Abtak Media Google News

હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓને સંજીવની રથ દ્વારા કરાય છે નિયમિત ચેકઅપ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૨૦૦ થી ટીમો દ્વારા શહેરના દરેક વોર્ડમાં ડોર ટુ ડોર મેગા સર્વેલન્સ થઇ  રહ્યું છે.સાવ સામાન્ય લક્ષણ ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓને મહાનગરપાલિકા દ્વારા હોમ આઈસોલેશનની નિ:શૂલ્ક સેવા આપવામાં આવી રહી છે.મહાનગરપાલિકા દ્વારા ૨૩ જેટલા સંજીવની રથની સેવા આપવાના આવી રહી છે જેના મારફતથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓનું નિયમિત ચેકઅપ કરવામાં આવે છે. જેમાં દર્દીનું ઓક્સિજન લેવલ, ટેમ્પરેચર, પલ્સ જેવી ચકાસણી કરવામાં આવે છે. જો દર્દીને વધુ સારવારની જરૂરિયાત જણાય તો તુર્ત જ ૧૦૮ ને બોલાવીને દર્દીને હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી પણ સંજીવની રથ કરી આપે છે.

રાજકોટ મહાનગરપાલિકા ખાતે હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓ માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જ્યાંથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓની દરરોજ ટેલીફોનીક સંભાળ લેવામાં આવે છે, જરૂર જણાય તો સંજીવની રથ દ્વારા તુર્ત જ દર્દીના ઘરે જઈને ચેકઅપ કરવામાં આવે છે. જો દર્દીને વધુ તકલીફ જણાય તો ૧૦૮ બોલાવીને દર્દીને હોસ્પિટલ ખાતે લઇ જવાની સગવડ પણ કરી આપવામાં આવે છે. હોમ આઇસોલેશન માટે મહાનગરપાલિકાના આશરે ૧૦૦ થી વધુ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેમાંથી ૭૫ જેટલા આરોગ્ય કર્મીઓ સંજીવની રથ સાથે સતત ફિલ્ડમાં ફરજ બજાવે છે અને ૩૫ થી વધુ લોકો કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનીક સંભાળ લેવાની કામગીરી બજાવે છે. સંજીવની રથ સાથે જરૂરી મેડીકલ ટીમ પણ રાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા સંજીવની સેવા રથની મદદથી હોમ આઇસોલેશન સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે. કોરોના પોઝિટિવ દર્દીને ગભરાવાની જરૂર નથી, મનપા દ્વારા નિયમિત સંભાળ લેવામાં આવે છે. તેઓને વિનામૂલ્યે તમામ સારવાર અને સહયોગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાપ્ત થઇ રહયો છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે આ સેવા ખરેખર આશીર્વાદરૂપ પૂરવાર થઇ રહી છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

જ્યારે કોઈ વ્યક્તિનો લેબ ટેસ્ટ થાય અને તેને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થાય ત્યારે એ વ્યક્તિને સરકારી (સિવિલ) હોસ્પિટલ કે મનપાના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અથવા તો પ્રાઈવેટ ડોક્ટર એ દર્દીને ઘેર રહીને સારવાર (હોમ આઈસોલેશન) લઇ શકાય છે તેવું જણાવે ત્યારે એ દર્દી હોમ આઈસોલેટ થઇ શકે છે. જોકે ઘેર રહીને સારવાર કરવા માટે દર્દીના ઘેર અલગ રૂમ અને તેના માટે અલગ બાથરૂમ  ટોઈલેટ હોવા જરૂરી છે. જો આ સુવિધા તેના ઘરમાં ના હોય તો તે સરકાર દ્વારા સંચાલિત સમરસ હોસ્ટેલમાં કાર્યરત્ત કોવિડ કેર સેન્ટરમાં દાખલ થઇ શકે છે અને ત્યાં પણ નિ:શૂલ્ક સારવાર અને રહેવા જમવાની સુવિધા તેને મળે છે. જે દર્દીઓને આર્થિકરીતે પરવડે એમ હોય તો તેઓ હોટલમાં કાર્યરત્ત કોવિડ કેર સેન્ટરમાં પણ હોમ આઈસોલેટ થઇ શકે છે.

વધુમાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની સારવાર અને મોનિટરિંગ માટે મહાનગરપાલિકા ખાતે ખાસ કંટ્રોલ રૂમ (ફોન નંબર-૦૨૮૧ ૨૨૨ ૦૬૦૦) રાઉન્ડ ધ ક્લોક (ચોવીસે કલાક કાર્યરત્ત) ચલાવવામાં આવી રહયો છે. હોમ આઈસોલેટ થયેલા દર્દીઓને મનપાના આરોગ્ય કેન્દ્રો અને સંજીવની રથના માધ્યમથી ક્ધસલ્ટેશન, ચેકિંગ, દવા અને મોનિટરિંગની સેવા તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. મનપાના કંટ્રોલ રૂમ દ્વારા ટેલીફોનિક અને રૂબરૂ પણ આ દર્દીઓની નિયમિત સમયાંતરે ખબરઅંતર પૂછવામાં આવે છે અને દર્દીને સ્વાસ્થ્ય સંબંધી જો કોઈ મુશ્કેલી હોય તો તેનું ફોલોઅપ કરવામાં આવે છે.

કેટલાક દર્દીઓ એવા પણ હશે જેઓના ઘરમાં વૃધ્ધ સભ્યો હશે અને તેઓને કોરોનાનો ચેપ પ્રસરવાની ચિંતા હોય તે સ્વાભાવિક છે. કેટલાક લોકો એવા પણ હશે કે જેઓ ભાડાના મકાનમાં રહેતા હશે અને હોમ આઇસોલેશન માટે જરૂરી સુવિધા કદાચ તેમના ઘરમાં ના પણ હોય. આવા સંજોગોમાં આ દર્દી સરકાર દ્વારા સંચાલિત સમરસ હોસ્ટેલમાં કે પછી હોટેલમાં કાર્યરત્ત કોવિડ કેર સેન્ટરમાં દાખલ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.