Abtak Media Google News

વિજય માલ્યા વતી વકીલ અમિત દેસાઈની દલીલ પછી કોર્ટે કોઈ દિલાસો આપ્યો નહીં, કોર્ટે કેસની સુનાવણી જૂન સુધી મોકૂફ રાખી 

ભારતમાંથી ભાગી ગયેલા લીકર કિંગ વિજય માલ્યાએ તેમના વકીલના માધ્યમથી મુંબઈ હાઈકોર્ટમાં બુધવારે જણાવ્યું હતું કે વિશેષ અદાલત દ્વારા તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા અને તેની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપવી એ તેના માટે આર્થિક મૃત્યુદંડ સમાન છે. માલ્યાએ તેમના વકીલ અમિત દેસાઈ મારફત જસ્ટિસ રંજન મોરે અને જસ્ટિસ ભારતી ડાંગરેની બેન્ચ સમક્ષ આ નિવેદન કર્યું હતું. માલ્યાના આ નિવેદન છતાં બેન્ચે માલ્યાને કોઈ પણ દિલાસો આપવાનો ઈનકાર કરી દીધો હતો અને સુનાવણી જૂન સુધી મોકૂફ રાખી છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં અસ્તિત્વમાં આવેલા ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદાની અનેક જોગવાઈઓને પડકારતી માલ્યાની અરજીમાં વકીલ અમિત દેસાઈએ આ દલીલો કરી હતી. માલ્યાએ તેમના વકીલ મારફત કહ્યું, આવી લોન પર મારું દેવું અને વ્યાજ વધી રહ્યા છે. મારી પાસે આ લોન ચૂકવવા માટે સંપત્તિ છે પરંતુ સરકારે દેવું ચૂકવવા માટે આ સંપત્તિઓના ઉપયોગની મંજૂરી આપી નથી. મારી સંપત્તિ પર મારું નિયંત્રણ નથી. આ રીતે મને મૃત્યુદંડ અપાયો છે.વકીલ અમિત દેસાઈએ અદાલતને સમગ્ર દેશમાં માલ્યાની સંપત્તિ જપ્ત કરવા સંબંધિત કાર્યવાહી વિરુદ્ધ આદેશ આપવાની પણ વિનંતી કરી હતી.

જોકે, અદાલતે આ કેસમાં માલ્યાને વચગાળાની કોઈ રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો.દેશમાં ભાગેડુ આર્થિક ગુનેગારકાયદો અમલમાં આવ્યા પછી વિજય માલ્યા દેશનો પ્રથમ ભાગેડુ ગુનેગાર ઠર્યો છે. માલ્યાએ આ કાયદાની કાયદેસરતાને મુંબઈ હાઈકોર્ટમાં પડકારી છે. આ અરજીમાં માલ્યાએ દેશમાં તેની સંપત્તિઓને જપ્ત કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પર સ્ટે આપવાની માગણી કરી છે. આગામી સુનાવણી સમયે કોર્ટે આ સંબંધે કેન્દ્ર સરકારની ભૂમિકા સ્પષ્ટ કરવા માટે અધિક સોલિસિટર જનરલને હાજર રહેવા નિર્દેશ આપ્યા છે. કિંગફિશર એરલાઈન્સ નામે લીધેલી બેન્કોની આશરે રૂ. ૯૦૦૦ કરોડની લોન ડુબાડીને માલ્યા ઈંગ્લેન્ડમાં ભાગી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.