ભાજપ પ્રદેશ પ્રમુખ કાલે અમરેલીમાં અને શનિવારે જૂનાગઢમાં, સરપંચો સાથે કરશે સંવાદ

પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ કાલે અમરેલી જિલ્લાની મુલાકાતે આવી રહ્યાં છે. જ્યારે શનિવારે જૂનાગઢ જિલ્લાની મુલાકાત લેવાના છે. આ બન્ને સ્થળોએ તેઓ સરપંચો સાથે સંવાદ કરશે અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવાના છે.

અમરેલીમા લાઠી રોડ પર આવેલ તુલસી પાર્ટી પ્લોટ ખાતે આવતીકાલે બપોરે ૧ કલાકે તેઓ અમરેલી જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરશે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીના ઇન્ચાર્જ જીતુભાઇ વાઘાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલા અને એનસીયુઆઇના ચેરમેન દિલીપભાઇ સંઘાણીની ઉપસ્થિતિમા આ કાર્યક્રમ યોજાશે.

ત્યારબાદ આગામી તા. ૯ જાન્યુઆરીના રોજ ખૂબ જ ટૂંકા સમયમાં સોરઠમાં બીજી વખત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેઓ ૯ તાલુકાના ૩૦૦ જેટલા સરપંચ સાથે સીધો સંવાદ કરી આગામી ચૂંટણીને અનુલક્ષી માર્ગદર્શન આપશે. ભાજપાના પ્રદેશ અધ્યક્ષની આ મુલાકાતથી જિલ્લા ભાજપ પરિવારમાં ઉત્સાહનો માહોલ પ્રસરી ગયો છે. ૦૯:૦૦ વાગ્યે કેશોદ એરપોર્ટ ખાતે પહોંચશે જ્યા તેમનું જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા જિલ્લા ભાજપના મહામંત્રી તથા અગ્રણીઓ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવશે.

બાદમાં પ્રદેશ અધ્યક્ષ જૂનાગઢ ખાતે આવી પહોંચશે અને કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં સરપંચશ્રીઓ સાથે સંવાદ કરશે તથા જિલ્લા ભાજપના અગ્રણીઓ તથા કાર્યકરો સાથે પણ આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે. બાદમાં અમરેલી જવા રવાના થશે.

જૂનાગઢ જિલ્લામાં ટૂંકા સમયમાં બીજી વખત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જૂનાગઢ પધારી રહ્યા છે. ત્યારે જિલ્લા ભાજપ પરિવારમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. ભાજપ પ્રદેશ પ્રમુખના સોરઠ પ્રવાસ પ્રસંગે જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી સહિતના અગ્રણીઓ જોડાશે.

દરમ્યાન જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે. તેવા સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષની સોરઠ મુલાકાતથી ભાજપ પરિવારમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે. અને આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય થશે જે નિશ્ચિત છે

Loading...