બાંધકામ, ઓટો અને એરલાઇન્સ ક્ષેત્રને મહામારી માઠી અસર કરશે

73

વિશ્વમાં કુલ ૩૫ સેકટરમાંથી ૨૭ ક્ષેત્રને કોરોના વાયરસે મરણતોલ ફટકો માર્યો: એશિયા ૫ેસિફિક વિસ્તારની હાલત કફોડી

વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે અનેક ઉદ્યોગોનું પતન થઈ ચૂકયું હોય તેવો ઘાટ ઘડાયો છે. ભારતમાં બાંધકામ, ઓટો, એરલાઈન્સ, જેમ્સ એન્ડ જવેલરી, સ્ટીલ સહિતના ઉદ્યોગોને પણ મરણતોલ ફટકો પડ્યો છે. વર્તમાન સમયે ટેલીકોમ, ફર્ટીલાઈઝર, એફએમસીજી, ફાર્માક્યુટીલ્સ અને ફૂડ ઈન્ડસ્ટ્રીને કોરોના વાયરસની અસર ઓછી છે.

કોરોના વાયરસના કારણે વૈશ્ર્વિક અર્થતંત્રમાં એકાએક ગાબડુ પડી ગયું છે. એશિયા પેસીફીક રીઝીયનમાં કોરોના વાયરસથી અર્થતંત્રને વધુ ફટકો પડ્યો છે. તાજેતરમાં મુડી દ્વારા ભારત સહિતના એશિયન દેશોને કોરોના વાયરસના કારણે પડેલા ફટકા અંગે કેટલાક રેટીંગ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેટીંગ એજન્સી ક્રીસીલે કહ્યું હતું કે, મહામારીમાં લોકડાઉનના કારણે ફિશ્કલ અને મોનીટરી સંદર્ભે લેવાયેલા પગલા કારગત નિવડયા નથી. વિશ્ર્વભરમાં મંદીનો માહોલ છે. વૈશ્ર્વિક અર્થતંત્રના વિકાસમાં ૩.૫ ટકાનો ગાબડુ જોવા મળશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોએ કોરોનાના કારણે અસરગ્રસ્ત કુલ ૩૫ સેકટરને ઓળખી કાઢયા હતા. જેમાં કુલ ૨૭ સેકટરને ભારે અસર કોરોના વાયરસના કારણે થશે તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત દેણામાં ધકેલાયા કેટલાક સેકટર મરણ પથારીએ પહોંચી જશે તેવું મનાઈ રહ્યું છે. નોંધનીય છે કે, એરલાઈન્સ, ઓઈલ અને જેમ્સ એન્ડ જવેલરી જેવા મોટા ઉદ્યોગો મોટાભાગે ધીરાણ ઉપર નભતા હોય છે. એકાએક કોરોના વાયરસની મહામારી આવી પડતા આ ઉદ્યોગો સદંતર બંધ થઈ ચૂક્યા છે. અધુરામાં પૂરું ખર્ચ વધતો જાય છે. પરિણામે આ સેકટરના મોટા એકમો ઉપર દેણુ પણ વધી રહ્યું છે. આગામી સમયમાં લોકડાઉન હટી જશે ત્યારબાદ પણ આ દેણુ ભરવામાં મુશ્કેલી પડશે તેવું ફલીત થઈ રહ્યું છે.

નોંધનીય છે કે, ભારત, અમેરિકા, ચીન અને યુકે જેવા દેશોમાં કોરોના વાયરસના કારણે લાખો લોકોની રોજગારી છીનવાઈ ચૂકી છે. હજુ અનેક લોકોની રોજગારી ઉપર કોરોના વાયરસના કારણે ખતરો તોળાઈ રહ્યો છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ કોરોના વાયરસે ખાના ખરાબી કરી છે. પરિણામે લોકોની આવક ઉપર ગંભીર અસર પડી હોય તેવું જણાય રહ્યું છે. કોરોના વાયરસે અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુના ભોગ લીધા છે. ૧૦ લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમીત છે. પરિણામે મોતનો આંકડો હજુ વધશે તેવી દહેશત છે. ત્યારે આર્થિક ક્ષેત્ર પણ ભાંગી પડતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

અહીં નોંધનીય છે કે, ભારતીય અર્થતંત્રમાં થોડા સમય પહેલા બેંકોની કથળેલી હાલતના કારણે સુસ્તી જોવા મળી હતી. ત્યારબાદ ભારતની આયાત-નિકાસમાં ખાદ્યના કારણે પણ અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી જાય તેવી દહેશત વ્યકત થઈ હતી. વડાપ્રદાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા બેંકોનું એનપીએ ઘટે અને લોકોની ખરીદ શક્તિ વધે તે માટેના પગલા લેવામાં આવ્યા હતા. બજારમાં યેનકેન પ્રકારે પૈસા ઠાલવવામાં આવતા હતા. દરમિયાન ચીનના વુહાન શહેરમાંથી એકાએક કોરોના વાયરસ ફાટી નીકળ્યો હતો. ચીન આ વાયરસને વિશ્ર્વમાં ફેલાતો અટકાવવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું હતું. પરિણામે આ વાયરસે ઈટાલી, સ્પેન, યુકે અને અમેરિકામાં મોટા પ્રમાણમાં ખાના ખરાબી કરી છે. હજારો લોકોના મોત કોરોના વાયરસના કારણે નિપજયા છે અને આગામી સમયમાં કોરોના વાયરસનો શિકાર લાખો લોકો બને તેવી દહેશત છે. આવા સંજોગોમાં ભારતમાં લોકોની રોજગારી ઉપર પણ ખતરો ઉભો થયો છે. રિયાલીટી સેકટર પણ મંદ પડ્યું છે. એર લાઈન્સ પણ મરણ પથારીએ છે. ઓટો ડિલર્સ પણ મંદીનો ભોગ બની ચૂકયા છે. સ્ટીલ સેકટરમાં માંગ ન હોવાના કારણે નુકશાન થયું છે. મોટી સ્ટીલ કંપનીઓ ડૂબી જાય તેવી દહેશત છે. આવા સંજોગોમાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત રહેશે તો અત્યાર સુધી જે સેકટરને ઓછી અસર થઈ છે તેવા સેકટરો પણ મંદીમાં ગરક થઈ જશે.

Loading...