લોહી પછીનો સૌથી નજીકનો સંબંધ એટલે “ભાઇબંધી”

માનવી બચપણથી શરૂ કરી મૃત્યુ સુધી વિવિધ સંબંધો બાંધે છે, તોડે છે. બચપણની ભાઇબંધી જ જીવન પર્યત ટકી રહે છે. સંબંધ આકાશ જેટલો વિશાળ છે, જેમાં સંસાર યાત્રાના લાખો કિલોમીટર ઓગળી જાય છે

પૃથ્વી પર વસતા માનવ માત્ર પછી તે નાતો હોય તે મોટો તેને મિત્ર વગર ચાલતું જ નથી. પ્રાચીન ગ્રંથો, રામાયણ, મહાભારતમાં પણ મિત્રતાની વાત કરી છે, કૃષ્ણ-સુદામાની મિત્રતામાં ગરીબ-શ્રીમંતનો ભેદ આડે આવતો નથી. વર્ષો પહેલા અને આજની ર૧મી સદીમાં થોડા ઘણા ફેરફારો થયા પણ હજી મૈત્રી અકબંધ છે. મિત્ર, દોસ્ત, ભાઇબંધ, ભેરૂ, ગોઠીયા, લંગોટીયા, ચડ્ડીભાઇબંધ જેવા અનેક નામો છે. છોકરા-છોકરીની ભાઇબંધી હોય જ શકે છે. આજે વિકસતા યુગમાં ગર્લ ફ્રેન્ડસ કે બોય ફ્રેન્સ નામ આપીએ જ છીએ, આમાં મોટાભાગના લોકો જુુદુ અર્થઘટન કરે છે એ બીજી વાત છે.

સખી, બહેનપણી જેવા મીઠડા સંબંધોમાં સુખ-દુ:ખનાં હજારો કિલોમીટર ઓગળી જાય છે. ભાઇબંધીમાં સૌથી શ્રેષ્ઠ અને કદી ન ભૂલાય તેવી લંગોટીયા કે ચડ્ડી ભાઇબંધી છે. બચપણના શેરી કે શાળામાં સાથે ભણતા દોસ્તારોની ભાઇબંધી આજીવન ટકે છે, આ સાચિ મિત્રતા હતી જેમાં ઘણીવાર ઝગડા પણ થાય કુ અબોલા પણ લેવાય પણ અંતે તો ભાઇબંધી ફરી જીવંત જ થાય છે. બચપણમાં સાથે રમ્યા, ભમ્યા, કુદયા કે ટોળી બનાવીને મજાક ને મશ્કરી કરી હોય તે દિવસો સૌ કોઇના માનસપટ્ટ પર સદૈવ રમતા જોવા મળે છે.

માનવી તેના જીવનમાં માતા-પિતા, કાકા-કાકી જેવા પારિવારિક સંબંધોમાં જન્મ થતાં જ જોડાય જાય છે પણ પોતે બાંધેલા સંબંધ ને ભાઇબંધી કહેવાય છે. પોતાની પાસે રહેલી પૂર્ણ વસ્તુ અડધી સરખે ભાગે મિત્રને આપે છે એ દ્રશ્ય ધરતી પર સ્વર્ગ છે. મિત્રતામાં નિર્દોષતા હોય છે. મિત્રતા આપણો સગો ન હોવા છતાં આપણા જીવન સાથે વણાઇ જાય છે. ભાઇબંધીમાં વિશ્ર્વાસ, નિષ્ઠા, સત્ય, સહયોગ, સાથ જેવા વિવિધ ગુણો છુપાયેલા હોય છે. માનવજીવન માટે સૌથી મુલ્યવાન ચિજ હોય તો તે મિત્રતા છેે.

મિત્રમાં કોઇ ભેદ રેખા ન આવે કે ઉંમર-જાતિ કે ગરીબ, શ્રીમંત, મોભો જેવામાં તે કયારેય સીમિત ન થાય, પુરૂષ કે સ્ત્રી તેની જેવડા કે મોટા સાથે ભાઇબંધી કરે છે. પ્રેમ, હુંફ, લાગણી, સહવાસના તાંતણે ગુંથાય જાય તે જ સાચી ભાઇબંધી કેટલીયવાર તો માનવી જાનવર સાથે પણ ભાઇબંધી નિભાવે છે. સારી સંગત કે ભાઇબંધી બદલાવ પણ લાવે છે. જીવનમાં સાચો મિત્રમળવો મુશ્કેલ છે. જો મળી જાય તો કોઇપણ તેના તોડવા માગતો નથી. પહેલાની ભાઇબંધીને આજની ભાઇબંધીમાં ઘણો ફેર એટલા માટે છે કે આજે સ્વાર્થની દુનિયા થઇ ગઇ તેથી તેના વગર કોઇ સંબંધ રાખતા નથી. આજે ઘણા લાલચને કારણે ભાઇબંધીનું નાટક કરતા હોય છે.

“મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,

સુખમાં પાછળ પડી રહે ને દુ:ખમાં આગળ હોય”

આપણે સૌ ભેગા મળીએ ત્યારે મિત્રોની વાતો અવશ્ય કરીએ, મોટા થયા બાદ પણ તુકારે કે ઉપનામથી વટભેર બોલાવી શકીએ છીએ, મોજ-મસ્તી, જુની યાદો સાથે આનંદ, મસ્તીનો અનેરો ઉત્સવ એટલે બાળપણની ગોઠડી, આપણા દેશમાં મિત્રતા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. ર૧મી સદીમાં આજે તો ‘ફ્રેન્ડશીપડે’ પણ ઉજવાય છે. એક કહેવત મુજબ ‘શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક’ આજે સાચો મિત્ર મળવો મુશ્કેલ છે. મન, હ્રદયની દરેક વાત મિત્રને ખુલ્લા મને કહી શકીએ છીએ. આજે સોશ્યલ મીડીયા કે ફેસબુક ફ્રેન્ડને મિત્રતા ન કહી શકાય.

ભાઇબંધી એટલે જ ભાઇ જેવું બંધન, મિત્રતા છોડ જેવી હોય જે ધીમે ધીમે વધીને વટવૃક્ષ જેવી મજબુત બને છે. મિત્રતાનો પણ એક વૈભવ છે. લોહીનો સંબંધ ન હોવા છતાં પણ જીવન પર્યન્ત ટકી રહી છે. કયારેક તો નાનકડી મુલાકાતથી પણ મિત્રતા બંધાય જાય છે.

“સાચી મૈત્રીએ સુખનો ગુણાકાર અને દુ:ખનો ભાગાકાર છે,

એટલે જ મિત્ર ના મૃત્યુ કરતાં મૈત્રીનું મૃત્યુ વધારે અસહય લાગે છે”

મિત્રતા એ માત્ર શબ્દ નથી, એ દિલની અને દિલથી સ્વીકારેલી જવાબદારી છે. ભાઇબંધી ભાઇચારા જેવા વિવિધ ગુણો શીખવે છે. નાનકડા છોકરા રમતા હોય ત્યારે તેની વાતો સાંભળો, ત્યારે ખબર પડે કે આને જ સાચુ જીવન કહેવાય, મિત્રતામાં સતત આપતા રહેતા હોવા છતાં આપણે બધુ મેળવતા જ હોય છે. એક વાત નકકી છે કે સારૂ સારૂ નહીં પણ સાચુ સાચુ કહે તે જ સાચો મિત્ર હોય છે. આજે તો સ્કુલ મિત્ર, શેરી મિત્ર, કોલેજ મિત્ર, ખીસા મિત્ર અને પાનના ગલ્લે ભેરા થાય તે ફાકી મિત્ર જેવા વિવિધ હોય પણ તેને મિત્ર ન કહેવાય આનો સમયના વહેલ સાથે તણાય જાય, ભૂલાઇ જાય છે.

આપણાં ગ્રંથોમાં ઘણા સુભાષિતો મિત્રોના છે પણ આજે તો ધંધાદારી મિત્રની બોલ બાલા  છે. દુનિયાભરનાં સાહિત્યમાં મૈત્રી વિશે ઘણું લખાયું પણ ઉચ્ચ આત્મીય સંબંધો એટલે પાકી ભાઇબંધી નાનકડુ તેની જેવડા સાથે બાદમાં બચપણમાં, તરૂણો, કિશોરો અને યુવા કાળમાં ભાઇબંધો બદલાતા રહે છે. વિચારો, સમજણ સાથે બનાવેલી મિત્રતા લાંબી ટકે છે.

“ખભા પર હાથ મુકે ને હૈયું હળવું થાય,

બસ તેનું નામ ભાઇબંધ

સૌરાષ્ટ્રની રસધાર જેવા ઘણા શ્રેષ્ઠ પુસ્તકોમાં મિત્રતાની શ્રેષ્ઠ વાતો વાંચવા મળે છે. આપણે સવારથી સાંજ ઘણા માણસોને મળતા હોય છીએ પણ તેમાં ખરા ભાઇબંધ કેટાલ, આજે આપણી જીવનશૈલી કામના સ્થળે કે રોજીંદા જીવનમાં મળવાનું થાય તેવાને તમો ભાઇબંધ ના કહી શકો, ભાઇબંધ કે મિત્રને જોઇને જ એક અનેરો ઉત્સાહ આવે ને ભેંટી પડીએ તે મિત્રતા કહેવાય, આજે તો મિત્રતામાં ક્ષણિક ઉત્સવ જેવું છે. નવરા હોયને એક-બે  વાતો કરી ફરી સૌ સૌના રસ્તે ને કામ પૂર્ણ તે નથી મિત્રતા, માનવજીવનમાં ડગલે ને પગલે મળતો સાથ હોય તે મિત્રતા કહેવાય, આજે મોબાઇલો કલ્ચરમાં હાય-હલ્લો વચ્ચે આપણે સાચી મિત્રતા ભૂલી ગયા છીએ.

લાગણીનો સંબંધ દોસ્તી છે કે પ્રેમ?

આજે ર૧મી સદીના ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગ સાથે સોશિયલ મીડીયામાં સતત કનેકટ રહેતો યુવા વર્ગ પ્રેમ અને મિત્રતાને સાંકળી છે. સંબંધ અને સમર્પણ હોય છે, બન્ને વચ્ચેના  તફાવતને સમજવું ઘણીવાર મુશ્કેલ હોય છે. છોકરા-છોકરીઓની મિત્રતામાં આવા ઘણા પ્રસંગો બને છે. ઘણીવાર તમે જેને મિત્ર માનો છો તેને મન તમારા માટે મિત્ર કરતાં પણ વધારે મહત્વ હોય છે. અહીં આપણે થોડી વાત સમજી લેવી પડે કે જે તમારી વ્યકિતગત બાબતોમાં રસ લે, તમારી લગભગ દરેક વાતમાને અને સમય મળ્યે તમારી સાથે વાત કરવાની તક શોધે

તેને તમે મિત્ર કહિ શકો છો. મિત્ર તમારી આસપાસ જ રહેતો હોય તે જરુરી નથી ઘણીવાર પોતાનું કામ છોડીને પણ તમને મદદ કરવા પહોંચી જાય તેને તમે ખરો મિત્ર ગણી શકો છો. દરેકના જીવનમાં દિવસેને દિવસે મિત્રનું મહત્વ  વધતું જાય છે. આપણાં જીવનમાં ત્રણ વ્યકિતનું મહત્વ અનેરુ છુે જેમાં માઁ માતૃભૂમિ અને મિત્ર મિત્રતામાં જ્ઞાતિવાદ-સમાજના બંધન કે કોઇ સિમાડા કયારેય નડતા નથી.

‘’મિત્રતા એટલે અતુટ બંધન- વિશ્વાસના પાયા પર જેની ઇમાર છે”

Loading...