Abtak Media Google News

કોરોનાએ વિશ્વાસ ડગમગાવતા તંત્રની આસ્થામાં ‘ઓટ’

હવે ભગવાનને ભક્તો સુધી પહોંચવા કોર્ટનો આશરો લેવો પડશે! ૧૪૩ વર્ષની પરંપરા તૂટી, રથયાત્રા વિના અષાઢી બીજના પાવન પર્વમાં ઝાંખપ

અગાઉ મંદિરોને લોકડાઉન રાખ્યા અને હવે ‘ભાવયાત્રા’ને રોકવાનો નિર્ણય

રાજકોટ, જામનગર, જૂનાગઢ, પરબધામ, તોરણિયા, મજેવડી સહિત મંદિરોએ સાદાઇથી અષાઢી બીજની ઉજવણી: ભગવાન જગન્નાથ, બલરામ અને સભુદ્રાજીને નયનરમ્ય શણગાર સાથે નિજ મંદિરમાં જ નગરચર્યાનું મુહુર્ત સચવાયું

સંતવાણી, મહાપ્રસાદ, લોકમેળા બંધ: ભાવિકોને દર્શનની છૂટ: ભીડ ન કરવા મહંતોની અપીલ: ભગવાન જગન્નાથજીને અવનવા શણગાર, આરતી અને હાંડીનો લાભ ઓનલાઇન પણ લઇ શકાય તેવી મંદિર પરિસરથી વ્યવસ્થા ઉપલબ્ધ

ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ ગીતામાં યદા યદા હી ધર્મસ્ય: ગ્લાનિર્ભવતિ ભારતનું વચન આપ્યું છે. વર્તમાન સમયે ભગવાને આપેલા વચન મુજબ તેમના અવતરણનો સમય પાકી ગયો છે. કોરોના મહામારીના કારણે તંત્રની આસ્થામાં ઓટ આવી હોય તેવું ફલિત થાય છે. ભગવાનને પોતાના ભકત સુધી પહોંચવા માટે હવે કોર્ટનો આશરો લેવો પડતો હોય તેવો ઘાટ ઘડાયો છે.

કોરોનાના કપરાકાળમાં ભગવાન કૃષ્ણ પણ કેદ થયા છે. સામાન્ય રીતે ભકતો બારેમાસ ભગવાનના દર્શન માટે મંદિર જતા હોય છે પણ અષાઢી બીજે ભગવાન રથમાં સવાર થઈને ભકતોને દર્શન આપવા નીકળે છે. સદીઓ જુની આ પરંપરા ચાલુ વર્ષે તુટી છે જેની પાછળ ભગવાન ઉપરની શ્રદ્ધા ઓછી થઈ હોવાનું લાગી રહ્યું છે. હાલ કોરોના મહામારી વચ્ચે ભગવાન તરફ ભકતોની શ્રદ્ધાના સ્થાને ‘તર્ક’ વધુ હાવી થઈ ચુકયો છે જેના પરિણામે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સજીધજીને રથમાં તો સવાર થયા હતા પરંતુ નગરચર્ચા નહોતી કરી.

ભારત આસ્થાનો દેશ છે. ભારતમાંથી અનેક ધર્મો અને સંપ્રદાયનો ઉદભવ થયો છે. ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન મહાવીર, ગૌતમ બુદ્ધ સહિતનાં અવતરણ ભારતની પાવન ભૂમિમાં થયા હતા. દેશની જનતા કરોડો દેવી-દેવતાઓમાં માને છે ત્યારે તંત્રએ અષાઢી બીજનાં દિવસે લીધેલો નિર્ણય ભગવાન તરફની શ્રદ્ધા ઉપર પ્રશ્ર્નો ઉઠાવી રહ્યો છે. ભગવાન ઉપરની શ્રદ્ધા અને વ્યકિત ઉપરનાં વિશ્ર્વાસ વચ્ચેની લડાઈ ઉપસી આવી છે. આવા સંજોગોમાં વર્ષો જુના ગીતની એક કડી યાદ આવે છે કે, ‘દેખ તેરે સંસાર કિ હાલત કયાં હો ગયી ભગવાન, કિતનાં બદલ ગયા ઈંસાન’.

દેશમાં રામરાજયની  આશા અને આસ્થા લોકોમાં છે. જયારે-જયારે અધર્મ વઘ્યો છે ત્યારે ભગવાને વિવિધ પ્રકારે અધર્મનો નાશ કર્યો છે. માણસ જાતને ધર્મનાં રસ્તે ચાલવાની દિશા આપી છે. ભુકંપ, સુનામી કે મહામારી જેવી કુદરતી આપદાઓનાં માધ્યમથી માણસ જાતને ‘સમજી’ જવાનાં સંકેતો આપ્યા છે. આજે અષાઢી બીજનાં પાવન દિવસે કરોડો લોકો ભગવાન જગન્નાથનાં દર્શન કરવા ઈચ્છતા હતા. ભગવાન સામેથી લોકોને દર્શન આપવા આવવાના હતા પરંતુ મહામારીમાં તંત્ર દ્વારા ડરની એવી સાંકળ રચવામાં આવી છે જેના કારણે ભગવાનને પરીસરમાં જ કેદ કર્યા હોય તેવો નજારો સર્જાયો છે.

આજે અષાઢી બીજનો પાવન પર્વ છે. હિન્દુ ધર્મના પારંપરિક તહેવારોથી આપણી વારસાગત સંસ્કૃતિ ઉજાગર થાય છે. તહેવારો આપણી સંસ્કૃતિ જીવંત રાખે છે. અષાઢી બીજનો દિવસ પાવનકારી હોવાથી શુભ કાર્યો માટે આજના દિવસને સર્વોત્તમ માનવામાં આવે છે. અષાઢી બીજ કચ્છીઓનું નવું વર્ષ છે. એટલે હિન્દુ ધર્મના લોકો આ દિવસે વિશેષ રાંદલ, જપ, તપ, હોમ હવન  સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. અષાઢી બીજના દિવસે કચ્છી માડુઓ બળદ ગાડાને શણગારી તેનું પૂજન કરી વાવણીની શુભ શ‚આત કરે છે. ઉપરાંત આજના દિવસે લક્ષ્મીજી અને સરસ્વતી માતાનું પણ વિશેષ પુજન અર્ચન થાય છે. વેપારીઓ ધંધા રોજગારમાં વિશેષ લાભ પ્રાપ્ત કરવા અષાઢી બીજના દિવસે લક્ષ્મીમાતાની પૂજા કરે છે. કોરોના કપરા કાળમાં અષાઢી બીજના પાવન પર્વે ૧૪૩ વર્ષ જૂની પરંપરા તૂટી છે. આજે ગુજરાતમાં કયાંય પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી નથી. સંક્રમણ ફેલાવાના ભયથી આ વર્ષે ભગવાનની નગરચર્યા મોકુફ રખાઇ છે. માત્ર મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રાનું મુહુર્ત સચવાયું હતું. ઉપરાંત અષાઢી બીજ નીમીતેના તમામ ધાર્મિક કાર્યક્રમો પણ માત્રને માત્ર મંદિર પરિસરમાં ઉજવાયા હતા.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ આ વર્ષે કોરોનાને કારણે અષાઢી બીજની રથયાત્રા નહીં નીકળે મોટાભાગના સ્થળોએ માત્ર ગણતરીના લોકોની ઉ૫સ્થિતિમાં જ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. રાજકોટ, જામનગર, પરબ,તોરણીયા,  મજેવડી સહિતના મંદિરોમાં સાદાઇથી ઉજવણી થશે. જગન્નાથજીને શણગાર આરતી, હાંડી કરવામાં આવશે. જેના દર્શનનો લાભ ભાવિકો લઇ શકશે. પરબધામ ખાતેનો લોકમેળો અને રથયાત્રા પણ મુલત્વી રખાયો છે. જુનાગઢ, જામનગર સહિતના સ્થળોએ પણ નિજ મંદિરોમાં જ ઉજવણી થઈ હતી. આજે વહેલી સવારે સૌરાષ્ટ્રભરના મંદિરોમાં જ ભગવાન જગન્નાથજી, બલરામ અને સુભદ્રાજી સાથે વિધિ વિધાન પૂર્વક પૂજન કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.