Abtak Media Google News

બદલાયેલા મેનેજમેન્ટે કામદારોના બાકી પગાર અને બોનસ ચૂકવ્યા

એક વિભાગ કાર્યરત: દોઢ માસમાં મિલ સંપૂર્ણ પણે કાર્યરથ થઇ જશે 

‘દિગ્જામ’ બ્રાન્ડ ફરી વિશ્વભરમાં ધમધમતી થશે

જામનગર સ્થિત અને વૈશ્વિક દિગ્જામ બ્રાન્ડથી કાપડનું ઉત્પાદન કરતી મીલ આખરે લાંબા સમયગાળા પછી પૂન: શરૂ કરવામાં આવી છે. પરિણામે કામદારોને માટે દિવાળી વહેલી આવી ગઈ હોય તેવો માહોલ જોવા મળ્યો છે. આગામી દોઢેક માસમાં સંપૂર્ણ મીલ ધમધમતી કરવામાં આવનાર છે. તેમ મીલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. કાપડની બજારમાં મોટું નામ ધરાવતી જામનગરની દિગ્જામ મીલ થોડા સમય પહેલા બંધ કરી દેવામાં આવતા અનેક કામદારો બેરોજગાર બન્યા હતાં.

કાપડ બજારની મંદિના કારણે ઉત્પાદન ચાલુ રાખવાનું શક્ય નહીં જણાતા મેનેજમેન્ટ દ્વારા મીલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી કામદારોની સ્થિતિ કફોડી બની હતી. લાંબા સમય પછી મેનેજમેન્ટ બદલાયું હતું અને મુંબઈની પાર્ટીએ આ મીલ હસ્તગત કરી હતી અને તેમણે મીલ પૂન: શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.  આખરે ગત્ સોમવારથી આ મીલનો એક વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. મીલના ડાયરેક્ટર અજય અગ્રવાલના જણાવ્યા મુજબ જુના બાકી પગાર કામદારોને ચૂકવી આપવામાં આવ્યો છે. ઉપરાંત બોનસની રકમ પણ ચૂકવી દેવાઈ છે. કોરોના સમયમાં ઘરે બેસી રહેલા મીલ કામદારોને પણ અડધો પગાર ચૂકવી દેવાયો છે.

જ્યારે ૩૧ મે ર૦ર૦ પછીનો પગાર ચૂકવવાનો બાકી છે. જે નવા મેનેજમેન્ટ દ્વારા ટૂંક સમયમાં ચૂકવી દેવામાં આવશે. આમ ભારતની આ એવી કંપની બની છે જેમણે બંધ મીલના કામદારોને પણ વેતન ચૂકવ્યું છે. હાલ મીલમાં સાફસફાઈ, મશીન મરામત વગેરે કામગરી ચાલી રહી છે અને લગભગ આગામી દોઢેક માસમાં મીલના બાકી વિભાગો પણ શરૂ કરી દેવામાં આવશે અને સંપૂર્ણ મીલ ધમધમતી થશે. હાલ લગભગ સવાપાંચસો કર્મચારીઓ મીલમાં કામ કરી રહ્યા છે. આમ થોડા વિરામ પછી ફરી એક વખત જામનગરનું દિગ્જામ વિશ્વમાં પોતાની બ્રાન્ડને પણ પૂન: પ્રસ્થાપિત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.