રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી ટાંકણે જ પાણી પ્રશ્ને આંદોલનનું રણશીંગુ !!

વોર્ડ નં. ૭ અને ૧૪ માં ૪૮ કલાકમાં પાણી પ્રશ્ર્ન નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતાં કોંગી આગેવાનો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર ૭ અને ૧૪માં ડીઆઇ પાઇપલાઇનનું નેટવર્ક ઉભું કરાય બાદ હવે પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેક વિસ્તારોમાં પાણીનું ટાઇમ ટેબલ પણ ફરી ગયું છે. સતત ત્રણ દિવસથી આ બંને વોર્ડના અનેક વિસ્તારોને પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.આવામાં મહાપાલિકાની ચૂંટણી ટાંકણે જ કોંગ્રેસના આહેવાનોએ પાણી પ્રશ્ને ઉગ્ર આંદોલન છેડવાનું રણશીંગુ ફૂંકી દીધું છે.જો ૪૮ કલાકમાં વોર્ડ નંબર ૭ અને ૧૪ માં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન  છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પ કોંગી અગ્રણી માણસુરભાઈ વાળા,ગજેન્દ્ર સિંહ ઝાલા, રમેશભાઈ તલાટીયા અને અમિત ભાઈ બોરીચા સહિતના કોંગી કાર્યકરોએ જણાવ્યું હતું કે ડીઆઇ પાઇપલાઇન નું નેટવર્ક ઊભું કરાયા બાદ વોર્ડ નંબર ૭ અને ૧૪માં પાણીની અંધાધૂંધી ફેલાઈ જવા પામી છે.નવા ટાઇમટેબલની અમલવારી બાદ ત્રણ દિવસથી પાણીની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.અને વિસ્તારોને હજી સુધી પાણી મળતું હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે જો આગામી ૪૮ કલાકમાં વોર્ડ નંબર ૭ અને ૧૪ માં કોર્પોરેશન દ્વારા પાણીની સમસ્યાનું કોઈ સચોટ નિરાકરણ લાવવામાં નહીં આવે તો લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

વોર્ડ  નંબર ૧૪ માં હાથીખાના, કુંભારવાડા, કેવડાવાડી, કોઠારીયા કોલોની સહિતના વિસ્તારોમાં લોકોની ફરિયાદોની યાદી  સિટી એન્જિનિયર સુપ્રત કરવામાં આવી છે.આજે પણ આ વિસ્તારના લોકોને જૂની કે નવી એક પણ લાઇનમાંથી પાણી મળ્યું નથી.જૂની લાઇન બંધ કરી દીધી છે અને નવી લાઈન માંથી વિતરણ કરવામાં આવતું નથી જેના કારણે લોકોને ત્રણ દિવસથી પાણી મળતું નથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના પાપે બે વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે ચડી જવા પામી છે. જેના કારણે લોકોએ ભરશિયાળ વેચાતું પાણી લેવું પડે છે.

Loading...