Abtak Media Google News

કાયદા ભવન ખાતે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫(એ) હટાવવાનાં નિર્ણયનો બંધારણીય આયામ અને પડનારી અસરો પર અર્થપૂર્ણ સેમિનાર યોજાયો

૫મી ઓગસ્ટે ભારતીય બંધારણનાં અનુચ્છેદ ૩૭૦ હટાવવાનાં ઐતિહાસિક નિર્ણય અને રાષ્ટ્રપતિજીનાં અઘ્યાદેશ સંદર્ભે સંપૂર્ણ કાનુની તર્ક અને બંધારણીય આયામોને કેન્દ્રમાં રાખી અને આ સ્વરૂપનો પ્રથમ કહી શકાય એવા રાજકોટ ખાતે આયોજીત સેમીનારમાં થયેલી ઘોષણા મુજબ રાજયની પ્રત્યેક લો-કોલેજોને આવરી લઈ અને આ વિષય ઉપર દરેક સંશોધકોને પ્રશિક્ષિત કરી વ્યાપક સ્વરૂપે કાર્યક્રમો આયોજીત કરવાની ઘોષણા કરવામાં આવેલ.

વરિષ્ઠ પૂર્વ કુલપતિ પ્રો.કમલેશ જોશીપુરાનાં માર્ગદર્શન અંતર્ગત લીગલ રીસર્ચ ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદા ભવન દ્વારા આયોજીત આ સેમીનારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, માનવ અધિકાર ભવન, અખિલ હિંદ મહિલા પરીષદ, એ.એમ.પી. લો કોલેજ, એચ.એન.શુકલ, હરિવંદના, ગીતાંજલી કોલેજોનાં સહયોગથી સનદી અધિકારીઓ, વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ, પ્રાઘ્યાપકો, સંશોધકો, અનુસ્નાતક વિદ્યાર્થીઓ, સ્વૈચ્છીક સંગઠનનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ. સેમીનારમાં લો કમિશન ઓફ ઈન્ડિયાનાં અભયકુમાર ભારદ્વાજ, પૂર્વ કુલપતિ અને બંધારણનાં અભ્યાસુ પ્રો.કમલેશ જોશીપુરાનાં કેન્દ્રવર્તી વકતવ્ય ઉપરાંત એ.એમ.પી.લો કોલેજનાં પ્રિન્સીપાલ ડો.મીનલબેન ઉપાધ્યાય, વિદ્યાશાખાનાં ડીન મયુરસિંહજી જાડેજા, વરિષ્ઠ ઘારાશાસ્ત્રી ભાવનાબેન જોશીપુરા, માનવ અધિકાર ભવનનાં અધ્યક્ષ રાજેન્દ્રભાઈ દવે સહિતનાઓએ ઉદબોધન કરેલ.

સેમીનારનાં સારરૂપે તારણમાં પ્રથમ વખત જ ખરેખર અનુચ્છે-૩૭૦ હટાવવાની પ્રક્રિયા કેવી રીતે પાર પાડવામાં આવી ? કેવી રીતની કાનુની અસરો થશે ? સર્વોચ્ચ અદાલત ન્યાયિક પૂન:રાવલોકન કરશે કે કેમ ? જેવી રસપ્રદ બાબતો પર ખુબ જ મનનીય અને રસપ્રદ વકતવ્યો આપવામાં આવેલ. આ સેમીનારનાં તારણ સ્વરૂપે એવો નિર્ણય કરાયો હતો કે, કાયદા વિદ્યાશાખાનાં સંશોધકો અને અઘ્યાપકો તેમજ કેટલાક વિદ્યાર્થીઓને આ વિષય સંદર્ભે પ્રશિક્ષિત કરી અને રાજયભરમાં મોકલાશે તેમજ ખાસ કરીને આ વિષય સંદર્ભે ચાલી રહેલ અપપ્રચાર સામે સાચી વિગત રજુ કરવામાં આવશે. સેમીનારમાં કાનુની દ્રષ્ટિથી બંધારણીય નિયમોનું પાલન કરી આ નિર્ણય લેવા માટે સરકારને ખાસ અભિનંદન આપવામાં આવેલ.

88

અભય ભારદ્વાજે જણાવ્યું હતું કે, સમગ્ર બાબત દેશની પ્રજાની આકાંક્ષા અને ઈચ્છાનો પડઘો છે, સંસદ એ પ્રજામતનું પ્રતિબિંબ છે અને રાજયસભા ઉચ્ચ બૌદ્ધિક શાણપણનું પ્રતિક છે, પ્રથમ સમગ્ર બાબત રાજયસભામાં કેમ અને શા માટે મુકવામાં આવી ? કેમ લોકસભામાં નહીં ?? તેની આજ દિન સુધી કોઈને કરી નથી – વાસ્તવમાં રાજયસભા ભારતીય બંધારણની વિભાવના મુજબ જ્ઞાન અને શાણપણ દર્શાવતી વ્યવસ્થા છે, જયાં સભ્યોમાં વરિષ્ઠતા જોવા મળે છે અને આથી જ પ્રથમ વરિષ્ઠો આ ગૃહમાં પુખ્ત અને ઠરેલ ચર્ચા અર્થે મુકવામાં આવ્યું અને બાદમાં લોકસભામાં મુકવામાં આવ્યું. પક્ષીય વાડાબંધીથી ઉપર ઉઠી સભ્યોએ મતદાન કર્યું. આ પરિસ્થિતિમાં સર્વોચ્ચ અદાલત પાસે ન્યાયિક પુનરાવલોકન માટે ખુબ જ મર્યાદિત અવકાશ છે. સર્વોચ્ચ અદાલત પણ  પ્રજાની આકાંક્ષા કે ઈચ્છાને અવગણી ન શકે.

પ્રારંભે કાયદા વિદ્યાશાખાનાં ડીન મયુરસિંહ જાડેજાએ ફેકલ્ટીવતી સૌનું સ્વાગત કરી અને આ સેમીનારની ભૂમિકા આપી હતી. જાડેજાએ આ નિર્ણયને રાષ્ટ્રીય એકતા માટે અત્યંત ઉપકારક ગણાવેલ. વરિષ્ઠ મહિલા ધારાશાસ્ત્રી અને મહિલા પરિષદનાં ઝોનલ ઓર્ગેનાઇઝર ડો.ભાવનાબેન જોશીપુરાએ કાશ્મીરનો ૩૦૦૦ વર્ષનો ઈતિહાસ ખુબ જ સંક્ષિપ્ત છતાં વિગતસર આપી અને સૌરાષ્ટ્રનો કાશ્મીર સાથે કેવી રીતે સંબંધ હતો તેની ખુબ જ રસપ્રદ વિગતો આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન પ્રાઘ્યાપક આનંદ ચૌહાણે કરેલ. આ પ્રસંગે પૂર્વ કલેકટર પંકજ રાવલ, પ્રિ.સહદેવસિંહ ઝાલા, શૈલેષ જાની, ભારતીય વિચાર મંચનાં રાજાભાઈ કાથડ ઉપરાંત અમદાવાદ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, ગોંડલ, અમરેલી, જુનાગઢ સહિત ૧૫ જેટલા કેન્દ્રો પરથી પ્રતિનિધિ હાજર રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.