શેરબજારની વર્તમાન સ્થિતિ લાંબાગાળાના રોકાણકારો માટે સોનેરી તક !

શેરબજારમાં લાંબા સમયથી સમયાંતરે કડાકા બોલી રહ્યાં છે. કોરોના વાયરસના કારણે વૈશ્ર્વિક અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું હોવાથી ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં મંદીનો માહોલ છે. શેરબજારમાં વર્તમાન સ્થિતિ રોકાણકારો માટે સોનેરી અવસર હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. છેલ્લા લાંબા સમયથી સેન્સેકસ ૪૩૦૦૦ની સપાટીથી ગગડીને તળીયે આવી જતાં સારી કંપનીની સ્ક્રીપ્ટમાં લાંબાગાળાનું રોકાણ હિતાવહ હોવાનું ફલીત થઈ રહ્યું છે. તાજેતરમાં ‘અબતક’ની ટીમ દ્વારા શેરબજારની વર્તમાન સ્થિતિ અને રોકાણકારોની મુંઝવણ અંગે નિષ્ણાંતો પાસેથી મત મેળવવામાં આવ્યો હતો. જેમાં રોકાણકારોને નિષ્ણાંતોએ રોકાણ કરવાના વિવિધ સુચનો આપ્યા હતા.

બજાર ખુલ્યા બાદ સતત હકારાત્મક અભિગમ દેખાશે : કે કે ગોંડલીયા

મારવાડી શેર્સ એન્ડ કોમોડિટી ના કે કે ગોંડલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે બજાર ફરી શરૂ થશે ત્યારે પ્રથમ તો રોકાણકારો અને ઉપભોક્તા બંનેનો સ્વભાવ બદલાશે, બજાર ને ફરી સાનુકૂળ થતા એક થી બે ક્વાર્ટર નો સમય લાગશે અને બજારમાં લિકવિડીટી આવતા પણ સમય અવશ્ય લાગશે પરંતુ સુધારા પણ ચોક્કસ આવશે. તેમણે તમામ નવી પ્રોડક્ટ્સ ની આવક વિશે જણાવતા કહ્યું કે જે નવી પ્રોડક્ટ્સ આવશે તેનો જથ્થો મોટો હશે તેમાં શંકાને સ્થાન નથી પરંતુ ખરીદશક્તિ કેવી રહેશે અને યોગ્ય ભાવ મળશે કે કેમ તે જાણવું રહ્યું. તેમણે આરબીઆઇ દ્વારા બજારમાં મુકેલા ભંડોળ વિશે જણાવતા કહ્યું હતું કે આ નિર્ણય ખૂબ જ સરાહનીય નિર્ણય છે જે યોગ્ય સમયે લેવાયો છે અને આ પગલું લિકવિડીટી લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમજ આને પગલે સતત હકારાત્મક અભિગમ જોવા મળશે અને જે શેર્સ ડાઉન હતા તે પણ ઉપર આવી શકે છે. તેમણે ભારતીય બજાની આગામી મેં માસ સુધીની સ્થિત વિશે જણાવતા કહ્યું હતું કે ભારત ની બજાર વૈશ્વિક બજારને આધીન છે તે મુજબ જ ભારતીય બજાર રીએક્ટ કરશે,  વૈશ્વિક બજાર જેટલી ઝડપે સાનુકૂળ થશે તેટલી ઝડપે આપણી બજાર સાનુકૂળ પરિસ્થિતિ તરફ આગળ વધશે.

બજારમાં લિકવિડીટ લાવવા સરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થા છેવાડાના રોકાણકારો સુધી પહોંચે તે જરૂરી : ધનસુખ વોરા

મહામારી માંથી બહાર આયા બાદ શેર બજારની સ્થિતિ વિશે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસૂખભાઈ વોરાએ  જણાવ્યું હતું કે મહામારીમાંથી બહાર આવ્યા બાદ પણ સંપૂર્ણપણે બહાર આવતા આશરે ૩ મહિના જેટલો સમય વીતી જશે, રોકાણકારો આવશે પરંતુ શોર્ટ ટર્મ રોકાણ કરીને નીકળી જશે તો જે સ્ટેબિલિટી આવવી જોઉએ તે આવતા સમય લાગશે. તેમણે માર્કેટમાં આવનારી નવી પ્રોડકટ વિશે જણાવતા કહ્યું કે માર્કેટમાં નવી પ્રોડકટ આવશે પરંતુ જ્યાં સુધી યોગ્ય ખરીદશક્તિ નહીં આવે ત્યાં સુધી યોગ્ય ભાવ મળશે નહિ ત્યાં સુધી બજાર સાનુકૂળ થશે નહીં. તેમણે બજારમાં લિકવિડીટી લાવવા સરકાર ના પ્રયત્નો વિશે જણાવતા કહ્યું હતું કે હાલ જે પૈસા બજારમાં મુકવામાં આવ્યા છે તે નાના રોકાણકારો ને સરવાઈવ કરાવવા માટે મુકાયા છે પરંતુ બજારની હાલની સ્થિતિ નાજુક છે ત્યારે હજુ વધુ પગલાં લેવા જરૂરી છે. તેમણે કહ્યું હતું કે સરકારે જે ૩.૭૫ લાખ કરોડ રૂપિયા વિવિધ સિસ્ટમથી મુક્યા છે તે છેવાડાના રોકાણકારો સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે અને તે વ્યાસ્થા ઉચિત સમયે થવી જોઈએ. ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારના આગમચેતીના પગલાં ને કારણે માનવ સંહાર સાપેક્ષે ખૂબ ઓછી છે પરંતુ જ્યારે કોરોનામાંથી દેશ બહાર આવશે ત્યારે કેટલી નુકસાની સર્જાઈ છે તેનો સર્વે કરાશે અને ત્યારે જ ખબર પડશે કે ટ્રેડ ઇન્ડસ્ટ્રી ને કેટલી નુકસાની થઈ છે અને તેમાંથી બજારને બહાર નીકળતા ખાસ્સો સમય લાગશે તેવું મારુ માનવું છે.

દિવાળીએ ભારતીય શેર બજાર અવશ્ય દિવાળી ઉજવશે : તુષાર વ્યાસ

મારવાડી શેર્સ એન્ડ કોમોડિટી ના માર્કેટિંગ એન્ડ કોમોડિટી ના હેડ તુષાર વ્યાસે જણાવ્યું હતું કે બજારમાં સર્કિટ સર્જાઈ, ડાઉનઝોન્સ આવ્યા પરંતુ એ પણ એક તક હતી કેમકે એ સમયે જે શેર્સ નાના રોકાણકારો લઈ શકે તે સ્તરે હતા. બીજી અસર એ થશે કે લોકો હાલ સુધી ક્યાંક મોટા ભાગે ચાઈના પર નિર્ભર હતા પરંતુ હવે લોકો ચાઈના નો વિકલ્પ શોધશે અને તેનો વિકલ્પ ભારત બની શકે છે. ઉપરાંત કેન્દ્ર સરકારના નિર્ણયો ને કારણે ભારતમાં નોંધપાત્ર નુક્સાની સર્જાઈ નથી. તેમજ હાલ બજાર ફરિવાર સુધારા તરફ વળવા પણ લાગી છે તો ટૂંકમાં કહી શકાય કે આ એક ઉજળી તક છે. તેમણે કહ્યું હતું કે માર્કેટ હાલ હકારાત્મક રીતે રીએકટ કરવા લાગ્યું છે.એગ્રીકલ્ચર,  ફાર્મા, બેન્કિંગ એન્ડ ઈન્સ્યુરન્સ સહિતના ક્ષેત્રને ફાયદો થયો છે જે આગામી ૮ થી ૧૦ મહિના બાદ દેખાશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ જે રીતે બજાર આગળ વધી રહી છે તેનાથી આગામી દિવસો ચોક્કસ કહી શકાય કે ભારતીય અર્થતંત્રને ખૂબ સારો ફાયદો મળનાર છે અને બજાર ખૂબ ઉપર જનાર છે, હાલ ભારતીય રોકાણકારો માટે ઉજળી તક છે અને કહી શકાય કે દિવાળી સમયે હેર બજાર દિવાળી ઉજવશે.

Loading...