Abtak Media Google News

ઉમેદવારોના નામો પર મહોર મારવા સપ્તાહના અંતે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ: નામાંકનના અંતિમ દિને ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. મહાપાલિકાના મુરતીયા નકકી કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા ગઈકાલથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં નિરીક્ષકોની ટીમો અલગ અલગ મહાનગરોમાં જઈ કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને સાંભળી રહી છે. દરમિયાન આગામી ૪ અથવા ૫ ફેબ્રુઆરીના રોજ ભાજપ દ્વારા મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. નામાંકનના અંતિમ દિવસે ભાજપ ના ઉમેદવારો એક સાથે ફોર્મ ભરશે.

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી માટે ઉમેદવારો ફાઈનલ કરવા આગામી ૨૮ થી ૩૦ જાન્યુઆરી દરમિયાન પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો સમક્ષ જે કાર્યકરોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યકત કરી છે તેના નામ પર ચર્ચા કરવામાં આવશે. સ્થાનિક સંકલન સમીતી દ્વારા વોર્ડવાઈઝ જે ચાર-ચાર નામોની ચાર પેનલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી હશે તેના પર પણ ચર્ચા વિચારણા કર્યા બાદ જ્ઞાતિ-જાતિના સમીકરણો અને અનામત સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. બની શકે કે, જે વ્યક્તિએ સેન્સ દરમિયાન ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યકત કરી નથી અથવા જેનું નામ પેનલમાં પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આવ્યું નથી તેને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવાની ફરજ પાડી શકાય. ભાજપ દ્વારા મહાપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા ૪ અથવા ૫ ફેબ્રુઆરીના રોજ કરી દેવામાં આવશે. આગામી ૧લી ફેબ્રુઆરીના રોજ મહાપાલિકાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. નામાંકન દાખલ કરવાના અંતિમ દિવસે ભાજપના તમામ ઉમેદવારો એક સાથે ઉમેદવારી પત્રક ભરશે જેનાથી જે સિટીંગ કોર્પોરેટરોની ટીકીટ કપાય છે અથવા દાવેદાર હોવા છતાં ટીકીટ આપવામાં આવી નથી તેઓને વિરોધ દર્શાવી અપક્ષ ઉમેદવાર બની પક્ષ સામે ન ઉતરે તે માટે અંતિમ દિવસે ફોર્મ ભરવાની વ્યૂહ રચના ઘડવામાં આવે છે.

રાજકોટ શહેરમાં ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ૬૬૮ દાવેદારોએ ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યકત કરી છે. એટલે વોર્ડની ૪ બેઠકો માટે સરેરાશ ૩૭ દાવેદારો હાલ લાઈનમાં છે. જેમાંથી નામ સત્તાવાર ઉમેદવારના નામ જાહેર થયા બાદ વોર્ડમાં કકળાટ શરૂ થાય તે ફાઈનલ હોય છે. આવામાં નામ જાહેર થયા બાદ વિરોધીઓનો શુર ખાળી દેવા માટે અંતિમ દિવસે જ ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયાહાથ ધરવામાં આવતી હોય છે. સેન્સ દરમિયાન જે રીતે ભાજપના કાર્યકર્તાઓએ શાંતિ દાખવી છે અને એવો સુર વ્યકત કર્યો કે કોઈપણને ટીકીટ આપવામાં આવે અમે જીતાડી દેવા માટે એક છીએ તેના પરથી એવું લાગી રહ્યું છે કે, આ વખતે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વિરોધ વંટોળ ન પણ ઉઠે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.