Abtak Media Google News

ફકત પાંચ વર્ષમાં જ ડિજિટલ પેમેન્ટ ત્રણ ગણુ વધી રૂા.૭૦ લાખ કરોડને આંબી જશે !!!

મોબાઈલ પેમેન્ટ કરનાર લોકોની સંખ્યામાં પાંચ ગણો વધારો થઈ ૮ કરોડે પહોંચશે

વડાપ્રધાન મોદી દ્વારા દેશને આર્થિક રીતે મજબુત કરવા અને સુદ્રઢ બનાવવા ડિજિટલ પેમેન્ટને આવકારતો નિર્ણય લીધેલો છે જેના માટે વડાપ્રધાને ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈનને પણ શરૂ કરવામાં આવ્યું છે. તેઓનું માનવું છે કે આવનારા સમયમાં લોકો ડિજિટલ તરફ આગળ વધે અને તેમના નાણાકિય વ્યવહારો ડિજિટલાઈઝ કરે. હાલની સ્થિતિ જોતા ડિજિટલની દુનિયા કુદકે અને ભુસકે આગળ વધી રહી છે ત્યારે રીપોર્ટ અને સર્વેમાં એ વાતની સ્પષ્ટતા થઈ છે કે આગામી પાંચ વર્ષમાં ડિજિટલ પેમેન્ટ ત્રણ ગણુ વધી ૭૦ લાખ કરોડને આંબી જશે તો એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે મોબાઈલ પેમેન્ટ કરનાર લોકોની સંખ્યામાં પાંચ ગણો વધારો થશે અને લોકોની સંખ્યા ૮ કરોડને આંબશે. રીપોર્ટમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે હાલ ડિજિટલ પેમેન્ટની માર્કેટ વેલ્યુ ૨૧ લાખ કરોડને પાર પહોંચી છે.

મોબાઈલ પેમેન્ટ કરનાર લોકોની સંખ્યા હાલ ૧.૬ કરોડ રહેવા પામી છે ત્યારે જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમાંથી એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે આગામી વર્ષ ૨૦૨૫માં આ આંકડો પાંચ ગણો વધી ૮ કરોડે પહોંચશે. સંશોધન કરનાર લોકોનું માનવું છે કે, માંગ અને વેચાણમાં જે વધારો જોવા મળ્યો છે તેનાથી ડિજિટલ પેમેન્ટ વધુને વધુ વેગવંતુ બની રહેશે. આવનારા પાંચ વર્ષમાં ડિજિટલ પેમેન્ટ ત્રણ ગણુ વધવાની વાત સામે આવી છે ત્યારે હાલ ભારતભરમાં ડિજિટલ પેમેન્ટ કરનારની સંખ્યા ૧ ટકાની છે. રીપોર્ટના આધારે એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે, જે ઓનલાઈન પેમેન્ટ ગેટ-વે બનાવવામાં આવ્યા છે તેમાં દિન-પ્રતિદિન વધારો થશે અને યુઝર બેઈઝ પણ એક અંશથી વધુ જોવા મળશે.

ઈ-કોમર્સ કંપની સાથે સંકળાયેલા ઉધોગપતિઓનું માનવું છે કે, જે વેપારીઓ ઓનલાઈનને પ્રાધાન્ય નથી આપી રહ્યા તે સર્વે લોકોના કારણે ડિજિટલ તરફ વળેલા વ્યાપારીઓની સંખ્યામાં વધારો થશે જેના પરીણામરૂપે દેશ ડિજિટલ તરફ પણ અગ્રેસર બનશે. કોવિડની પરિસ્થિતિને ધ્યાને લઈ ઓનલાઈન અને ડિજિટલ પેમેન્ટ તરફ લોકોનો ઝુકાવ વઘ્યો છે. આ વૈશ્ર્વિક મહામારીનાં સમયમાં પણ ગ્રોસરી સ્ટોરનું વેચાણ ૭૫ ટકાનો વધારો ડિજિટલ પેમેન્ટમાં જોવા મળ્યો છે. લોકોનું માનવું છે કે, હાલની સ્થિતિને અનુસરતા ડિજિટલ પેમેન્ટ સૌથી સરળ અને સુરક્ષિત છે. અંતમાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પેમેન્ટ ગેટ-વે એગ્રેગેટરમાં ૨.૪ ટકાનો વધારો નોંધાઈ માર્કેટ શેર રૂા.૨૩ હજાર કરોડને પાર પહોંચશે. હાલ પેમેન્ટ ગેટ-વે ભારે સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે ત્યારે આ તમામ ડિજિટલ પેમેન્ટમાં પેટીએમ સર્વે ગેટ-વેથી આગળ છે ત્યારબાદ ગર્વમેન્ટ કાર્યોમાં ઓનલાઈન બિલીંગ કરવા માટે બિલડેસ્ક એગ્રીગેટર લોકપ્રિય માનવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.