતમાં અસર વતાશે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે ત્યારે નિસર્ગ મુંબઈ નજીક અલીબાગ ખાતે ટકરાયું છે ત્યારે વાવાઝોડાને લગતી અનેક એજન્સીઓની તમામ આગાહી ખોટી પડી છે અને હવામાન વિભાગ સચોટ પુરવાર થયું છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સેલવાસ, વલસાડ, સુરતમાં ઝાંપટા

ચક્રવાત ‘નિસર્ગ’ની અસરના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાયો છે. સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, સેલવાસ સહિતના શહેરોમાં વરસાદી માહોલ બંધાયો છે. ગઈકાલ સાંજથી આજ બપોર સુધી દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ હળવા ઝાંપટા પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

સેલવાસ: સેલવાસમાં અમારા પ્રતિનિધિ શિવભાણસિંહે જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજથી સેલવાસમાં હળવા ઝાપટા આવી રહ્યાં છે. તંત્ર વાવાઝોડાને લઈ એલર્ટ પર મુકાઈ ગયું છે. કાચા મકાનોમાં અને દરિયાઈ વિસ્તારથી નજીક રહેનારાઓને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મકાનો અને દુકાનો પરથી પતરા હટાવી લેવાયા છે. એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે એલર્ટ છે. લોકોને વૃક્ષની નીચે ઉભા ન રહેવા કે વાહનો પાર્ક ન કરવાની સલાહ પણ અપાય છે. ગઈકાલ રાતથી જ તંત્ર ખડેપગે હતુ. માછીમારોને દરિયો ન ખેડવા પણ જણાવાયું છે.

વલસાડ: નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે વલસાડમાં વરસાદી માહોલ બંધાયો છે.

વલસાડના અમુક વિસ્તારોમાં તો વહેલી સવારથી છુટોછવાયો વરસાદ વરસ્યો હોવાનું અમારા પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું છે. ચક્રવાતથી જાનહાની ન થાય તે માટે પણ તંત્રની ટીમ ખડેપગે રહી છે.

સુરત: વાવાઝોડાના પગલે સુરતના દરિયાકાંઠે પણ અસર જોવા મળી છે. સુરતમાં વહેલી સવારથી વરસાદી વાદળા જોવા મળ્યા હતા.હળવી ગતિએ પવન ફૂંકાયો હતો. સુરતના સુવાલી દરિયાકાંઠે લોકોને ન આવવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ શાબદી કરાઈ હતી. રાત્રે અને વહેલી સવારે કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા વરસ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

વડોદરા: વડોદરામાં ગઈકાલે સાંજે ૪ વાગ્યે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. જોરદાર ધુળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો. ભારે પવનથી કેટલાક સ્થળોએ ઝાડ પડી ગયા હતા. ક્યાંક વીજ લાઈન તથા થાંભલા પડી ગયા હતા. ત્રણેક કલાક સુધી વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતું. આજે સવારે વાતાવરણ વાદળછાયું છે અને ધીમી ગતિએ પવન ફૂંકાય છે. શહેર-જિલ્લામાં જાનહાની કે વધુ નુકશાનના અહેવાલ નથી.

સૌરાષ્ટ્રમાં અઢી ઈંચ સુધી વરસાદ સવારથી વાદળછાયું વાતાવરણ

નિસર્ગ વાવાઝોડાની અસરનાં કારણે ગઈકાલે સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ પડયો હતો. આજે સવારથી વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. જુનાગઢનાં માળીયા અને કેશોદમાં અઢી ઈંચ વરસાદ પડયો હતો. માણાવદરમાં સવા ઈંચ, જેસરમાં એક ઈંચ વરસાદ પડયો હતો. મેંદરડા, જામજોધપુર, પાલિતાણા, કુતિયાણા, ભાણવડ, વિસાવદરમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. સ્ટેટ કંટ્રોલ રૂમનાં જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૩૧ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સવારથી સૌરાષ્ટ્રભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા બે માસથી કાળઝાળ ગરમીથી અકળાઈ ગયેલા સૌરાષ્ટ્રવાસીઓને આજે ગરમીથી રાહત મળી છે. બપોર બાદ દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.