Abtak Media Google News

મ્યુનિ. કમિશનર બંછાનીધી પાનીના અઘ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ઇન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ

પબ્લિક હેલ્થ ગાંધીનગરના પ્રોજેકટ હેડ ડો.મહાવીર ગોલેછાએ વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું

પ્રવર્તમાન ગરમીની સીઝનને ઘ્યાને લઇ જયારે જયારે પણ હિટવેવની પરિસ્થિતિ ઉભી થાય, ત્યારે નાગરીકોના સ્વાસ્થ્યની જાણવણી થઇ શકે તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય પગલા લઇ શકાય તે માટે એક ખાસ એકશન પ્લાન તૈયાર કરી તેનો અસરકારક અમલ કેવી રીતે કરવો અને માત્ર એટલું જ નહીં ભવિષ્યમાં કયારેય પણ આવી  સ્થિતિ ઉભી થાય તો તેનો સામનો કરવા અને લોકોને હિટ વેવથી કેવી રીતે બચાવવા તે અંગે આવશ્યક પગલા સુનિશ્ર્ચિત કરવા માટે આજે રાજકોટ મહાનગરપાલિકા ખાતે મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીના અઘ્યક્ષ સ્થાને એક ખાસ બેઠક યોજાઇ હતી.

Img 20180509 Wa0002

આ વિષયમાં વાત કરતા મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે આ બેઠકમાં હાલ તુરત લેવાના થતા પગલા અને લાંબા ગાળા માટે કરવાના થતા આયોજન વિશે પરમાર્શ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે ચાર બાબતો ઉપર ઘ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.

આ ચાર બાબતોમાં (૧) હિટ વેવના સમયગાળા દરમ્યાન જે અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજ બજાવવાની થાય છે તેઓ માટે કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ યોજવા (ર) હિટ વેવથી સૌથી વધુ પ્રભાવિત થવાની શકયતા ધરાવતા એરીયા-લોકો વિશે સર્વે કરવો. તેમાંય હાઇ રિસ્ક જણાતું હોય તેવા જનસમુદાયને ઓળખી કાઢવા અને શહેરના હોટ સ્પોટ એરિયા વિશે માહિતી મેળવવી (૩) હિટ એકશન પ્લાન અમલમાં આવ્યા બાદ તેના કેવા પરિણામો-અસરો જોવા મળે છે તેનો રેકોર્ડ તૈયાર કરવા માટે એક ખાસ સ્ટડીનું આયોજન કરવું અને (૪) શહેરમાં વિવિધ કારણોસર થતા અવસાન અંગેની માહીતી સમયસર અને નિયમીત રીતે પ્રાપ્ત થતી રહે તે સુનિશ્ર્ચિત કરવાની બાબતોનો સમાવેશ થાય છે.

મ્યુનિ. કમિશ્નરએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાને સર્વગ્રાહી હીટ એકશન પ્લાન તૈયાર કરવામાં અને તેના અસરકારક  અમલીકરણમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર તરફથી ટેકનિકલ સહયોગ સાંપડી રહ્યો છે. જેને રાજકોટ મહાનગરપાલિકા આવકારે છે.

અને અભાર પણ પ્રદર્શિત કરે છે. વિશેષમાં આજે ઇન્ડિયન ઇન્સ્ટિ. ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના નિષ્ણાંતો રાજકોટ મહાનગપરાલિકાના આરોગ્ય શાખાના અધિકારીઓ અને ટાઉન પ્લાનીંગ શાખાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મીટીંગ યોજી ભવિષ્યમાં હાથ ધરવાના થતા પગલાઓ અંગે આવશ્યક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે.

હાલ તુત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હિટ વેવની પરિસ્થિતિમાં આવશ્યક પગલા લેવા માટે એક એકશન પ્લાન ઓલરેડી અમલમાં છે. અને તેમાં તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી જ રહી છે. રાજય  સરકારના હવામાન ખાના સાથે સંકલન કરી આવનાર પાંચ દિવસના તાપમાનની આગાહી વિશે જાણકારી રાખવામાં આવે અને જયારે પણ સામાન્ય કરતાં વધુ તાપમાનની આગાહી હશે. ત્યારે યલ્લો, ઓરેન્જ કે રેડ એલર્ટ જાહેર કરી જરુરી પગલા લેવામાં આવે.

કયાં વિભાગે કયાં પ્રકારની કામગીરી કરવી અને જવાબદારી નકકી કરેલ છે જેમાં હેલ્થ ઉપરાંત વોટરવર્કસ, પીજીવીસીએલ ટ્રાન્સપોર્ટ શિક્ષણ સામાજીક સંસ્થા વગેરેનો સમાવેશ થાય છે.

નાગરીકે કયા પ્રકારની સાવચેતી રાખવી તેની સામાન્ય સમજુતી (શું કરવું શું ન કરવું) પોસ્ટર સ્વરુપે રાખેલ છે. જરુરીયાતના સમયે યોગ્ય સ્થળે તે પ્રદર્શિત કરાય છે ઉપરાંત શહેરમાં વિવિધ જાહેર સ્થળોએ રાખવામાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાના એલઇડી સ્ક્રીન પર વખતોવખત તેની જાણકારી જાહેર જનતાને આપવામાં આવે છે.

જુદા જુદા તમામ વિભાગોના નામ સરનામા તથા સંપર્ક નંબરોની માહીતી હાથવગી રાખવામાં આવે છે.

લુ લાગવાથી કયા પ્રકારની શારીરિક તકલીફ ઉભી થઇ શકે તેની માહીતીથી પણ જાહેર જનતાને પોસ્ટર અને એલઇડી સ્ક્રીનની મદદથી આપવામાં આવી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.