Abtak Media Google News

વિધાયકે ખાસ બે કલાક રાહ જોઈને પણ ફોજદાર આવ્યે સળગેલી કાર સાથે  ફોજદાર જોડે ઉભા રહી ફોટા પડાવી દૈનિક પત્રોમાં પ્રસિધ્ધ કરાવ્યા !

તળાજા તાલુકો હાલમાં તો શેત્રુંજી નદી અને તેની કેનાલો ને કારણે હરીયાળી સમૃધ્ધીથી ભરપુર છે પણ ભુતકાળમાં પણ તળાજા સમૃધ્ધ શહેર હશે તે તેના ઐતીહાસીક પુરાણા બાંધકામોને કારણે અનુમાન કરી શકાય વળી તે સમયે નજીકનું ધમધમતું સરતાનપર બંદર પણ વ્યાપાર સમૃધ્ધિનું કારણ હોઈ શકે પણ આવો પુરાતન સમૃધ્ધી દર્શાવતો કિસ્સો જયદેવના તળાજાના કાર્યકાળ દરમ્યાન બન્યો.

જુના તળાજા શહેરમાં એક જગ્યાએ જુના પુરાતન મકાનને પાડીને નવુ બાંધકામ કરવાનું હશે તેથી આ ઈમલો ઉતારીને દીવાલો તોડતા તેમાંથી એક ઝવેરાત ભરેલો ચરુ કે દલ્લો મળી આવ્યો. મકાન માલીકે જગ્યાની માલીકી હકકના દાવે આ દલ્લો ચુપચાપ ગપચાવી લીધો. પરંતુ જાહેરમાં ખોદકામ દરમ્યાન દલ્લો મળ્યો હોય તે વાત ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે છતા છુપી રહે નહિ. બે પાંચ દિવસે વાત ફરતી ફરતી તળાજા ફોજદાર જયદેવ પાસે પહોંચી.

જયદેવ જાણતો હતો કે નિયમ એવો છે કે ખાનગી માલીકીની જગ્યા હોવા છતા તેના ખોદકામ દરમ્યાન જો કોઈ કિંમતી સંપતિ મળી આવે તો તેની માલીકી સરકારની ગણાય અને આવી સંપતિ સરકારમાં જમા કરાવવી પડે.

પુત્રના લક્ષણ પારણેથી ” તે રીતે કોઈ પોલીસ સ્ટેશનમાં નવા થાણેદાર-ફોજદારની નિમણુક થાય તો તેની પ્રથમ મહિનાની કાર્યશૈલીથી જ જનતાને ખ્યાલ આવી જાય છે કે આ ફોજદાર કડક છે કે ઠીક ચાલ્યા કરશે. આ ઠીક ચાલ્યા કરશે એટલે એવો અમલદાર કે જે રાજકારણીઓ, મોટા માથાઓ વિગેરે ના દબાણ, ભલામણમાં પોતાની કાયદેસરની કાર્યવાહીમાં બાંધ છોડ કરી તેમની ઈચ્છા મુજબ મળતુ ભળતુ કામ કરે અને કડક અમલદાર પોતાના મનથી અને તેમાં પણ મોટાભાગની કાર્યવાહી કુદરતી ન્યાયીક ‘પરીત્રાણાય સાધુનામ્’ હોય છે તો કેટલાકના કડક હોવાના ઈરાદા મલીન અને અલગ પણ હોય છે પરંતુ ખરેખર કડક અધિકારી હોય તે ગુનેગારો અને ધંધાદારી રાજકારણીઓ માટે માથાનો દુ:ખાવો હોય છે એટલે કે વિનાશાય ચ દુષ્કાતમ્ હોય છે જયારે સજ્જન લોકો અને કાર્યદક્ષ પોલીસ કર્મચારીઓ માટે તે હિતકર હોય છે આવા અધિકારીની નિમણુંક માટે સામાન્ય રીતે સજ્જન લોકો અને વકીલો પણ ઈન્તજાર કરતા હોય છે ધર્મ સંસ્થાપનાર્થાય અર્થાત સાચી ન્યાયીક પોલીસ કાર્યવાહી થાય તે માટે.

આ રીતે ફોજદાર જયદેવના નામ અને કામ આ મકાનનું ખોદકામ કરનાર તેના માલીકને ખબર જ હતી તેમાં આ રીતે પોલીસ સ્ટેશનનું તેડુ આવ્યુ આથી તેણે તેના પેટમાં છુપાવેલી દલ્લાની વાતનો આફરો ચડયો અને પેટમાં ચુંક આવવા લાગી પણ મનમાં દલ્લાની લાલચ હતી તેથી તેણે જુની અને જાણીતી પધ્ધતિ મુજબ એક ધંધાદારી રાજકારણીની આ બાબતે સલાહ લીધી. આથી આ ધંધાદારી અગ્રગણીએ કહ્યુ આજ દિવસ સુધી નેતાઓના ઝંડા લઈ લઈને દોડયા છો તો શું કામના ? પહોંચો ગાંધીનગર આ પોલીસ તો જન્મથી લઈ મરણ સુધીની બાબતોમાં દખલગીરી કરી સખ જ લેવા દેતા નથી બધેય ધોંચ પરોણા કર્યા કરે, એમ કાંઈ દલ્લો જમા કરાવાય નહિ. આથી દલ્લાના કબ્જેદાર તળાજાથી નજર બહાર થઈ ગયા. બે ત્રણ દિવસ તેમનો કોઈ અતો પતો લાગ્યો નહિ.

એક દિવસ બપોરના બારેક વાગ્યે ગાંધીનગરથી તળાજા જયદેવ ઉપર મંત્રી મહોદયનો ટેલીફોન આવ્યો કે શું કામ નાહક જનતાને હેરાન પરેશાન કરો છો ? આથી જયદેવે પુછયુ શું થયુ ? એટલે મંત્રી મહોદયે તળાજા જુના મકાનના ખોદકામ દરમ્યાન મળી આવેલ દલ્લાના માલીકને બોલાવ્યાની વાત જણાવી તેથી જયદેવે કહ્યુ ” વાત સાવ સાચી છે અને કાયદેસર પણ છે મને એવી હકીકત મળેલ છે કે આ વ્યકિતને ખોદકામ દરમ્યાન દલ્લો મળ્યો છે તેથી તેમની પુછપરછ કરવાનો મને હકક છે આથી તેમને બોલાવેલ છે મંત્રી મહોદયે કહ્યુ મકાન તો તેમનું પોતાની માલીકીનું છે તેથી દલ્લો પણ તેમનો જ કહેવાય તેમાં પોલીસે શા માટે વચ્ચે પડવુ જોઈએ ? આથી જયદેવે તે બાબતેની કાયદેસરતા બતાવી કે જમીનમાંથી નિકળેલો છુપો ખજાનો સરકારની માલીકીનો કહેવાય તે જમીનના માલીકનો નહિ. આથી મંત્રી મહોદયે કહ્યુ કે આ દલ્લાના કિસ્સામાં કોઈએ ફરીયાદ જાહેરાત તો કરી નથી તો આ દલ્લો આ આસામી ન આપે તો તમે શું કરી લેવાના ? આથી જયદેવે વ્યુહાત્મક પણ મકકમ પણે જવાબ દીધો કે સરકારી સંપતિ ઓળવી જવાનો જે કાંઈ ગુન્હો બનતો હશે તે અંગે હું પુરાવા મેળવી શ્રી સરકાર તરફે જાતે ફરીયાદી બની ને ગુન્હો દાખલ કરાવી જરૂર પડયે જે તેના રીમાન્ડ પણ મેળવીશ. આથી મંત્રી મહોદયે ફોન મુકીને કહ્યુ કે આ પણ માથાનો ફરેલો કાયદે આઝમ લાગે છે.

દલ્લાવાળા મકાન માલીક પાસે હવે કોઈ રસ્તો બાકી ન હતો તેણે ગાંધીનગર થી ઘેર આવી દલ્લો લઈ સીધો જ પોલીસ સ્ટેશને જયદેવ પાસે પહોંચી ગયો અને કહ્યુ ” લ્યો સાહેબ આ દલ્લો જયદેવે તે આસામીને ખુરસી ઉપર બેસાડીને કોન્સ્ટેબલ મારફતે બે પંચો-સોની મહાજન ને વજન કાંટા સાથે અને સાથે ચા-પાણી મંગાવ્યા. તે આવી જતા પંચમાનું કરીને ચાંદીના સિકકા ક્રીમીનલ પ્રોસીજનર કોડની કલમ ૧૦૨ મુજબ સોની પાસે વજન કાંટાથી તોલ કરી કબ્જે કર્યા આસામીનું વિગતવારનું નિવેદન નોંધી કબ્જે  થયેલ મુદ્માલ દલ્લો ચાંદીના સીકક્ા એકાઉન્ટ રાયટર હેડ પાસે જમા કરાવી રાજકોટ ખાતે આવેલી પુરાતત્વ ખાતાની કચેરીને જાણ કરવા. ભાવનગર જિલ્લા પોલીસ વડા મારફતે રીપોર્ટ કર્યો , આથી પોલીસવડાએ જયદેવને આવી ઉત્કૃષ્ટ કામગીરી કરવા અંગે ઈનામ અને પ્રશસ્તિપત્ર એનાયત કર્યો.

તળાજા ફોજદારનો રીપોર્ટ રાજકોટ પહોંચતા જ પુરાતત્વવિદ શ્રી વોરા તળાજા આવી પહોંચ્યા અને તેમણે કરવાની રહેતી કાર્યવાહી કરી પોલીસના આ પ્રશંસા પાત્ર પગલાથી આશાવાદ પ્રગટ કર્યોે કે પોલીસની આવી જાગૃતી ને કારણે દેશની પુરાતન વિરાસત સલામત અને સમૃદ્ધ જ રહેશે !

એક દિવસ જયદેવને પોલીસ સ્ટેશનમાં વાવડ મળ્યા કે તળાજાના બંધ પડેલા રેલ્વે સ્ટેશનના મેદાનમાં એક અજાણ્યુ હેલીકોપ્ટર ઉતર્યુ છે અને તેમાંથી એક માણસ ઉતરીને ગામમાં ચાલ્યો ગયો છે લોકો કહે છે કે પાકિસ્તાનનું હેલીકોપ્ટર છે તો કોઈ કહે કે આતંકવાદી આવ્યા છે બે ત્રણ તો ગામમાં ઘુસી પણ ગયા છે પછી તો મોઢા એટલી વાતુ. વળી કોઈ કે એસ.ટી.ડી. ટેલીફોનથી ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ને જાણ કરી દીધી આથી કંટ્રોલરૂમમાંથી તાત્કાલીક ધોરણે તળાજા ઉપર વાયરલેસ સંદેશો આવ્યો કે તાત્કાલીક તપાસ કરીને જણાવો કે ખરેખર શુ છે ? વાયરલેસથી સંદેશો પસાર થાય એટલે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો પાળીયાદ થી લઈ મહુવા અને ગઢડા પાલીતાણાથી લઈ વેળાવદર ભાલ સુધીના તમામે આ સંદેશો સાંભળ્યો અને તમામ પોલીસ સ્ટેશનો સાવધ થઈ ગયા અને તળાજાથી વળતો સંદેશો શું અવો છે તે જાણવા વાયરલેસ સેટ ઉપર તમામ કાન માંડીને બેસી ગયા હતા.

જયદેવ તાત્કાલીક જીપ લઈને રેલ્વે સ્ટેશન અને હાલની સીપીઆઈ કચેરીએ આવ્યો, સીપીઆઈ કચેરી તો બંધ હતી પણ રેલ્વે સ્ટેશન ફરતે પુષ્કળ લોકો આ હેલીકોપ્ટરનો તમાશો જોતા  હતા. એક ટુ સીટેડ નાનુ હેલીકોપ્ટર રેલ્વે સ્ટેશન બિલ્ડીંગ સામેની જગ્યા કે જ્યાં એક વખત ને રોગેજ રેલ્વે ટ્રેનો ઉભી રહેતી હતી. ત્યાં શન્ટીગ યાર્ડમાં જ ઉભુ હતુ. તેમાં એક વ્યકિત બેઠેલી હતી તે પાયલોટ કે કેપ્ટન જ હતો જયદેવે જોયુ તો હેલીકોપ્ટર ઉપર ભારતીય રોયલ નેવીનો એન્કર વાળો લોગો ચિતરેલો હતો. આથી થોડે નજીક જઈ વાતચીત કરતા પાયલોટે સ્પષ્ટતા કરી કે કોઈ તકલીફ નથી થઈ પરંતુ અમારૂ ઈન્ડીયન નેવીનું શીપ ઘણા લાંબા સમયથી ઓફશોર છે એટલે કે પોર્ટ ઉપર ગયેલ નથી તેથી જીવન જરૂરી ચીજો અને મેડીકલ લેવા અહિ આવવુ પડ્યુ છે વાત થતી હતી તેવામાં બજારમાં ખરીદી કરવા ગયેલા નેવીના અધિકારી પણ આવી ગયા આથી જયદેવે તેમની સાથે પણ વાતચીત કરી નેવલ શીપનું નામ અને અધિકારીઓના નામ ઠામ પુછી લઈને જીપમાંથી જ જિલ્લા કંટ્રોલ‚મને આ સમાચાર અને ખેરીયત રીપોર્ટ મોકલી દીધો.

એક દિવસ જયદેવ જીપ લઈને ગામડામાં તપાસમાં હતો દરમ્યાન પી.એસ.ઓ એ વાયરલેસ સેટથી સંદેશો આપ્યો કે ડીસા(જી. બનાસાંઠા) ના ડીવાય.એસ.પી. સાથે તાત્કાલીક ટેલીફોનથી વાત કરવી. આથી જયદેવ તળાજા આવતા રસ્તામાં જ એસ.ટી.ડી. બુથમાંથી ડીસા ફોન લગાડી ડીવાય એસ.પી. જોડે વાત કરતા તેમણે માહિતી આપી કે બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે ભારતીય દંડ સહિતા ની કલમ ૩૯૫,૩૪૨,૩૬૫ ના કામે ઓઈલ ટેન્કર ડ્રાયવરે તેના સાગ્રીતો સાથે મળીને એક વેપારી પેઢીનું રાયડાનું તેલ કિંમત આશરે બાર લાખ રૂપીયા સાથે પેઢીના મહેતાજીનું અપહરણ કરી, ગેરકાયદેસર અટકાયત કરી તેલની લુંટ કરી લઈ નાસી ગયેલો છે અને વાવડ એવા મળે છે કે ટેન્કર અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ તરફ આવેલ છે અલંગના ફોજદાર બે ચાર દિવસ રજા ઉપર હોય અલંગ પોલીસ સ્ટેશનનો ચાર્જ વધારામાં જયદેવ પાસે હતો.

આથી જયદેવે તેની જીપમાં ત્રાપજ થઈને અલંગ આવ્યો. અલંગના ડીસ્ટાફ તથા અન્ય જવાનો ને એકઠા કર્યા. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ એટલે એક ઔધોગીક શહેર જેવુ હતુ, એકાદ લાખ બિહારી અને ઉડીયા મજુરોની ઝુંપડપટ્ટી તો જુદી પરંતુ દરીયાકાંઠે આવેલા આશરે સાડા ત્રણસો શિપ બ્રેકીંગ પ્લોટ કે ધકકા અને તે પછી હજારો એકરમાં આ શિપનો ભંગાર એકઠા કરવાના અસંખ્ય વાડાઓ. જયદેવ હજુ જવાનો ને અલગ અલગ વિભાગોમાં મોકલવા વહેંચણી કરતો હતો ત્યાં જ તળાજાથી વરધી આવી કે તળાજાના વિધાયક પાલીતાણા તરફથી પોતાની ફ્રન્ટીકાર લઈને આવતા હતા દરમ્યાન તેઓ દેવળીયાની ઘાર વટાવીને તળાજા તરફ આવતા હતા ત્યાં ઓચીંતા કારમાં ઈલેકટ્રીક શોર્ટ સર્કિટ થતા વિધાયક તો કાર ઉભી રાખીને સલામત રીતે બહાર નીકળી ગયેલા છે પણ કાર સળગી ગયેલ છે અમો એ કાર્યવાહી તો ચાલુ કરી દીધેલ છે પરંતુ વિધાયકજી નો આગ્રહ છે કે તમે જ આવી અને કાર્યવાહી કરો તો સારું.

જયદેવે પી.એસ.ઓ ને કહ્યુ બનાવ સામાન્ય અકસ્માત નો છે સ્ટેશન ડાયરી માં જાણવા જોગ નોંધ કરી જે હાજર હોય તે હેડ કોન્સ્ટેબલને બનાવવાળી જગ્યાએ પંચનામું કરવા મોકલી આપો.

પરંતુ થોડીવારમાં તળાજા પી.એસ.ઓ નો સંદેશો આવ્યો કે વિધાયકજી આ પંચનામું તમારી હાજરીમાં જ થાય તેવો આગ્રહ રાખે છે આથી જયદેવે વળતો સંદેશો પાઠવ્યો કે પોતાને તળાજા આવતા ઓછામાં ઓછા એકાદ કલાક તો થશે જ તેમ વિધાયકજી ને જણાવો. આથી પી.એસ.ઓ. એ જણાવ્યુ કે ભલે વિધાયક તળાજા વિશ્રામગૃહમાં તમારી રાહ જોશે તેમ કહીને ગયા છે.

જયદેવ માટે આ પાથાવાડાના લુંટનો મુદ્ામાલ વગે ન થાય અને આરોપીઓ નાસી ન જાય તે અગત્યની બાબત હતી પરંતુ આ વિશાળ અટપટી ઔધોગીક પટ્ટીમાંથી લુંટનું ટેન્કર શોધવુ એટલે “ઘાંસના ઢગલામાંથી સોય શોધવા જેવુ  લાંબી લપવાળુ કામ હતુ. તમામ જવાનો અને જયદેવ પણ ટેન્કરની શોધમાં લાગ્યા વિલંબ તો થાય જ તે દરમ્યાન પીએસ.ઓ તળાજાના બે ત્રણ સંદેશા આવી ગયા કે વિધાયક ઉતાવળ કરે છે આમ તો સળગેલ કારનું પંચનામુ જમાદાર કરે તો કોઈ પ્રકારનો પ્રશ્ર્ન ન હતો પરંતુ વિધાયક કોઈ અગમ્ય કારણસર જયદેવનો જ આગ્રહ કરતા હતા.

બે અઢી કલાકની રઝળપાટને અંતે આ પાથાવાડાના ગુન્હાનું ટેન્કર મુદામાલ સાથે ડ્રાયવર વનારામ પુરોહિત રહે રાણીવાડા, ભીનમાલ રાજસ્થાનવાળાને પકડી પાડયો તમામ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને અલંગ લોકઅપમાં મુકી દીધા અને ડીસા ડીવાય એસ.પી ને વિગતવારની જાણ કરી ખુબ જ મોટા મુદામાલની રીકવરી થતા તેમણે જયદેવને અભિનંદન આપ્યા. જયદેવે અલંગ પી.એસ.ઓ. ને સુચના કરી કે બનાસકાંઠા પોલીસ આવ્યે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓ તથા મુદ્ામાલ સોંપવો.

જયદેવ અલંગથી સિધ્ધો જ તળાજા આવ્યો વિધાયકની જાણવા જોગની જાહેરાતની તપાસ તો જમાદાર જાની ને સોંપાઈ ગઈ હતી પણ જાની હજુ પોલીસ સ્ટેશનમાં જયદેવની રાહ જોતા હતા જયદેવ તેને લઈ વિશ્રામગૃહમાં આવ્યો.

વિશ્રામગૃહમાં વિધાયક જયદેવની રાહ જ જોતા હતા પ્રેસ ફોટોગ્રાફરો પણ હાજર હતા. જયદેવે વિધાયકને અલંગ વાળી વાત વિગતે કરી ચા-પાણી પીને વિધાયક સહિત કાફલો પાલીતાણા રોડ ઉપર બનાવવાળી જગ્યાએ આવ્યો. અમુક પ્રેસ રીર્પોટરો તો અગાઉથી જ અહિં પહોંચી ગયા હતા.

વિધાયકની ખાનગી ફ્રન્ટીકાર તો ઈલેકટ્રીક શોર્ટ સરકીટી સળગીને હવે ફકત પતરા જ બાકી રહ્યા હતા. જયદેવે તપાસના દૃષ્ટિ કોણથી જગ્યાની ફોટોગ્રાફી કરાવી અને હેડ કોન્સ્ટેબલ જાની પાસે વિગતવારનું પંચનામુ કરાવ્યુ. તમામ કાર્યવાહી પુરી થયા બાદ વિધાયકે જયદેવને કહ્યુ તમે કારની એક બાજુ ઉભા રહી જાવ, બીજી બાજુ હું ઉભો રહું અને છાપાવાળા માટે ઉભા રહી જાવ, બીજી બાજુ હું ઉભો રહુ અને છાપાવાળા માટે ફોટો લેવડાવીએ આથી જયદેવે કહ્યુ આ કાર્યવાહીમાં પોલીસે શુ મોટો વાઘ માર્યેા છે આ તો રૂટીનનું કામ છે પણ વિધાયકે ફરી આગ્રહ કરતા જયદેવ સળગેલી ફ્રન્ટીની એક બાજુ ઉભો રહ્યો અને બીજી બાજુ વિધાયક ઉભા રહ્યા ફોટોગ્રાફરોની કલીક થઈ અને કામ તો પત્યુ અને વિધાયક ત્યાંથી રવાના થયા.

પરંતુ બીજે દિવસે ભાવનગર જિલ્લાના એક લોકપ્રિય દૈનીકમાં તળાજાના બે સમાચારો હતા એક વિધાયકની કાર સળગીને ભડથુ થઈ અને સાથે ઉપર જણાવેલ ફોટાગ્રાફ હેડ લાઈન સાથે બીજા સમાચાર તળાજા ફોજદારે બનાસકાંઠા જિલ્લાના લુંટના ગુન્હાના મુદામાલ આરોપીઓ પકડયાના સમાચાર એક બાજુ ખુણામાં ટુંકામાં હતા !

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.