Abtak Media Google News

રાજકોટની ૨૫ વર્ષની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી

આજી -ન્યારી ડેમ સાઈટ ખાતે બનાવાશે ૧૫૦-૧૫૦ એમએલડી ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ:આ બે પ્લાન્ટ બનતા ફિલ્ટર કેપેસીટી બમણી થઈ જશે

ફિલ્ટર પ્લાન્ટ બાદ મેકેનિકલ વર્ક, ડિસ્ટ્રીબ્યુસન નેટવર્ક સહિત આ પ્રોજેકટ ૪૦૦થી ૫૦૦ કરોડે પહોચશે: શાસકોએ પ્રાથમિક મંજૂરી આપી દીધી: મ્યુ. કમિશ્નર પાસે ફાઈલ મુકાય

રાજકોટની વસતી અને વિકાસ રાજાની કુંવરીની માફક દિવસે ન વધે તેટલો રાત્રે વધી રહ્યો છે નવા ગામોને પણ કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાતા હવે રાજકોટ વિસ્તારની દ્રષ્ટિએ પણ સતત વધી રહ્યું છે. શહેરનાં સતત વધતા વિકાસ અને વિસ્તારને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ તથા ન્યારી ડેમ સાઈટ પર આશરે ૨૦૦ કરોડથી પણ વધુના ખર્ચે ૧૫૦-૧૫૦ એમએલડી એટલે કુલ ૩૦૦ એમએલડીની ક્ષમતાના બે વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવશે આ મહત્વકાંક્ષી પ્રોજેકટ માટે શાસક પાંખ દ્વારા મહિનાઓ પૂર્વે જ ઈજનેરોને પ્રાથમિક મંજૂરી આપી દેવામાં આવી છે. દરમિયાન ઈજનેરો પણ ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટેની ફાઈલ તૈયાર કરી એકાદ માસ પૂર્વે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના ટેબલ પર મંજૂરી અર્થે રજૂ કરીદીધી છે. ફિલ્ટર પ્લાન્ટ બન્યા બાદ મેકેનિકલ વર્કસ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભૂ કરવા સહિતના કામનો સમાવેશ કરવામાં આવે તો કુલ પ્રોજેકટ ૪૦૦થી ૫૦૦ કરોડની આસપાસ પહોચે તેવી સંભાવના જણાય રહી છે.

આ અંગે કોર્પોરેશનના વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ રાજકોટની કુલ દૈનિક જળ જરૂરિયાત આશરે ૨૮૦ થી ૨૯૦ એમએલડી આસપાસ છે જેની પાસે આજી, રિબડા, ન્યારી, રૈયાધાર, ઘંટેશ્ર્વર અને બેડી સહિત કુલ છ ફિલ્ટર પ્લાન્ટ ખાતે હયાત ફિલ્ટર પ્લાન્ટમાં ૩૦૦ એમએલડી પાણી ફિલ્ટર કરી તેનું વિતરણ કરી દેવામા આવે છે. હાલની સ્થિતિ નહી નફો, નહી નુકશાન જેવી છે. કોઈ એક પણ ફિલ્ટર પ્લાન્ટમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાયતો વિતરણ વ્યવસ્થા પર અસર પડી શકે છે. બીજી તરફ વાવડીમાં જેટકો ચોકડી પાસે અને રૈયાધાર ખાતે ૫૦-૫૦ એમએલડી ક્ષમતાના બે એટલે કે ૧૦૦ એમએલડી ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટના નિર્માણનું કામ ચાલુ છે. કોઠારિયા-વાવડી બાદ હવે ઘંટેશ્ર્વર, માધાપર, મોટામવા, મુંજકા અને માધાપરનો મહાપાલિકાની હદમાં સમાવેશ થયો છે.

આ નવા ભળેલા ગામોના વિસ્તારોને પીવાનું પાણી પૂરૂ પાડવાની જવાબદારી પણ કોર્પોરેશન પર આવશે આવામાં નવા ફિલ્ટર પ્લાન્ટ બાદ વોટર ફિલ્ટરેશનની ક્ષમતા વધશે તે નવા વિસ્તારોમાં સમાય જશે અને તંત્રની સ્થિતિ અગાઉ જેવી જ થઈ જશે.

રાજકોટની વસતી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. જો ફિલ્ટર પ્લાન્ટની કેપેસિટી વધારવામાં નહી આવે તો વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં જેનો સમાવેશ થાય છે તેવા રાજકોટમાં વસવાટ કરતા સ્માર્ટ લોકોને કોર્પોરેશન પીવાનું પાણી પણ આપી નહી શકે.

Screenshot 1 20

શહેરનાં ૨૫ વર્ષનાં સંભવિત વિકાસ અને વસતીને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા આજી ડેમ ખાતે ૧૫૦ એમએલડી અને ન્યારી ડેમ ખાતે ૧૫૦ એમએલડી શ્રમતાના નવા બે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા નિર્ણંય લેવામાં આવ્યો છે. થોડા મહિનાઓ પૂર્વે મેયર બંગલા ખાતે શાસકો તથા વહિવટી પાંખ વચ્ચે એક બેઠક મળી હતી જેમાં શાસકોએ બે નવા ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. ઈજનેરો દ્વારા ફિલ્ટર પ્લાન્ટ માટેનો પ્રાથમિક ખર્ચનો અંદાજ, ડિઝાઈન સાથેની ફાઈલ મંજૂરી અર્થે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે.

રૈયાધાર-જેટકો ચોકડીએ બનતા બે ફિલ્ટર પ્લાન્ટનું પાણી નવા ભળેલા વિસ્તારો “પી” જશે

કોર્પોરેશન દ્વારા હાલ હયાત છ વોટર ફિલ્ટર પ્લાન્ટ ખાતે રોજ અંદાજે ૩૦૦ એમએલડી પાણી ફિલ્ટર કરવામાં આવે છે જે રીતે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં તાજેતરમાં મોટામવા, મુંજકા, માધાપર, મનહરપૂરા અને ઘંટેશ્ર્વર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરનો સતત વધતોવિકાસ અને વિસ્તારને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા રૈયાધાર અને વાવડીમાં જેટકો ચોકડી પાસે ૫૦-૫૦ એમએલડી ક્ષમતાના બે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ બે નવા ફિલ્ટર પ્લાન્ટનું પાણીતો નવા ભળેલા વિસ્તારો જ “પી જશે લાંબા ગાળાનાં આયોજન માટે હવે ફિલ્ટર પ્લાન્ટની ક્ષમતા વધારવી આવશ્યક બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.