ઉપલેટામાં સંક્રમણ વધતા ચેમ્બર ઓફ કોમર્સેે સ્વૈચ્છિક લોકડાઉન કરવું જોઈએ

જાગૃત સંસ્થાઓ આગળ આવી શહેરના હિતમાં નિર્ણય લે તેવી પ્રબુઘ્ધ નાગરિકોની માંગ

શહેરમાં છેલ્લા એક માસથી આરોગ્ય વિભાગ ઉંધે માથે થવા છતાં કોરોના લોકોનો પીછો છોડતો નથી ત્યારે શહેરની જનતાના જીવ ઉંચા થઈ ગયા છે ત્યારે શહેરની ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાએ આગળ આવી સ્વૈચ્છિક લોકડાઉન કરવું જોઈએ. શહેરમાં કોરોના બેકાબુ બની જતા અત્યાર સુધીમાં ૫૨૫ જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. હાલમાં કોરોના રોગનો ભોગ બનનાર વ્યકિતને ખુદ પરિવારના સભ્યો પણ હાથ નથી પાડતા જેવા બનાવો પણ બન્યા છે. આજુબાજુના જીલ્લામાં પણ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં જગ્યા નથી. શહેરના કોરોના વોરિયર્સ મામલતદાર, પોલીસ સ્ટાફ, આરોગ્ય વિભાગ તેમજ ઉધોગપતિઓ, વેપારીઓ પણ કોરોના સંક્રમિત થઈ ચુકયા છે ત્યારે શહેરના પ્રબુઘ્ધ નાગરીકો એવું ઈચ્છી રહ્યા છે કે શહેરને જો સલામત રાખવું હોય તો ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાએ આગળ આવી શહેરમાં સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરવુ જોઈએ. જેથી કરીને લોકો બજારમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેની ઉપર અંકુશ આવે અને કોરોના સંક્રમિત થતા અટકશે. હાલ ગોંડલ-રાજકોટ સહિતના વેપારી એસો.એ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે તેને અનુસરીને ઉપલેટા શહેરના હિત માટે આવો નિર્ણય લેવો જોઈએ તેવું પ્રબુઘ્ધ નાગરીકો ઈચ્છી રહ્યા છે.

Loading...