અયોધ્યા મંદિરનો ઘંટ… વિકાસના પંથે.!

મંદિર વહીં ઔર મસ્જીદ નઇ..! આ છે સુપ્રિમ કોર્ટનો ચુકાદો. દાયકાઓથી ચાલતા વિવાદનો, રાજનીતિનો અને ખટરાગનો અંત. આ ચુકાદાથી દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો બન્નેને રાહત થશે. ખેર અમુક કટ્ટરવાદીઓેને એવું લાગશે કે તેમને મુળ જગ્યાએ મસ્જિદ બનાવવા ન મળી. પરંતુ એ કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવાને આધિન છે જેનો સૌ એ સ્વીકાર કરવાનો છે. આ એક પ્રકરણ બંધ થતાની સાથે જ હવે સંખ્યાબંધ હકારાત્મક પ્રકરણોના પાના ખુલી રહ્યાં છે. ભગવાન રામની કૄપાથી હવે અયોધ્યા દેશનું કદાચ અતિ મહત્વપુર્ણ ધર્મસ્થાન બની જશે. જેના કારણે ત્યાં પ્રવાસીઓ તથા યાત્રાળુઓનો ભારે ધસારો શરૂ થશે. ઓફકોર્સ આ પરિવર્તન ઉત્તરપ્રદેશમાં સેંકડો નવા રોજગાર ઉભા કરશૈ. ખાલી રામ મંદિર જ નહીં નવી બનનારી મસ્જિદ પણ ટુરિસ્ટોને ખેંચી લાવશે. મતલબ કે અયોધ્યામાં હવેના દિવસો મંદિરનાં ઘંટનાદ સાથે વિકાસનાં શંખનાદ પણ ફૂંકશે.

શહેરના પેડા તથા લસ્સી હવે દેશવિદેશમાં પહોંચતા થશે. રામલ્લાને ફુલહાર ચડતા થશે, પૂજાઓ થતી થશે. દિવા વેચાશે, હોટલ, લોજીંગ, બોડિંગ, ટ્રાવેલ્સ એજન્સીઓ, ગાઇડ, ટેક્સી, રિક્ષા, સ્વચ્છતા માટેના કર્મચારીઓ, મંદિર અને મસ્જિદનાં વહિવટ માટે સેંકડો કર્મચારીઓનો સ્ટાફ, માળખાકિય સુવિધાઓ અને આ બધી સુવિધાઓ માટે જરૂરી ઇન્ડસ્ટ્રી. વાત તો એવી પણ છે કે હવે ટૂખ સમયમાં અયોધ્યામાં શ્રી રામ એરપોર્ટ ધમધમતું થઇ જશે.

આંકડા બોલે છે કે વર્ષ ૨૦૧૮ માં એક વર્ષમાં જ આશરે બે કરોડ પ્રવાસીઓ અયોધ્યાની મુલાકાતે આવી ચુક્યા છે. આ આંકડો ૨૦૧૭માં પોણા બે કરોડ, અને ૨૦૧૬ માં દોઢ કરોડનો હતો. મતલબ કે વિવાદીત સ્થળે વિકાસ થયો ન હોવા છતાં ઉતરોત્તર અહીં ધસારો વધી રહ્યો છે. વિશ્ર્વભરમાં ૧૦૦ કરોડથી વધારે હિન્દુઓ છે જેમાનાં ૧૦ ટકા પણ રામભક્ત ગણીએ તો તેઓ આ સ્થળે વખતો વખત આવતા થશે, જેમ લઘુમતિઓ માટે મક્કા અને મદિના છે એ જ રીતે, જેમ વેટિકન સીટી કેથલિક ખ્રિસ્તીઓ માટે છે એ જ રીતે.

તિરૂપતિ બાલાજી મંદિરમાં રોજના એકાદ લાખ યાત્રાળુઓ આવે છે, તહેવારોમાં આ આંકડો પાંચ લાખે પહોંચે છે. હાલમાં તિરૂપતિ મંદિરની અસ્કયામત ૩૭૦૦૦ કરોડની મુકાય છે. શિરડી સાંઇબાબા મંદિરના કારણે આજે શિરડી ચારે તરફ વિકાસ પામ્યું છે. વૈષ્ણોદેવી મંદિરની વાર્ષિક આવક ૫૦૦ કરોડ રૂપિયા છે. મુંબઇના સિધ્ધિવિનાયક મંદિરની વાર્ષિક આવક ૧૨૫ કરોડ રૂપિયાની મુકાય છે. અમૃતસરના હરમિંદર સાહેબ ખાતે દૈનિક એક લાખ યાત્રાળુઓ આવે છે. સ્વાભાવિક રીતે જ આ યાત્રાળુઓ સ્થનિક ઇકોનોમીને સધ્ધર કરવામાં મોટું યોગદાન આપતા હોય છે.

અત્રે ખાસ નોંધનીય છે કે ચાહે હિન્દુ હોય ચાહે મુસ્લિમ ભાગ્યે જ એકાદ ટકા માનવો એવા ક્ટ્ટર છે જે અન્ય ભગવાનના દર્શને નહી જાય. હવે જ્યારે અયોધ્યામાં મંદિર અને મસ્જીદ બન્ને હશે ત્યારે મંદિરના દશને આવનાર મસ્જીદ પણ જશે અને મસ્જીદે આવનાર મંદિર પણ જશે. હવે ગણતરી માંડો કે અયોધ્યામાં પ્રવાસીઓની સંખ્યા કેટલી વધશે અને આ બન્ને સ્થળોએ ધસારો કેટલો રહી શકે છે.?

આ થઇ રૂપિયાની દૈનિક મુવમેન્ટની. હવે વિચાર કરો કે જ્યારે અયોધ્યા નવા રૂપ ધારણ કરીને વિકાસની દિશામાં આગળ વધશૈ ત્યારે આસપાસનાં વિસ્તારોની જમીનનાં ભાવમાં પણ ઉછાળો આવશે. આજુબાજુનાં ગામડાંના લોકો રોજગાર માટે અયોધ્યા આવશે. હાલમાં ખાલી વકિલો જ કમાતા હતા જ્યાં હવે હોસ્પિટલો બનશે, શાળાઓ બનશે, બાગ-બગીચા બનશે. અદાલતે સરકારને આગામી ત્રણ મહિનાનો સમય આપ્યો છે તેથી કામ હવે ઝડપી બનશે એ વાત પણ નક્કી છે. કદાચ ૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે ભગવી સરકાર અયોધ્યામાં મંદિર બનાવવાની અને લઘુમતિઓને મસ્જીદ માટે નાણા ઉપરાંત રોજગાર આપવાના મુદ્દે મત માગવા જશે.આ ટાર્ગેટ માટે અયોધ્યામાં બે વર્ષમાં મદિર બનાવવું જરૂરી છે.

Loading...