Abtak Media Google News

કાલે બપોરે બ્રહ્મ ચોર્યાસી, ૨૦,૦૦૦થી વધુ બ્રાહ્મણો ભોજન પ્રસાદ લેશે: નવ દિવસ સુધી રાસ-ગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે: વિશાળ મંડપમાં ૩૫,૦૦૦ જેટલા શ્રોતાઓ કથાનું રસપાન કરી શકશે: સમસ્ત વિરપુરના ગ્રામજનો બંને ટાઈમ પ્રસાદ લેશે

વિરપુરમાં પૂ.મોરારીબાપુની ચોથી રામકથા: જલારામબાપાની જગ્યાના ચોથા વારસ રઘુરામબાપા જયસુખરામ ચાંદ્રાણી: રામકથા માટે ૧૦૦૦થી વધુ જલારામભકતો તન, મનથી સેવા આપશે

સુપ્રસિઘ્ધ પવિત્ર યાત્રાધામ વિરપુરમાં જલારામબાપા અને વિરબાઈ માં એ ફતેહપુરના ગુરૂ ભોજલરામબાપાના આશીર્વાદ અને આજ્ઞાથી વિક્રમ સવંત ૧૮૭૬ મહા સુદ બીજથી વિરપુરમાં અન્નક્ષેત્ર (સદાવ્રત)ની શરૂઆત કરેલ તેને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે જલારામ બાપાના પરીવારના હાલના ગાદિપતી રઘુરામબાપા અને તેમના નાના ભાઈ ભરતભાઈ ચાંદ્રાણી તેમજ સમસ્ત પરીવાર દ્વારા દ્વિશતાબ્દી અન્નક્ષેત્રની ઉજવણીના ભાગરૂપે પ્રખર રામાયણી સંત મોરારીબાપુના સ્વમુખે શ્રીરામ કથાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલ છે. તા.૧૮ થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ નવ દિવસનો અતિ ભવ્ય કાર્યક્રમ વિરપુરના આંગણે યોજાશે.

જલારામબાપા અને વિરબાઈ માં એ વિરપુરમાં અન્નક્ષેત્રની શરૂઆત કરેલ ત્યારે જલારામબાપાની ઉંમર માત્ર ૧૮ વર્ષની અને વિરબાઈ માની ઉંમર માત્ર ૧૪ વર્ષની હતી. વિરબાઈ માં જેવા પારાયણ વ્યકિત જીવનસાથી બન્યા એટલે સેવાને શકિત પ્રાપ્ત થઈ. જલારામબાપા, વિરબાઈ માં, સાધુ-સંતો, યાત્રાળુ અતિથી જે કોઈ વિરપુર આવતા ત્યારે વિરબાઈ માં રોટલા જાતે બનાવતા અને પૂ.જલારામબાપા શ્રી રામનું રામરટણ કરતા પ્રેમથી સૌ કોઈને ભોજન કરાવતા. જલારામબાપા-વિરબાઈમાં મહેનત મજુરી કરીને અન્નક્ષેત્ર ચાલુ રાખેલ. ખુબ જ ચઢાવ-ઉતાર આવેલ પણ અન્નક્ષેત્ર અવિરત ચાલુ રાખેલ. જલારામબાપાનો માત્ર એક જ મંત્ર હંમેશા રહ્યો હતો કે, ‘દેનો કો ટુકડા ભલા લેનો કો હરિનામ’ જલારામબાપા અને વિરબાઈમાંની સેવા ભકિતથી પ્રેરાઈને ભગવાન શ્રી રામ ખુદ સાધુ સ્વરૂપે જલારામ બાપાની ભકિતની કસોટી-પરીક્ષા કરવા વિરપુરની પવિત્ર ભૂમિ ઉપર આવ્યા અને જલારામબાપાએ તેમને આદર સત્કાર આપી ભાવપૂર્વક સન્માન કરી જગ્યામાં લાવ્યા ત્યારે પુ.બાપાએ સાધુ સ્વરૂપ ભગવાનને ભોજન લેવા કહ્યું ત્યારે ભગવાને ભોજનપ્રસાદ લેવાની ના કહી ત્યારે જલારામ બાપા ભગવાનને આજીજી કરવા લાગ્યા ત્યારે ભગવાને પુ.જલારામબાપાને કહ્યું કે જલીયા મને ઘડપણ હોવાથી મારું શરીર હવે કામ નથી કરતું તારે જો તમને કાંઈ આપવું હોય તો તારી પત્ની (વિરબાઈ માં)ને દાનમાં આપ જેથી તે મારી સેવા ચાકરી કરી શકે.

ભગવાનની આવી વિચિત્ર માંગણીથી જલારામ બાપાના પગ થર-થર ધ્રુજવા લાગ્યા અને વિરબાઈ માંને સઘળી વાત સંભળાવી ત્યારે અતિ પારાયણ વિરબાઈ માંએ જલારામને કહ્યું તેમાં મુંઝાવ છો શેના ? તમે મને આજ્ઞા આપો ત્યારે જલારામબાપાએ વિરબાઈમાંને સાધુ સ્વરૂપ ભગવાનને દાનમાં આપ્યા. ભગવાન અને વિરબાઈ માં વિરપુર ગામના ગોંદરે એક વટવૃક્ષ સ્થિતિના ઝાડ નીચે વિરબાઈને બેસાડી ભગવાને વિરબાઈમાંને એક જોળી અને ધોકો આપ્યો અને કહ્યું આ તમારી પાસે રાખો હું હમણા આવું તેમ કહીને ભગવાન ગયા ત્યારબાદ વિજળી અને આકાશવાણી થઈ કે તમો બન્ને કસોટીમાંથી પાસ થયા હવે જોળી તમારી જગ્યામાં દર્શનમાં રાખજો અને આજે પણ જલારામબાપાની જગ્યામાં એક કાચની કેબિનમાં જોળી અને ધોકો યાત્રાળુઓના દર્શનાર્થે રાખેલ છે. અન્નક્ષેત્ર (સદાવ્રત)ને આજે ૨૦૦ વર્ષ થયા તો પણ આજે અવિરતપણે ચાલુ જ છે તે પણ પાંચ પેઢીથી.

જલારામબાપાની જગ્યાના પ્રથમ વારસ હરીરામબાપા જલારામબાપા ચાંદ્રાણી જલારામ બાપાની જગ્યાનાં પ્રથમ વારસ જલારામબાપાની દિકરી જમનાબેનના દિકરા હરીરામબાપા એટલે કે જલારામ બાપાના ભાણેજ જલારામબાપાની જગ્યાનાં પ્રથમ વારસદાર ત્યારબાદ બિનવારસદાર ગીરધર રામબાપા હરીરામબાપા ચાંદ્રાણી ત્યારબાદ ત્રીજા વારસદાર જયસુખરામબાપા ગિરધરરામબાપા ચાંદ્રાણી ત્યારબાદ ચોથા અને હાલના વર્તમાન જલારામબાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામબાપા જયસુખરામ ચાંદ્રાણી છે. જલારામ બાપાની જગ્યામાં ચાર વારસદારો પછી પણ અન્નક્ષેત્રે કોઈપણ જાતના ભેદભાવ વગર અને ૨૦૦ વર્ષ પૂર્ણ થયેલ છે તે પણ એક પણ દિવસ બંધ રાખ્યા વગર અવિરતપણે ચાલુ છે. તેમની ઉજવણીના ભાગરૂપે શ્રીરામ કથાનું સુંદર આયોજન બાપા પરીવાર તથા ગામ લોકો દ્વારા કરાયું છે. તા.૧૮/૧/૨૦૨૦નાં રોજ જલારામબાપાની જગ્યાથી કથા સ્થળ સુધી પોથીયાત્રા સાંજે નીકળશે. બપોરે રાજકોટ જીલ્લાના સાધુ બ્રાહ્મણનો ભોજન પ્રસાદ બ્રહ્મ ચોર્યાસી અંદાજે ૨૦ થી ૨૫ હજાર બ્રાહ્મણો પ્રસાદ આરોગશે. દરેકને પ્રસાદ સાથે દક્ષિણા, ગીફટ આપવામાં આવશે.

વિરપુરની શ્રીરામ કથા દરમ્યાન વિરપુરના દરેકનાં ઘરે નવ દિવસ ભજન-ભોજનનું આમંત્રણ બાપા પરીવાર તરફથી આપવામાં આવેલ છે. સમસ્ત વિરપુરના લોકો બન્ને ટાઈમ પ્રસાદ ભોજન લેશે. નવ દિવસ દરમ્યાન રાસ-ગરબા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ છે. કથા મંડપમાં એક સાથે ૩૫,૦૦૦ શ્રોતા કથાનું રસપાન કરી શકે તેવા જર્મન મંડપ તૈયાર કરવામાં આવેલ છે. આ સ્થળની બાજુમાં મસમોટા ગ્રાઉન્ડમાં ભોજનના વિશાળ ડોમ તૈયાર કરવામાં આવેલ છે. ૧૦૦૦થી વધારે સ્વયંસેવકો તન, મનથી સેવા આપશે. વિરપુરમાં વર્ષો પહેલા રાત્રી દરમ્યાન મોરારીબાપુની સત્સંગ રામકથા, ભીખાબાપા શેખના ખેતર હાલના રામનગરમાં આયોજીત થઈ હતી ત્યારબાદ ૨૦૦૩માં મોરારીબાપુની માનસ રામ ભગત અને ડિસેમ્બર ૨૦૧૧માં માનસ ભગત શિરોમણી યોજાઈ ગઈ છે. આ વિરપુરમાં મોરારીબાપુની ચોથી રામકથાનું આયોજન છે. તા.૯ ફેબ્રુઆરી ૨૦૦૦થી વિરપુરની જલારામ બાપાની જગ્યામાં એકપણ રૂપિયાનું દાન લીધા વગર બે સદી પછી પણ રોજ હજારો લોકો બંને ટાઈમ પુજય બાપાનો પ્રસાદ આરોગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.