શિક્ષણનો મુળ અર્થ છે વિકસિત થવું, નાના બાળકોને પાયાનું શિક્ષણ જરૂરી: ફાઉન્ડેશન કોર્ષ મજબુત હોય તો જ વિકાસ થઈ શકે

આજે ૧૦ વર્ષના બાળકને વાંચતા-ગણતા કે લખતા આવડતું નથી: ૩ થી ૬ વર્ષમાં પાયાનું શિક્ષણ અને તેના સર્વાંગી વિકાસ માટે કાળજી જરૂરી

આજે પાંચ વર્ષ પૂર્ણ કરે ત્યારે ધો.૧માં પ્રવેશ મળે છે. ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ છે ત્યારે હજી પણ કેટલાય બાળકો શાળાના પગથિયા ચડતા નથી. કેટલાક થોડુ ભણીને શાળા છોડી બાળમજુરી કરવા લાગે છે. ધો.૧ પહેલાનો અઢી ત્રણ વર્ષનો ગાળો એટલે અર્લી ચાઈલ્ડ એજયુકેશન નવી શિક્ષણ નીતિમાં પણ પ્રથમ પાંચ વર્ષ આ ગાળો અને ધો.૧-૨ને સમાવીને ફાઉન્ડેશન કોર્ષ કરવાની વિચારણા છે, કે નકકી કરાયું છે. બાલમંદિર કે નર્સરી-લોઅર કે હાયર કે.જી.સિસ્ટમનો ગાળો આ છે પણ આ ગાળામાં તેનો વિકાસ કેટલો થાય છે. હવે આ ગાળો સરકારી દાયરામાં આવતા નિયત અભ્યાસક્રમ કે ચોકકસ નીતિ ઘડાશે. બાલમનોવિજ્ઞાન આધારીત અભ્યાસ ક્રમ હોવો જરૂરી છે.

આમ જોઈએ તો ટબુકડા બાળમિત્રોને ગુજરાતી હિન્દી કકકો, એબીસીડી, બારાક્ષરી, હિન્દી-ગુજરાતી કે અંગ્રેજી, સાદા શબ્દો, કાનાવાળા શબ્દો, સંખ્યા ૧ થી ૧૦૦ કે ૧૦૦૦ સાથે સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, ગુજરાતી ઘડિયા ૧ થી ૧૦, ૧૧ થી ૨૦, ૨૧ થી ૩૦ કે ૩૧ થી ૪૦ સાથે વાંચતા-લખતા-ગણતા આવડવુ જોઈએ. આ પ્રાયમરીનો સાદો અભ્યાસક્રમ છે પરંતુ આપણી શિક્ષણ પ્રથામાં અહીં કચાશ જોવા મળે છે. ધો.૭માં ભણતો બાળક કડકડાટ વાંચી શકતો નથી. એના માટે વાંચન-ગણન-લેખન જેવા અભિયાન ચલાવવા પડે છે. જે શરમજનક કહેવાય. આજના યુગ શાળા સિવાયના સમયમાં મા-બાપે મોટા ભાઈ-બહેને નાના બાળકને સ્વઅધ્યયનમાં મદદરૂપ થવું જરૂરી છે.

ધો.૧ પહેલાના અઢી વર્ષ આંગણવાડીમાં સારું કામ થઈ રહ્યું છે. ખરેખર આ વયકક્ષામાં બાળકોની કાળજી લેવાય તો તેનું ફાઉન્ડેશન મજબુત થાય અર્થાત પાયો જ મજબુત થાય છે. શિક્ષણનો મુળ અર્થ જ છે વિકસિત થવું. આ વય કક્ષાને સૌથી વધુ જરૂર પાયાનું શિક્ષણ છે. તે જેટલું મજબુત તેટલું બાળક હોંશિયાર, નિપુણ સાથે તેનો સર્વાંગી વિકાસ ઝડપી બને છે. આમ જોઈએ તો આ વય કક્ષામાં ઘરમાં કે આસપાસના પર્યાવરણમાંથી નાનુ બાળક ઘણું બધુ શીખે છે જેમાં બોલચાલની ભાષા, પરિવારના સભ્યોની ઓળખ, પશુ-પક્ષી સાથે રૂટીંગ વ્યવહારની રીત-રસમ શીખી લે છે. અહીં તેમણે કલરફુલ રમકડા બહુ ગમે છે. તેના જેવડા બાળકોને જોઈને તે બાળક ઘણું બધુ શીખે છે.

ઘરના વાતાવરણ-આસપાસનું વાતાવરણ પ્રમાણે તે ગ્રહણ કરીને બહુ ઝડપથી શીખવા લાગે છે. મા-બાપે પુરતુ ધ્યાન રાખીને, સમય આપીને જીવન મુલ્ય શિક્ષણ, બુનિયાદી શિક્ષણ સાથે સારી ટેવો પાડવાની કામગીરી આ વયકક્ષામાં કરવી ખુબ જ જરૂરી છે. બે કે અઢી વર્ષથી બાળક ધો.૧માં પ્રવેશ મેળવે એ વચ્ચેના ત્રણ ગાળા તેના વિકાસ માટે અત્યંત મહત્વના છે. આ વય કક્ષામાં તેની જીજ્ઞાસાવૃતિ પ્રબળ હોવાથી તે વિવિધ પ્રશ્ર્નો પુછતા તમે સૌએ જોયા હશે. આવે સમયે તેનું જતન કરવું જરૂરી છે. આ ગાળામાં પરિવારની ઓળખ, પક્ષીઓ, જંગલી પ્રાણીઓ, પાલતું પ્રાણીઓ, શાકભાજી, ફળ, ફુલ, વાહનો, દેશ નેતાઓ, તહેવારો, સંગીતના સાધનો, કોમ્પ્યુટરના સાધનો, વિવિધ ધંધા-રોજગાર, આપણને મદદ કરતા માણસો, કુટુંબ, ઋતુ, રંગો-જીવજંતુ, તેમની વિવિધ વસ્તુઓ, જળચર પ્રાણીઓ, ઈલેકટ્રીક સાધનો, સારી ટેવો, ટાઈમટેબલ, ખોરાક, રાષ્ટ્રીય પ્રતિકો, શરીરના અંગો, વિવિધ આકારો, રસોડાની વસ્તુઓ, ચલણી નાણુ, સુર્ય નમસ્કાર, યોગા, બાળગીતો, ચિત્રો જેવા વિવિધ પાસાઓથી મા-બાપ વાકેફ કરાવે છે.

બે વર્ષ સુધીનું બાળક નિરીક્ષણ કરે છે. માતાની આસપાસ જ રહેતું હોવાથી તે ક્રમિક વિકાસ સાથે જોડાય છે. દૈનિક રૂટીંગ ક્રિયાઓ, સ્નાન, દાંતની સફાઈ જેવી નાની બાબતો બાળક જોવે છે, શીખે છે, બાળમનોવિજ્ઞાન પણ કહે છે કે નાનુ બાળક જોઈને વધુ શીખી શકે છે. બાળક ઘડિયાલમાં જોતા ઘરથી શીખે છે. આજના યુગમાં આ વય કક્ષાના બાળકો સ્માર્ટ ફોન પણ વાપરતા શીખી ગયા છે. કારણ મા-બાપન ેવાપરતા જોવે છે. આ વયકક્ષામાં તમે બાળવાર્તા કે ગીતો દ્વારા ઘણુ બધુ શીખવી શકો છો.

આંગણવાડી, પ્લેહાઉસમાં બાળક જાય ત્યારે એક બીજી સાથે વાત કેમ કરવી, મિત્રતા, સુચનાનો અમલ જેવી બાબતો સાથે વિવિધ રમતોના માધ્યમથી દઢિકરણ કે મહાવરાથી શિક્ષણ પ્રક્રિયા સાથે જોડાવવાનું શરૂ કરે છે. એ ફોર એપલ કે ક કબુતરનો ક ત્યાંથી જ પ્રારંભ થાય છે. હવે તો ધો.૫ સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવાનું નવી શિક્ષણ નીતિમાં નકકી કરાયું છે ત્યારે બાળક ઝડપથી શીખશે. કારણકે તેના આસપાસ કે ઘરમાં બોલાતી માતૃભાષામાં તેને શિક્ષણકાર્યમાં સમજ મળતા બુનિયાદી શિક્ષણનો પાયો મજબુત બનશે. જુની શિક્ષણ પઘ્ધતિ, જુના બાળગીતો, વાર્તામાં પણ અત્યારના ઈન્ફરમેશન ટેકનોલોજી યુગમાં સુધારો કરવો જ પડશે. એ વાત નકકી જ છે બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે. આપણે તો ફકત પ્રોત્સાહન આપીને તેનો વિકાસ કરવાનો છે. આ વયકક્ષામાં અનુભવજન્ય શિક્ષણ જરૂરી છે જેમ કે ઠંડુ, ગરમ, મીઠુ-તીખુ જેવી સંવેદનાઓ સાથે તેના રસ, રૂચી, વલણો આધારીત શિક્ષકોએ કાર્ય કરવુ પડે. કારણકે દરેક બાળકની શીખવાની ક્ષમતા જુદી-જુદી હોય શકે છે. મીનીમમ લેવલ ઓફ લર્નીંગની વ્યાખ્યાતળે કાર્ય થવું જરૂરી છે.

Loading...