Abtak Media Google News

કોરોના સામે ઝઝુમતા રાજયોને મળશે રાહત

કેન્દ્ર સરકારે રાજયોને રૂ. ૧૧૦૬૨ કરોડ ફાળવ્યા

દેશમાં ફેલાયેલા કોરોના કહેર સામે લડવા માટે કેન્દ્ર સરકારે રાજયોને આફત રાહત વહીવટી ફંડમાં રૂ. ૧૧ હજાર કરોડથી વધુ રકમ ફાળવી છે, જેમાં ગુજરાતને રૂ. ૬૬૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકારે ૧૫માં નાણા પંચની ભલામણના આધારે આફત રાહત વહીવટી ફંડમાં રાજયોને રૂ. ૧૧ હજાર કરોડથી વધુ રકમ ફાળવી છે તેમ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવાયું હતું.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રાજયોને કોરોના આફત સામે લડવા માટે રૂ. ૧૧ હજાર કરોડ ફાળવવાની રજૂઆત કરી હતી.

વડાપ્રધાને રાજયોને મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને તેમાં કોરોનાના કહેર સામે લોકડાઉન બાદ લેવાઇ રહેલા પગલાઓ અંગે ચર્ચા કરી હતી. બાદમાં કેન્દ્ર સરકારે ૨૦૨૦-૨૧ ના વર્ષમાં આફત રાહત વહીવટી ફંડનો પહેલો હિસ્સો રૂ. ૧૧.૦૯૨ કરોડનો રાજયોને ફાળવ્યો છે.

દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે, ત્યાં રૂ. ૧૬૧૧ કરોડ ફાળવાયા છે. જયારે બીજા નંબરે વધુ કેસ નોંધાયા છે, તે કેરલમાં રૂ. ૧૫૭ કરોડ ફાળવાયા છે. ઉત્તર પ્રદેશને રૂ. ૯૬૬ કરોડ, ઓરિસ્સાને રૂ. ૮૦૨ કરોડ, રાજસ્થાનને રૂ ૭૪૦ કરોડ, બિહારમાં રૂ. ૭૦ કરોડ, ગુજરાતને રૂ. ૬૬૨ કરોડ અને મઘ્યપ્રદેશને રૂ. ૯૧૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. એનડીઆરએફએ રાજયોને કેન્દ્ર દ્વારા આફત સામે લડવા અપાતું પ્રારંભિક ફંડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.