Abtak Media Google News

ફાયર સેવાની ઉપેક્ષા મોટી જાનહાની સર્જે તો નવાઇ નહીં

ફાયર શાખામાં સાધનો, સ્ટાફ ને નાણાંની ય અછત: ખાસ બજેટ ફાળવવાના બદલે સામાન્ય ફાળવણી

આપણામાં એક કહેવત પ્રચલીત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય આવી કહેવા જામનગરના તંત્રને લાગુ પડતી હોય તેમ જણાય છે. આગ સુરક્ષા મુદ્દે બેદરકારી રાખવામાં આવી રહી છે જે આગામી સમયમાં મોટી હોનારત સર્જી શકે તેમ છે.

જામનગર મહાનગરપાલિકાનો હદ વિસ્તાર વધ્યો છે, સાથે-સાથે ઐદ્યોગિક એકમો પણ જામનગરમાં વધ્યા છે. જામનગર શહેર ઉપરાંત જામનગર જિલ્લામાં પણ ઔદ્યોગિક એકમો અને મહાકાય ઉદ્યોગોનું આગમન થયા પછી પણ ફાયર સેવામાં ઉપેક્ષાભરી નીતિ રહી છે. ખાસ કરીને ફાયર વિભાગમાં સ્ટાફ અને સાધનોની તંગી ઉભી થવા પામી છે. જામનગર શહેર અને જિલ્લામાં આગના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. સાથે સાથે હાઇ-વે પરના કેમીકલ કે ઓઇલ ભરેલા ટેન્કરો કે વાહનોના અકસ્માતો પણ વધ્યા છે ત્યારે તેના પ્રમાણમાં ફાયર વિભાગ માટે અલગથી અધિકારીઓ કે સ્ટાફની નિમણૂંક કરવામાં આવતી નથી ત્યારે આ બાબત ઉપર રાજય સરકાર દ્વારા ખાસ નક્કર નીતિ વિષયક અમલવારી થાય તે જરૂરી છે ત્યારે સ્પેશ્યલ બજેટ ફાળવાતુ નથી જરૂરીયાત સામે  માત્ર સામાન્ય રકમ ફાળવામાં આવતી હોવાનું જાણવા મળે છે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા આવેલ છે પરંતુ આ ફાયર શાખામાં જે મહેકમ હોવુ જોઇએ તેનાથી અડધુ મહેકમ પણ માંડ છે. એટલે કે મહાનગર બન્યા પછી પણ નગરપાલિકાના ફાયર શાખાનું મહેકમ રહ્યું છે. તેમ કહી એ તો ખોટુ નથી. જામનગર મહાનગરપાલિકાની ૧૨૪ કિ.મી.ની ત્રિજ્યાના વિસ્તારમાં માત્ર ત્રણ જ ફાયર સ્ટેશન આવેલ છે. જેમાં જામનગર મહાનગરપાલિકામાં, જનતા ફાટક પાસે, બેડેશ્વર વિસ્તારમાં આવેલ છે. જયારે શહેરની ઉદ્યોગનગર, શંકર ટેકરી, દરેડ જીઆઇડીસી ફેસ-૨,૩, હાપા ઔદ્યોગિક વસાહત આ ઉપરાંત બેડેશ્વરમાં ઓઇલ મીલ વિસ્તારનો સમાવેશ થાય છે. જયારે આટલા ઔદ્યોગિક વિસ્તારો માટે કોઇ આગનો કે અન્ય અકસ્માત બને ત્યારે તેના માટે ફાયર શાખામાં જે સ્ટાફ જોઇએ તેમજ સાધનો જોઇએ તેની તંગી રહી છે. જામનગર મહાનગરમાં પણ એક વર્ષ દરમ્યાન આગના પણ અનેક બનાવો બને છે. સાથે-સાથે ઔદ્યોગિક વસાહત દરેડ જીઆઇડીસી ફેસ-૨ અને ૩માં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આગના બનાવો બન્યા છે. સાથે-સાથે નાઘેડી ઔદ્યોગીક વસાહતમાં પણ આગના કિસ્સાઓ નોધાયા છે. આ ઉપરાંત બેડેશ્ર્વર વિસ્તારમાં પણ આગના બનાવો નોંધાયા છે. આ ઉપરાંત હાઇ-વે રોડ ઉપરના ટ્રકોમાં આગ લાગવાના બનાવો બન્યા છે. આ તમામ આગના બનાવોમાં પહોંચી વળવા માટે જામનગર મહાનગરપાલિકા પાસે માત્ર ત્રણ જ ફાયર સ્ટેશનો ઉપલબ્ધ છે. પરંતુ આ ત્રણ ફાયર સ્ટેશનો માટે ૨૪ કલાક રાઉન્ડ ધી કલોક જે મહેકમ રાજય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. તે છે નહી.

આટલું જ નહી વર્ષ દરમ્યાન જે કોઇ કર્મચારી નિવૃત્ત થાય છે તેની સામે અન્ય સ્ટાફની નિમણુંક થતી નથી. જામનગર જિલ્લામાં કોઇ પણ સ્થળે કોઇ પણ રેસ્કયુ માટે તે આગના બનાવો માટે જામનગર મહાનગરપાલિકાની ફાયરની ટીમ દોડાવી પડે છે, ફાયર શાખામાં હાલની ૧૦ થી ૧૧ માળની બહુમાળી બિલ્ડીંગો માટે જે આગને કાબુમાં લઇ શકે તે પ્રકારના સાધનોની અછત છે. આમ ફાયર સ્ટેશનોની ઘટ સ્ટાફની ઘટ અને સાધનોની ઘટ આમ જામનગર મહાનગરપાલિકામાં ફાયર શાખામાં ઘટનો ત્રિવેણી સંગમ થયો છે. જો કે રાજય સરકાર દ્વારા આગના બનાવો માટે ખાસ નીતિ વિષયક નિણર્ય લઇ અલગથી મહેકમ અધિકારી સહિતની અમલવારી જરૂરી છે.

જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હાપા વિસ્તારમાં ફાયર સ્ટેશનનું ભૂમિ પુજન કર્યા બાદ તેનું નિમાર્ણ હજુ સુધી કરવામાં આવ્યું નથી. તેવી જ રીતે દરેડ જીઆઇડીસી વિસ્તાર માટે આગના બનાવોને કાબુમાં લેવા ઝડપી પહોંચવા માટે અલગથી ફાયર સ્ટેશન આવશ્યક છે ત્યાં પણ નથી જેથી દૂરના કોઇ પણ વિસ્તારમાં આગનો બનાવ બને ત્યારે ૫ કિ.મી. દૂર શહેરમાંથી આદ્યોગિક વસાહતમાં ટ્રાફિકની વચ્ચેથી ફાયરની ટીમને પહોંચવુ મુશ્કેલ પડે છે.

જામનગર મહાનગરપાલિકાના સત્તાધિશો અને રાજય સરકાર દ્વારા મુકત પ્રેક્ષક બનીને કોઇ મોટો અકસ્માતની રાહ જોવાને બદલે આ આવશ્યક સેવા અંગે નક્કર પગલા ભરવામાં આવતા નથી. તે ગંભીર બાબત છે. ખરેખરતો બીજી કોઇ ખાસ વ્યવસ્થા ઉભી મોડલ રાજય એવા ગુજરાતમાં ઉભી કરાઇ નહી તો ચાલે પરંતુ ફાયર જેવી આવશ્યક સેવા માટે શિક્ષણ અને ટ્રેનીંગ અપાઇ તે માટે વ્યવસ્થા ઉભી કરાઇ તે જરૂરી છે.

જામનગર સહિત ગુજરાતમાં ૨૦૦૧માં આવેલા ભયંકર ધરતીકંપ બાદ પણ ફાયર સર્વિસ માટે કોઇ પ્રયોજન થયું નથી. ફાયર સેફટીને માટે સરકાર દ્વારા જુદુ તંત્ર ઉભુ કરવું જોઇએ તે જરૂરી છે. મહત્વની વાત એ છે કે હંમેશા દોડતા રહેતા અને ૨૪ કલાક ફરજ બજાવતા ફાયર વિભાગની શાખા માટે જરૂરી સ્ટાફ ફાયર સ્ટેશનો અને સાધનો માટે ખાસ અલગથી ગ્રાંટ ફાળવવામાં આવે તે જરૂરી છે. અને આ માટે થઇને જામનગર મહાનગરપાલિકાના બજેટમાં અલગથી જોગવાઇ કરવામાં આવે તે જરૂરી છે. જો કે આ ગંભીર બાબત અંગે ઇચારી નક્કર નીતિ ભળી તેનો અમલ કરે તેની તાકિદ જરૂરીયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.