Abtak Media Google News

ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત ૩૦ જાન્યુઆરીથી ત્રણ દિવસ ૧૩૦૨ કાર્યક્રમો યોજાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગામી પ્રજાસત્તાક પર્વ તા. ર૬ જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં રાજ્યની આંગણવાડીઓમાં એક પણ બાળક કુપોષિત ન હોય તેવી પ્રતિબદ્ધતા સાથે પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવાનું આહવાન કર્યુ છે.

આ પોષણ અભિયાનનો પ્રારંભ તા.ર૩ જાન્યુઆરીએ આદિજાતિ પ્રભુત્વ ધરાવતા વિસ્તાર દાહોદથી મુખ્યમંત્રીએ કરાવેલો છે.  હવે, આગામી તા. ૩૦,૩૧ જાન્યુઆરી અને તા.૧ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાઓ, મહાનગરો અને નગરોમાં આ અભિયાન અન્વયે વાતાવરણ નિર્માણ અને સુપોષણયુકત ગુજરાતના સંકલ્પ સાથે ૧૩૦ર કાર્યક્રમો શરૂ થવાના છે.

તદ્દઅનુસાર, જિલ્લા પંચાયત બેઠક દિઠ ૧૦૯૮, મહાનગરપાલિકાઓમાં વિધાનસભા બેઠક દીઠ ૧ એમ કુલ ૪ર અને નગરપાલિકા દીઠ ૧ એમ કુલ ૧૬ર કાર્યક્રમો દ્વારા સમગ્ર રાજ્યમાં જનઅભિયાન હાથ ધરાશે.

મુખ્યમંત્રીએ આ અભિયાન સંદર્ભે કહ્યું કે, આગામી પ્રજાસત્તાક દિવસ તા.ર૬ જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં પરિણામલક્ષી કામગીરી ઉપાડીને ગુજરાતને અન્ય ક્ષેત્રોમાં દેશમાં અગ્રેસરતાની જેમ કુપોષણમુકતીમાં પણ અગ્રેસર બનાવવુ છે.

આ હેતુસર વિજયભાઇ રૂપાણીએ રાજ્યની પ૩ હજારથી વધુ આંગણવાડીઓમાં ૦ થી ૬ વર્ષની વયજુથના ૩પ.પર લાખ બાળકો પૈકીના અતિ નબળા અલ્પપોષિત બાળકોના પોષણની સ્વૈચ્છિક જવાબદારી સમાજવર્ગો, સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ પાલક વાલી બની ઉપાડે અને એક પાલક એક બાલકના ઉદાત્ત અભિગમથી આવા બાળકની સારસંભાળ દેખરેખ રાખે તેવું પ્રેરક સુચન પણ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ આ પાલક વાલીની પહેલ કરતાં જાહેર કર્યુ કે તેમના મત વિસ્તારની આંગણવાડીના કોઇ એક અતિ નબળા અલ્પપોષિત બાળકના તેઓ સ્વયં પાલક વાલી બનશે.

વિજયભાઇ રૂપાણીએ પાલક વાલી તરીકે આંગણવાડીમાં જઇને બાળકના આરોગ્ય, પોષણની ચિંતા સાથોસાથ વધારાની સારવારની કોઇ આવશ્કયતા હોય તો તેની વ્યવસ્થા પણ કરવાનું દાયિત્વ નિભાવવાનો અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, સમાજ સેવા  સમાજ દાયિત્વથી જેમને સમાજ પ્રત્યેનું ઋણ ચુકવવું છે તેવા વર્ગો-વ્યકિતઓ માટે આ પોષણ અભિયાન એક ઉત્તમ અવસર છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, પોષણયુકત ગુજરાત એ સરકારના મહિલા-બાળકલ્યાણ વિભાગની જ નહિ સમગ્ર તંત્રના બધા વિભાગોની સહિયારી જવાબદારી છે.

7537D2F3 15

જેમ ક્ધયા કેળવણી-શાળા પ્રવેશોત્સવનું અભિયાન સફળતાપૂર્વક આપણે પાર પાડયુ છે તેમ ગુજરાતના ભાવિને સુરક્ષિત રાખવા સાથે -સક્ષમ રાષ્ટ્રનિર્માણ માટે આ પોષણ અભિયાન પણ સૌના સહયોગથી આપણે સાકાર કરવું છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે એનિમીક કન્ડિશનયુકત કિશોરીઓને લોહતત્વયુકત આહાર-દવાઓ, સગર્ભા માતાઓને પોષણક્ષમ આહાર તેમજ આંગણવાડીઓના ભુલકાંઓના પોષણ માટે રાજ્ય સરકારે સઘન આયોજન કરીને મહિલા બાળ કલ્યાણ વિભાગનું બજેટ રૂ. ૩ હજાર કરોડ સુધી વિસ્તાર્યુ છે તેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ પોષણ અભિયાન સાતત્યપૂર્ણ રીતે આગળ ધપાવવા પોષણ ત્રિવેણીની વિભાવના આપતાં કહ્યું કે, આંગણવાડી વર્કર, આશા વર્કર અને એ.એન.એમ બહેનોની ત્રિવેણીથી આ અભિયાનને જવલંત સફળતા અપાવવી છે.

તેમણે કહ્યું કે, આંગણવાડીઓની કાર્યકર બહેનો ભુલકાંઓનું લાલન-પાલન માતા યશોદા તરીકે કરતી આવી છે. હવે, આંગણવાડીઓની વ્યથા દૂર કરવી વ્યવસ્થા કરી આપવાનું દાયિત્વ આપણું છે.

વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, આ આંગણવાડી કાર્યકર બહેનોએ મારી આંગણવાડી સુપોષણયુકત આંગણવાડીનો ધ્યેય અપનાવી તેમની આંગણવાડીનું કોઇ જ બાળક કુપોષિત ન હોય તેની કાળજી લેવી જોઇએ.

તેમણે આ સંદર્ભમાં એમ પણ ઉમેર્યુ કે, આ વર્ષ દરમિયાન એટલે કે આગામી તા.ર૬ જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં જે આંગણવાડી કાર્યકર, આશા વર્કર  એ.એન.એમ.ના વિસ્તારની આંગણવાડી સંપૂર્ણ સુપોષિત હશે તેવી શ્રેષ્ઠ કામગીરી કરનારી બહેનોને રૂ. ૧ર હજાર થી રૂ. ૬ હજાર સુધીના પુરસ્કારથી સન્માનિત કરાશે.

મુખ્યમંત્રીએ પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને તથા આ જનસેવા યજ્ઞ આદરીને ગુજરાતના બાળકોને સુપોષિત કરવાના આ અભિયાનને સૌ સાથે મળી સફળ બનાવશે જ તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મહિલા-બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે તથા બોર્ડ-નિગમોના પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો-વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા બાળવિકાસ સચિવ મનિષા ચંન્દ્રાએ સૌનો આભાર વ્યકત કર્યો હતો. બાયસેગના માધ્યમથી જિલ્લા  તાલુકા – નગરોના પદાધિકારીઓ – અધિકારીઓએ મુખ્યમંત્રીનો આ પ્રેરણા સંદેશ ઝિલ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.