Abtak Media Google News

આ યુગમાં ખરાખરીને અવસરે આપણો દેશ અને આપણો સમાજ એકજૂટ ન રહી શકયા અને છિન્નવિછિન્ન થયેલા રાષ્ટ્ર તરીકે જ ઉપસ્યો જેનો ભરપૂર લાભ કોરોનાએ લીધો અને રામરાજયને બદલે વનવાસ સરખી આપણી વર્તમાન અયોધ્યાની હાલત સર્જાઈ !

આપણા રાષ્ટ્રના રાજપુરૂષો અને રાજકર્તાઓનાં નિજી લાભાલાભના કાવાદાવા અને એક સૂત્રતામાં સતત ભંગાણ હવે પછીના મહિનાઓમાં અમંગળ એંધાણ બની રહેશે અને પ્રજા નવી નવી મુશિબતોમાં ધકેલાતી રહેશે!

રામાયણ, મહાભારત અને ભાગવત કથાઓએ યુગો સુધી ભરત ખંડની આબાલવૃધ્ધ પ્રજાને કસોટીઓને વખતે જેનું મૂલ્ય ન થઈ શકે એવું આપ્યા જ કર્યું છે.

રામાયણ-કાળમાં શ્રી રામ અને રઘુવંશ દ્વારા, કૃષ્ણના અવતાર વખતે કૌરવો-પાંડવો અને હસ્તિપૂર-ઈન્દ્રપ્રસ્થની ભૂમિ દ્વારા અને દ્વારિકાની દેવભૂમિ દ્વારા, અવનવી ઘટનાઓની હારમાળા દ્વારા તેમણે ભરતખંડને જેનું મૂલ્ય ન થઈ શકે એવું અસીમ અને અપાર આપ્યું છે. આપણા અનેક પુર્વજોએ એનોલાભ લીધો છે. અને સમજણોનાં પટારાઓનો વારસો પણ મૂકી ગયા છે.

કમનશીબે આપણા જાળવી રાખવા જેવા અને રક્ષવા જેવા વારસાને આપણે ઘણે ભાગે નેવે મૂકયા છે. અને જેને નિરર્થક લેખને તિલાંજલી આપવા જેવા વારસાની બેસુમાર આળપંપાળ કરી છે.

આપણી વેદિક સંસ્કૃતિને, સંસ્કારને, સભ્યતાને અને ભારતીયતાને આપણે વિકૃત કરી મૂકયા છે.

આપણી ગ્રામ્ય સંસ્કૃતિને સમૃધ્ધ બનાવવાને બદલે એને રોળી ટોળી જ છે. નદીઓને લોકમાતા રહેવા દીધી નથી. નદીઓની રમણિયતાને વિશુધ્ધ તથા નિર્મળ પવિત્ર રહેવા દીધી નથી. બાલકૃષ્ણ-સંસ્કૃતિનું તો નખ્ખોદ કાઢી નાખ્યું છે !

પ્રાચીન કાળથી માણસને ખૂબજ ઉપયોગી રહ્યા છે. તેવા પશૂઓમાંથી આપણે ત્યાં ઘોડા- બળદ અને ગાયોની સંખ્યા ખૂબજ ઘટી ગયેલી છે. સાંઈઠ વર્ષ પહેલાના જમાનામાં દરેક ગામને ગાયોનું મોટુ ઘણ (ટોળું) અને ભેંસોનું મોટું ખોડુ (ટોળું) હતુ…! પરંતુ આજે તો ગાયોના ઘણમાં બહુ મોટો ઘસારો લાગેલો છે..!

ગાયની ઉપયોગિતા બતાવતા એક ગૌમંત્રમાં કોઈ કવિએ કીધું છે કે: ગાયના ઘી -દુધ ખાવાથી બાળકો… લોઠકા બને છે., ગાય સામી મળવાના શુકન થાય તો ઘારેલું કાર્ય.. પાર પડવાની ધારણા બંધાય છે., ગાયના ઘીનો દીવો દેવ પાસે થાય છે., ગાયનું દુધ પણ દેવને ચડે છે., ગૌમુત્ર છાંટીને વાતાવરણને પવિત્ર કરવામાં આવે છે, ગાયના છાણનો ચોકો (લીંપણ) કરીને જમીન પવિત્ર કરવામાં આવે છે…!

ગાયના શરીરમા તેત્રીસ કરોડ દેવતાનો વાસ માનલો છે..! તેથી ગાયનું પૂજન કરવાથી સંસારનાં સુખો પ્રાપ્ત થાય છે. ગાયના પુંછડે પાણી રેડવાની પિતૃઓની સદગતિ થવાની પણ માન્યતા છે… ગાયના મળ મુત્રના ખાતર વડે… પાક વધારે ઉતરે છે. ગાયના વાછડા બળદરૂપે ખેતી કરીને અનાજના કોઠારોને ભર્યા રાખે છે…!

આવું તો કૈંક લોલેલોલ ચાલે છે આપણી ગતિવિધિઓમાંઅને કૈંક બનવા -ન બનવાનું ચાલ્યા કરે છે. આપણી નીતિ રીતિઓમાં દશરથપુત્ર શ્રી રામના સુનિશ્ર્ચિત રાજયાભિષેક અર્થે દશરથનું ચક્રવર્તી શાસન અને અયોધ્યાના હકડેઠઠ પ્રજાજનો હોંશે હોંશે સજજ હતા એ ટાંકણે જ દશરથ કૂળમાં એકાત્મતા તૂટી અને દશરથે નિરૂપાય બનીને શ્રીરામના રાજયાભિષેકને રદ કરાવીને રામ-લક્ષ્મણ-સીતાને ૧૪ વર્ષના વનવાસની હાલતમાં મૂકયા, એવી જ બૂરી હાલત આપણા દેશનાં રાજકારણની થઈ છે, રાજપુરૂષોની થઈ છે, અને શાસનકર્તાઓની થઈ છે.

કોરોનાના ફૂંફાડા અને ધમપછાડાએ આપણા શાસકો સહિત આખા વિશ્ર્વની માનવજાતની ચેતનાને અને તેજસ્વિતાને હણી નાખ્યા છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.