Abtak Media Google News

સાથોસાથ બોલિવૂડની જાણિતી સંગીત-ગાયક જોડી સચિન-જીગર વિદ્યાર્થીઓ સાથે કરશે વાર્તાલાપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકડાઉનના આ સમયમાં વિદ્યાર્થીઓને સમયનો સદઉપયોગ થાય, વિદ્યાર્થીઓને જ્ઞાન મળી રહે અને મનોબળ વધે તેવા શુભ હેતુથી અલગ-અલગ ક્ષેત્રના મહાનુભાવો વિદ્યાર્થીઓને ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઈન સંબોધન કરેએ માટે આનંદનું ઓપન માઈક નામની વ્યાખ્યાનમાળા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફેસબુક પેઈજ પરથી લાઈવ તા.૨૧/૪/૨૦૨૦થી શરૂ કરવામાં આવેલ છે. આ વ્યાખ્યાનમાળાના માધ્યમથી તા.૨૧/૪/૨૦૨૦થી આજદિન સુધી કુલ ૨૫ દિવસ વિદ્યાર્થીઓને જ્ઞાનરૂપી ખજાનો પ્રાપ્ત થયો છે.

આ વ્યાખ્યાનમાળાની શરૂઆત તા.૨૧/૪/૨૦૨૦ના રોજ વિશ્ર્વવંદનીય સંતશ્રી પૂજય મોરારીબાપુના આશિર્વાદથી થયેલ છે અને આજરોજ આ વ્યાખ્યાનમાળાના સમાપન સત્રમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરશે. સાથે સાથે મુળ ગુજરાતના અને બોલીવુડની જાણીતી સંગીત-ગાયક જોડી લાડકી ફેમ સચિન-જીગર વિદ્યાર્થીઓની સાથે વાર્તાલાપ કરશે. આ વ્યાખ્યાનમાળામાં ક્રમશ: જાણીતા ભાગવતાચાર્ય પરમ પૂજય રમેશભાઈ ઓઝા (પૂજય ભાઈશ્રી), રાષ્ટ્રસંતશ્રી પૂજય નમ્રમુની મહારાજ સાહેબ, પૂજય અપૂર્વમુની સ્વામીના આશિર્વચન વિદ્યાર્થીઓને મળેલ છે. ગુજરાત રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને લોકડાઉનનાં સમયમાં શું કાર્ય કરવું, ઘરે રહીને અભ્યાસની પ્રવૃતિ, સમયનો સદઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપેલ હતું.

જાણીતા લેખકો, કવિઓ જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, ડો.શરદ ઠાકર, પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ, સાંઈરામ દવે, ડો.જગદિશ ત્રિવેદી, અંકિત ત્રિવેદી, સુપ્રસિઘ્ધ ગાયિકા ઐશ્ર્વર્યા મજમુદાર અને સુવિખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી, ફિલ્મ કલાકાર પદ્મશ્રી મનોજ જોશી, ફિલ્મ કલાકાર શરમન જોશી તથા વિવિધ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધન કરેલ છે. વિદ્યાર્થીઓને મોટીવેશન મળી રહે તે માટે જાણીતા મોટીવેશનલ સ્પીકર સ્નેહ દેસાઈ તથા કોરોના વિશેની જાણકારી આપવા માટે અમદાવાદના જાણીતા પલ્મેનોલોજીસ્ટ ડો.પાર્થિવ મહેતાએ આ વિષયો પર વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, સિન્ડિકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણી તથા સર્વે સિન્ડિકેટ સભ્યોએ આ વ્યાખ્યાનમાળામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડેલ છે. આનંદના ઓપન માઈક વ્યાખ્યાનમાળામાં દરરોજ આશરે ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ મહાનુભાવોને લાઈવ સાંભળી અને માર્ગદર્શન તથા જીવનમાં ઉપયોગી એવા સદવિચારો મેળવે છે. સાથે સાથે વિદ્યાર્થીઓ વિવિધ વિષયો અને ઉદાહરણો સાથે જ્ઞાન, વિઝન, સંકલ્પ, ઉદેશ્ય અને જીવનનો મર્મ પણ સમજેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.