Abtak Media Google News

આધારની વિગતો માટે રાશનની દુકાનો પર મુકેલા સોફટવેર વ્યવસ્થિત ન ચાલતા ગ્રાહકોને હાલાકી: પ્રહલાદ મોદી

સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધારને કેન્દ્ર સરકારે ફરજીયાત ગણાવ્યું છે પણ આ આધારની પળોજણથી ગુજરાતમાં અનેક ગરીબોને રાશન નથી મળી રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ગુજરાત ફેર પ્રાઈઝ શોપ ઓનર્સ એસોસીએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કહ્યું છે કે, ફેર પ્રાઈઝ શોપ એટલે કે રાશનની દુકાનોમાં આધાર નંબરને લઈ સોફટવેર ઈન્સ્ટોલ કરાયા છે પરંતુ તે વ્યવસ્થિત કામ ન કરતા ગ્રાહકોને ભારે હાલાકી થઈ રહી છે.

જણાવી દઈએ કે, ૧૭૦૦૦ રાશન દુકાનો પર એપ્રિલ, ૨૦૧૬માં નેશનલ ફુડ સીકયુરીટી એકટ અંતર્ગત મા અપુર્ણા યોજના લોન્ચ કરાઈ હતી. જેથી ગરીબ લોકો સસ્તા દરે અનાજ મેળવી શકે. પરંતુ હાલ તમામ રાશન દુકાનોને ઈ-એફપીએસ સોફટવેરની સાથે લીંક કરી દેવાતા ઘણા ગરીબ લોકો રાશનથી વંચિત રહી જાય છે. સોફટવેર વ્યવસ્થિત ન ચાલતા ગ્રાહકોને ખાલી હાથે પાછા ફરવુ પડે છે. પીએમ મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યું છે કે, સોફટવેરથી તકલીફો થતી હોવાની ઘણી ફરિયાદો ઉઠી છે. આ સોફટવેર થકી ગ્રાહકની અંગુઠાની છાપ લેવાય છે. જે તેમના આધારકાર્ડને બતાવે છે પરંતુ ઘણીવાર સોફટવેર બંધ થઈ જાય છે અથવા તો ગ્રાહકની અંગુઠાની છાપ મુજબ આધારકાર્ડ સ્વીકારતું નથી અથવા ઘણી વખત લાંબા સમયથી પ્રક્રિયા બતાવે છે. જેથી ગ્રાહકો સહિત દુકાનદારોની સામે પણ સમસ્યા ઉભી થઈ છે.

પ્રહલાદ મોદીએ આ સમસ્યાને ધ્યાને રાખી માંગ કરી છે કે રાશન દુકાનદારોને પહેલા જેવી પઘ્ધતિ અપનાવવાની છુટ આપવામાં આવે અને સોફટવેરથી થતી મુશ્કેલીઓ તરફ સરકાર ધ્યાન દોરી રાહત આપે જેથી કરીને રાશન માટે આવતા ગ્રાહકો ખાલી હાથે પાછા નો ફરે. ગઈકાલે પ્રહલાદ મોદી અને તેમના એસોસિએશનના વરીષ્ઠ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં સોફટવેરથી થતી મુશ્કેલીઓની ચર્ચા કરાઈ હતી તો આ સામે સરકારે પણ સહમતી દાખવી છે અને ખાતરી આપી છે કે રાશન માટે આવેલ એક પણ વ્યકિત ખાલી હાથે પાછો નહીં જાય આ માટે વહેલી તકે અન્ય સુવિધા ઉભી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.