Abtak Media Google News

કચરો ઉપાડવા માટેના વાહન આડે ગેરકાયદે જગ્યા રોકાણના અવરોધોની હારમાળાઓ: કચરાના કાગળો ખાવાથી દૂધ સર્જાય ખરૂ ?

આપણા દેશમા ગાયોને ‘ગૌમાતા’ગણીને એને ચાંદલો કરીને પૂજવાનો અને એને પોતાના હાથો વડે ખવડાવવાનો ધર્મલક્ષી રિવાજ છે, અને તે વેદિક સંસ્કૃતિ તથા ઋષિમૂનિઓની પ્રાચીન પ્રણાલીકા સાથે સંકળાયેલો છે.

ગાયોને તેત્રીસ કરોડ દેવોની મતા ગણાવાઈ છે. ભારતને આઝાદી મળી તે વખતે ભારતની વસ્તી તેત્રીસ કરોડની એક જમાનામાં ઘેર ઘેર ગાયો રાખવાની પ્રણાલિકા હતી. ગાયોને ઘરની મૂડી સમી લેખાતી. જો કોઈ માથાભારે અને બળુકા અધર્મીઓ ગાયોના ધણને બળપૂર્વક વાળી જાય અને કબ્જે કરી જાય તો તે ગામનું અપમાન તથા નિર્બળતા ગણાતા અને એ ગાયોને પાછી લાવવા ધીંગાણા થતા.

આપણા દેશમાં ગૌવંશની રક્ષાના મુદે રાજકીય-ધાર્મિક લડતો થઈ ચૂકી છે. શંકરાચાર્યો જેવા ધર્માચાર્યો-ધર્મગૂરૂઓ એમાં આદેશ કર્તા બનતા હતા.

ગૌવંશ આપણા કૃષિ પ્રધાન અર્થતંત્રનો અત્યંત મહત્વનો હિસ્સો બનતો હતો.

આપણા દેશના કમનશીબે આ ક્ષેત્રે પણ રાજકારણ ઘૂસી ગયું અને ગાયોની તેમજ સમગ્ર ગૌવંશની દુર્દશા થઈ, જે આજે પણ વધુ બૂરી રીતે ચાલુ રહી છે. એટલું જ નહિ, પણ ધણી બધી વણસી છે. સમગ્ર પશુપાલન અને તેની સાથે સંકળાયેલ બાબતોનો ઘણે અંશે કડુસલો સર્જાયો છે.

‘ગાયો’ના હિતોનાં નામે અખિલ ભારતીય સ્તરે સંસ્થા ચાલે છે. અને મોટી મોટી ગૌશાળાઓ પણ ચાલે છે. એના પાલનહારો વિષે કાંઈ પૂરતું કે બહુ ઝાંઝુ જાણી શકાતું નથી.

‘ગાયના દૂધ’ને તેની પ્રોડકટસ સંબંધમાં પણ જેટલો થવો જોઈએ એટલો પ્રચાર-પ્રસાર થતો નથી એવી સાચી અર્ધસાચી છાપ ઉપસે છે.

આ અંગે એટલું તો નિશ્ર્ચિત છે કે રાજકોટ જેવા શહેરમાં ગાયો કચરાપેટી ઠલવાયા પછી એ કચરામાંથી કાગળો અને અન્ય કાંઈક ને કાંઈક ખાતી નજરે પડે છે. અને તે પણ નાના નાના ટોળામાં નજરે પડે છે.

આ કચરો ગાયોને ખવડાવીને જે કાંઈ સ્વચ્છતા કે સફાઈ થાય તેને ‘સ્વચ્છ ભારત’ના રાષ્ટ્રવ્યાપી અભિયાનની સફળતા તરીકે ઓળખાવાય અને સંતોષ લેવાય તો તે ખોટું પણ લેખાશે અને આપણા દેશને તેમજ સમાજને ભારે પણ પડશે ! આપણે આ દેશની ગરીબ તેમજ આમઆદમીઓને, ખાસ કરીને એમનાં બાળકોને ગાયનું દૂધ મળી રહે તેને લગતી રાષ્ટ્રીય ગોઠવણની ખેવના કરતા નથી !

આ અગાઉ આપણે ત્યાં કહેવાઈ ચૂકયું છે કે, આપણો દેશ અને સમાજ ગૌમાતા અને ગૌવંશ પ્રત્યે નગુણો બન્યો છે. કચરાના ઢગલા અને ઉકરડાઓમાં ગાયોને ખોરાક મેળવવા અને જેવું તેય પેટ ભરવા અને સડેલો કાગળો ખાઈને જીવવાની મથામણ કરવી પડે એ કરૂણતાની ચરમસીમા બરાબર છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 6

કહે છે કે, મુંબઈમાં ગાયનું દુધ રૂ.૫૬નું એક લીટર છે. ગરીબો અને નીચલા મધ્યમ વર્ગના લોકો માટે તો એ દુર્લભ જ છે. દૂધ જેવી મહત્વની ચીજને તો રેશનીંગમાં આપવી ઘટે એવો એક મજબૂત મત છે.

આજે શહેરમાં ગમે તેટલો શ્રીમંત મારસ હોય તો પણ તે પોતાના આંગણામાં ગાય બાંધી શકતો નથી અને તેનું તાજુ દુધ પી શકતો નથી. આજના શહેરી માણસનું આ મોટામાં મોટું દુભાગ્ય કહેવાય. ગામડાના ગરીબો અને આદિવાસીઓ પણ જે ચીજનો લાભ લઈ શકે છે.તે શહેરના શ્રીમંતો માટે દુર્લભ ગણાય છે. ગુજરાતના ભૂતપૂર્વ રાજયપાલ કૈલાસપતિ મિશ્ર ગાયોના એટલા પ્રેમી હતા કે તેમણ પોના આંગણામાં ગાય બાંધી હતી.

ભગવાન શ્રી કૃષ્ણ એક સમયે ગોપાલ જ હતા. બચપણમાં ગાયનું દુધ તેનું માખણ, એ બેને અતિ પ્યારા ગણ્યા હતા. તેમની કોઈ પણ તસ્વીરની સાથે ગાય હોય જ છે.

આવી ગાયોને કતલખાને જતાં આપણે રોકીએ છીએ જીવદયાના એક ભાગ તરીકે આમ કરીએ છીએ. પરંતુ એને ઉચિત ખાવાપીવાનું આપતા નથી.

હિન્દુ ધર્મમમાં ગાય માતા સમી અને પૂજનીય છે.

માનવજાત ઉપર તેનું જબરૂ ઋણ છે. તો પણ આપણે મોટે ભાગે નગુણા જ રહ્યા છીએ. જો આ હાલતને અતિ ગંભીર નહિ ગણીએ અને એમાં ક્રાંતિકારી પગલા નહિ લઈએ તો એ આપણને સમગ્રતયા ભારે પડી જશે. એમ કહ્યા વિના છૂટકો નથી!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.